રસથાળ:કોફી લવર્સ માટે વિવિધ કોફી સ્પેશિયલ વાનગીઓ

21 દિવસ પહેલાલેખક: બિંદિયા ભોજક
  • કૉપી લિંક
  • પરિવારમાં કોઈ તો એવું હશે જ જે કોફી લવર હશે. બનાવો તેમના માટે અવનવી કોફી ફ્લેવર વેરાયટીઓ...

કરિશ્માની પસંદ સિનમન એસ્પ્રેસો કોફી
સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરને કોફી ફ્લેવર ખૂબ પસંદ છે. ગરમાગરમ સિનમન કોફી તેને બહુ ભાવે છે

સામગ્રી: કોફી પાઉડર-1 ચમચી, દળેલી ખાંડ-1 ચમચી, તજ પાઉડર-પા ચમચી, ગરમ પાણી-1 કપ, દૂધ -અડધો કપ, છીણેલી ચોકલેટ-2 ચમચી, અખરોટનો ભુક્કો-1 ચમચી
રીત: એક નાનકડી કાચની જારમાં કોફી પાઉડર, દળેલી ખાંડ અને તજ પાઉડર નાખો. ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી જારને બંધ કરીને કોફી ફીણ કરવા લાગે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ફીણ અને કોફીનું પાણી એટલે કે એસ્પ્રેસો બે સરખા ભાગમાં થાય એટલે તેને કોફી મગમાં અડધું રેડો. તેની અંદર ગરમ દૂધની એક સાઈડથી ધાર રેડતા જવી. થોડીવારમાં જ બધું મિક્સ થઈ જશે. તેની ઉપર છીણેલી ચોકલેટ, અખરોટનો ભુક્કો છાંટીને સિનમન એસ્પ્રેસો કોફી સર્વ કરો.

કોફી શુગર કેક
સામગ્રી:
ટોસ્ટ-5 નંગ, મેરી બિસ્કિટ-10 નંગ, કોફી પાઉડર-દોઢ ચમચી, બૂરું ખાંડ-અડધો કપ, અનસોલ્ટેડ બટર-અડધો કપ, ગરમ દૂધ-1 કપ,બેકિંગ પાઉડર-1 ચમચી, બેકિંગ સોડા-અડધી ચમચી, ખાંડ-અડધો કપ
રીત: સૌ પ્રથમ મિકસરમાં ટોસ્ટ-બિસ્કિટને ક્રશ કરવા. હવે એક મોટા બાઉલમાં બટર લઇ તેને ખૂબ ફેંટવું. હવે તેમાં કોફી પાઉડર, બૂરું ખાંડ ઉમેરી બરાબર હલાવવું. ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ અને ક્રશ કરેલા ટોસ્ટ અને બિસ્કિટ ઉમેરી બરોબર મિક્સ કરવું. પાંચ મિનિટ ઢાંકીને રાખવું. હવે એક મોટી કડાઈને પાંચ મિનિટ ગરમ થવા મૂકો. એક ટીનના વાસણને ગ્રીસ કરી ઢાંકણ બંધ ઢાંકી ગરમ થવા મૂકો. કેકના મિશ્રણમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને એક ચમચી ગરમ દૂધ ઉમેરો. પ્રી-હિટ કરેલા ટીનમાં તેને રેડી પોણો કલાક બેક કરવા મૂકો. એક નોનસ્ટિક પેનમાં ખાંડ ઓગાળો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એક ચમચી કોફી પાઉડર ઉમેરી બરોબર હલાવી કોફી સિરપ તૈયાર કરી લો. હવે એક ચપ્પાની મદદથી કેક ચેક કરવી. કેક બેક થઈ જાય એટલે નીચે ઉતારી ટીન ઠંડંુ પડવા દેવું. ટીનમાંથી કેક સર્વિંગ ડીશમાં લઇ ઉપરથી કોફી-શુગર રેડો. કેકના પીસ કરીને સ્વાદિષ્ટ કોફી શુગર કેક સર્વ કરો.

કોફી બીન્સ કુકિઝ
સામગ્રી:
મેંદો-1 કપ, ઘી અથવા બટર-અડધો કપ, બૂરું ખાંડ-અડધો કપ, બેકિંગ પાઉડર-પા ચમચી, કોફી પાઉડર-1 ચમચી, કોકો પાઉડર-3 ચમચી
રીત: એક બાઉલમાં મેંદો ચાળી લો અને સાઈડ માં રાખો. હવે બીજા બાઉલમાં બટર અને બૂરું ખાંડને સારી રીતે વ્હીસ્કરની મદદથી ફેંટો. હવે તેમાં મેંદો, કોકો પાઉડર, કોફી, બેકિંગ પાઉડર અને જરૂર લાગે તો જ 1 ચમચી દૂધ ઉમેરો. દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લોટ બાંધો. હવે માઇક્રોવેવને કન્વેક્શન મોડ પર પ્રિ-હિટ કરો. કુકિઝના બાંધેલા લોટમાંથી મનપસંદ સેહ્પ આપો. બેકિંગ ટ્રે માં ગોઠવી 180 ડિગ્રી પર 10થી 15 મિનિટ માટે બેક કરો. ગરમ ગરમ કોફી બીન્સ કુકિઝ દૂધ સાથે સર્વ કરો.

