વુમન ઇન ન્યૂઝ:પર્યાવરણનાં સંવર્ધન માટે ધૂણી ધખાવીને બેઠેલાં તુલસીને ‘પદ્મશ્રી’નું સન્માન

મીતા શાહ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કર્ણાટકનાં પર્યાવરણપ્રેમી 72 વર્ષીય તુલસી ગૌડાને ‘પદ્મશ્રી’ એનાયત કરીને તેમના પ્રયાસોનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મળ્યા પછી તુલસી ગૌડા ચર્ચામાં છે. તુલસી ગૌડા જ્યારે તેમને મળેલું આ સન્માન લેવા માટે સમારોહમાં પહોંચ્યાં ત્યારે તેમનાં શરીર પર પરંપરાગત સુતરાઉ વસ્ત્ર હતું અને તેમણે પગમાં ચંપલ પણ નહોતાં પહેર્યાં. તેમનું સરળ વ્યક્તિત્વ એટલું જાજરમાન હતું કે તેમની જ્યારે પીએમ મોદી અને અમિત શાહ જેવા નેતાઓ સાથે મુલાકાત થઇ ત્યારે આ રાજનેતાઓએ પણ અહોભાવથી તેમનું અભિવાદન કર્યું હતું.

જંગલના એન્સાઇક્લોપીડિયા મ‌ૂળ કર્ણાટકના તુલસી ગૌડાનો જન્મ એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેમની આર્થિક અને પારિવારિક સ્થિતિ એટલી ચિંતાજનક હતી કે તેમને ક્યારેક ઔપચારિક શિક્ષણ લેવાની તક જ નહોતી મળી. જોકે પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ પોતાનો મોટાભાગનો સમય જંગલમાં પસાર કરતાં હતાં. ધીરે ધીરે જંગલ પ્રત્યેનો તેમનો પ્રેમ વધવા લાગ્યો અને ક્રમશ: છોડ તેમજ જડીબુટ્ટીઓ પ્રત્યેના તેમના જ્ઞાનને કારણે આજે દુનિયા તેમને ‘જંગલના એન્સાઇક્લોપીડિયા’ તરીકે ઓળખે છે.

એકલતાનો ઉપાય તુલસીનો જન્મ કર્ણાટકની હલક્કી જનજાતિના એક પરિવારમાં થયો હતો. તેમણે બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને નાની ઉંમરમાં જ માતા સાથે બહેનોએ કામ કરવાનું શરૂ કરી દીધું. આ કારણોસર તેમને ક્યારેય શાળાએ જવાની તક જ ન મળી. માત્ર 11 વર્ષની ઉંમરે તો તુલસીનાં લગ્ન પણ થઈ ગયાં, પરંતુ પતિનું પણ થોડા જ દિવસોમાં નિધન થયું. તુલસી માત્ર 12 વર્ષનાં હતાં ત્યારથી જ ઝાડ-છોડ ઉછેરવાનાં શરૂ કરી દીધાં હતાં. જો તુલસી

ગૌડાના જીવન સંઘર્ષોનું અનુકરણ કરવામાં આવે તો ચોક્કસથી શિક્ષણ અને સંસાધનોની દુનિયામાં અમૂલ્ય પરિવર્તનો લાવી શકાય. જીવનનાં દુ:ખ અને એકલતાને દૂર કરવા માટે જ તુલસી ગૌડાએ ઝાડ-છોડની સંભાળ રાખવાનું શરૂ કર્યું અને ધીરે-ધીરે તેનો તેમાં રસ વધતો જ ગયો અને રાજ્યની વનીકરણ યોજનામાં પણ જોડાઈ ગયાં હતાં. વર્ષ 2006 માં તેને જંગલ વિભાગમાં વૃક્ષારોપકની નોકરી મળી અને ચૌદ વર્ષના કાર્યકાળ બાદ આજે તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે. તેઓ 70 વર્ષની વયે રિટાયર્ડ થયાં હતાં પણ આ દરમિયાન તેમણે અગણિત ઝાડ વાવ્યાં અને જૈવિક વિવિધતા સંરક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...