દરેક બાળકને નવાં નવાં રમકડાંથી રમવાનું ગમતું હોય છે. જોકે બાળકો માટે રમકડાં ખરીદતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ. બાળકો માટે રમકડાં ખરીદો તો જરૂરી નથી કે એ મોંઘાં હોય, પણ બાળકને ગમવાં જોઇએ અને તેને માનસિક વિકાસમાં મદદ કરતાં હોય. વયનું રાખો ધ્યાન એકથી ત્રણ વર્ષનાં બાળકો એક જગ્યાએ બેસીને નથી રમી શકતાં. તેમની સમજણ પણ એટલી બધી વિકસી નથી હોતી. આ વયનાં બાળકો માટે બોલ, ઢીંગલી, વોકિંગ ટોઈઝ અને સોફ્ટ ટોયનો વિકલ્પ યોગ્ય છે. બાળક જેમ-જેમ મોટું થાય છે, તેમ-તેમ તેને સમજણ આવવા માંડે છે. વધતી વયનાં બાળકોને તેમને રસ પડે એવાં રમકડાં આપવાં જોઇએ. દરેક માતા-પિતાએ બાળકોને એવાં રમકડાં બિલકુલ ન આપવાં જોઇએ જેનાથી તેમને એલર્જી થાય થાય અથવા તેમનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચે. આ સિવાય માતા-પિતાએ બાળકની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઇએ. કોઇ દુર્ઘટના બને તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ. રમકડાં પ્રેરે માનસિક વિકાસ રમકડાંને કારણે બાળકનો માનસિક વિકાસ ઝડપથી થાય છે. નાનકડું બાળક દર સેકન્ડે કંઇક નવું શીખે છે અને રમકડાં આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે તેમજ સકારાત્મક ટેકો આપે છે. બાળ રમકડાંને કારણે બાળકોની દૃષ્ટિ અને શ્રવણ શક્તિનો તો વિકાસ થાય જ છે પણ સાથે સાથે સ્પર્શની લાગણીનો વિકાસ થાય છે. નાનકડા બાળકના રસના વિષયનો ખ્યાલ પણ આવાં રમકડાંથી જ આવતો હોય છે. તાલીમ આપે રમકડાં બાળક જન્મે છે ત્યારથી મા-બાપ અને તેનાં નજીકનાં લોકો સાથે સંપર્કમાં આવે છે. રમકડાંના કલરથી તેની યાદશક્તિ વિકસે છે. બાળક પોતાની આસપાસની વસ્તુઓમાંથી ઘણું શીખે છે અને તેને તાલીમ આપવાનું કામ વિવિધ રમકડાં કરે છે. રમકડાં માત્ર મનોરંજન નથી, તે એક તાલીમ છે જે બાળકને લાગણીઓને સમજવામાં અને વિકાસમાં મદદ કરે છે. બાળકને કંટાળાજનક પુસ્તકો વાંચવાં ગમતાં નથી તેથી વિવિધ શૈક્ષણિક રમકડાંએ શિક્ષણમાં મહત્ત્વનું સ્થાન લઇ લીધું છે. રમકડાંને શિક્ષણમાં સ્થાન મળતાં એની મદદથી બાળક કોઇ પણ વસ્તુ ઝડપથી શીખે છે અને યાદ પણ રાખી લે છે. સમજી વિચારીને કરો પસંદગી ઘણી વખત રમકડાં બનાવવા માટે જે રબર કે પ્લાસ્ટિક વપરાય છે એ હલકી ગુણવત્તાવાળું હોય છે. સોફ્ટ રમકડાંમાં થેલેટ નામનું એક રસાયણ ઉપયોગમાં લેવાય છે, તેની વધુ માત્રા બાળકમાં કેન્સરનું જોખમ વધારે છે. એ રસાયણવાળાં રમકડાંમાંથી નીકળતા રેસા જો બાળકનાં શરીરમાં જાય તો તે નુકસાન કરી શકે છે. સોફ્ટ ટોયની ખરીદી કરતી વખતે એની ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવું જોઇએ. કેટલાંક રમકડાં જ્વલનશીલ પ્રકારનાં હોય છે જે ઝડપથી સળગી ઊઠે છે. આવા રમકડાં ખરીદવાનું ટાળવું જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.