કોફી ચોકલેટ આઈસક્રીમ
​​​​​​​સામગ્રી:
દૂધ-1 લિટર, ફ્રેશ ક્રીમ-1 કપ, કોફી પાઉડર-2 ચમચી, કોકો પાઉડર-2 ચમચી, ખાંડ-1 કપ, ચોકો ચિપ્સ-2 ચમચી, ચોકલેટ સિરપ-2 ચમચી
રીત: સૌપ્રથમ દૂધની અંદર ખાંડ ઉમેરી ઉકાળી લેવું. ઉકળતું હોય એ સમયે તેમાં કોર્નફલોર, કોફી પાઉડર અને કોકો પાઉડર ઉમેરી લેવો. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી ઠંડું થવા દેવું. હવે એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લઇ તેને ખૂબ ફેંટી લેવું. તેની અંદર ઠંડું થયેલું દૂધ મિક્સ કરી લેવું.
કોઇપણ એરટાઇટ ડબ્બામાં આ મિશ્રણને રેડી 6થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવો. આઇસક્રીમ સેટ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં સર્વ કરતી વખતે ઉપરથી ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ ભભરાવી સર્વ કરો.

કોફી વોલનટ બ્રાઉની
સામગ્રી:
મેંદો-1 કપ, બેકિંગ પાઉડર-1 ચમચી, બેકિંગ સોડા-અડધી ચમચી, કોકો પાઉડર-2 ચમચી, કોફી પાઉડર-1 ચમચી, કન્ડેન્સ્ડ મિલ્ક-અડધો કપ, સફેદ માખણ-અડધો કપ, બૂરું ખાંડ-પા કપ, વેનિલા એસેન્સ-1 ચમચી, તાજું દહીં-1 ચમચી, દૂધ-અડધો કપ, અખરોટના ટૂકડા-અડધો કપ, બટર પેપર-1 નંગ
રીત: મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, કોકો પાઉડર અને કોફી એમ બધી સામગ્રીને મિક્સ કરો. એક મોટા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ અને ખાંડ મિક્સ કરો. દરેક વસ્તુને સારી રીતે ફેંટો. એક બાઉલમાં એસેન્સ, દૂધ અને દહીં મિક્સ કરો. હવે દરેક સામગ્રીને મેંદાવાળા બાઉલમાં મિક્સ કરો.
ત્યારબાદ બેકિંગ ડીશને ગ્રીસ કરી અંદર બટર પેપર મૂકી તૈયાર કરેલા બ્રાઉની બેટરને રેડો. અખરોટના ટૂકડા તેની ઉપર ભભરાવો. બ્રાઉનીને બેક કરતા પહેલા 10 મિનિટ માટે ઓવનને
પ્રી-હીટ કરો.બ્રાઉનીને 180 ડિગ્રી પર અડધો કલાક માટે બેક કરો. રૂટીન બ્રાઉની કરતા આ કોફી બ્રાઉની ખૂબ જ અલગ સ્વાદ આપે છે.

કોફી આલ્મન્ડ ચોકલેટ
​​​​​​​સામગ્રી:
કોફી પાઉડર-ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ-1 કપ, મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ-1 કપ, કોફી પાઉડર-1 ચમચી, વેનિલા એસેન્સ-3, સિલિકોન કે પ્લાસ્ટિકના ચોકલેટ મોલ્ડ, સમારેલી બદામ-અડધો કપ
રીત: રૂમ ટેમ્પરેચર પર હોય તેવી ડાર્ક અને મિલ્ક ચોકલેટ લેવી. હવે એક કાચના બાઉલમાં બંને ચોકલેટને નાના ટુકડામાં સમારી લેવી. સમારેલી ચોકલેટને ફક્ત એક મિનિટ માટે માઇક્રોવેવ કરવી. ચમચી વડે હલાવી મિક્સ કરવી. ગેસ ઉપર ડબલ બોઇલરમાં પણ મેલ્ટ કરી શકાય છે પરંતુ તેમાં થોડો સમય વધારે જશે. બરાબર ઓગળી જાય એટલે બહાર કાઢી તેમાં કોફી પાઉડર, બદામના ટુકડા અને વેનિલા એસેન્સ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી નાની ચમચીથી મિશ્રણને મોલ્ડમાં ભરતા જવું. ચોકલેટ ભરાઇ જાય એટલે મોલ્ડને ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ કરવા મૂકવા. કોફી આલ્મન્ડ ચોકલેટ સેટ થાય પછી અનમોલ્ડ કરી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

અમેરિકનો આઇસ્ડ કોફી
સામગ્રી:
કોફી પાઉડર-1 ચમચી, ગરમ પાણી-3 ચમચી, શુગર સિરપ-4 ચમચી, આઈસ ક્યુબ્સ-5થી 6, ઠંડું પાણી-અડધો ગ્લાસ
રીત: એક બાઉલમાં કોફી પાઉડર અને ગરમ પાણી લઈ તેને મિક્સ કરી અડધો કલાક માટે ફ્રિજમાં મૂકો. અડધા કલાક પછી બે લાંબા ગ્લાસમાં કોફીનું તૈયાર કરેલું મિશ્રણ અને બરફના ટુકડા લો. તેની ઉપર ઠંડુ પાણી ઉમેરો. હવે શુગર સિરપ રેડી બધું એક ગ્લાસથી બીજા ગ્લાસમાં બેથી ત્રણ વખત રેડી સરસ મિક્સ કરી લો. રીફ્રેશિંગ આઇસ્ડ કોફીની મજા માણો.

અન્ય સમાચારો પણ છે...