લેટ્સ ટોક:ટોક્સિક રિલેશનશિપ: સમજો અને એનો અંત લાવવા જાતને સમજાવો

12 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

સંબંધોમાં જો પ્રેમ અને વિશ્વાસ હોય તો એ જીવનને આનંદથી ભરી દે છે અને તમને સતત વિકાસ કરવાની પ્રેરણા આપે છે પણ જો આ સંબંધો ટોક્સિક બની જાય તો જીવનમાં સમસ્યાનો પાર નથી રહેતો અને તે વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે ભાંગી નાખે છે. જોકે ઘણી વખત આ ટોક્સિક સંબંધો પર કૃત્રિમ પ્રેમનો સોનેરી વરખ લાગેલો હોય છે જેના કારણે એને સહેલાઇથી ઓળખી નથી શકાતો. જોકે એવાં કેટલાંક લક્ષણો છે જે સંબંધ ટોક્સિક બની ગયો છે એ સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો તમે આવી જ કોઇ ટોક્સિક રિલેશનશિપમાં હો તો એને ઓળખીને પછી કોઇ પણ પ્રકારની લાગણીમાં તણાયા વગર એનો અંત લાવવા માટે જાતને સમજાવાની જરૂર છે. હાલમાં દિલ્હીના પ્રકાશમાં આવેલા ‘શ્રદ્ધા વાકર હત્યાકાંડ’ પછી ફરીથી ટોક્સિક રિલેશનશિપ ચર્ચામાં છે ત્યારે આનાં લક્ષણો સમજવા જરૂરી છે. ટોક્સિક રિલેશનશિપનાં લક્ષણો 1. જ્યારે તમે અનેે તમારો પાર્ટનર પ્રેમથી વાત કરવાને બદલે નાની-નાની વાતમાં એકબીજા સાથે લડવા લાગો તો આને ટોક્સિક કોમ્યુનિકેશન કહી શકાય. આવી પરિસ્થિતિ બહુ લાંબો સમય ચાલે ત્યારે રિલેશનશિપ ટોક્સિક બની જાય છે અને આ મામલે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. 2. જો પાર્ટનર એકબીજાને કોઇ પણ વાતમાં અને વિચારોમાં સપોર્ટ ન કરતા હોય તો રિલેશનશિપ સ્વસ્થ નથી એ સમજી લેવાની જરૂર છે. જો તમારા જીવનમાં પણ આવું થઇ રહ્યું હોય તો તમારે શાંતિથી બેસીને એ વિચારવાની જરૂર છે કે તમારા સંબંધો કઇ રીતે નેગેટિવ ફીલિંગનો શિકાર બની ગયો છે. સપોર્ટ ન મળવાને કારણે ઘણી વખતે વ્યક્તિ એકલાપણું અનુભવવા લાગે છે. આ ટોક્સિક રિલેશનશિપની નિશાની છે. 3. જો તમારો પાર્ટનર તમારી સફળતા જોઇને ઇર્ષાની લાગણી અનુભવે તો પાર્ટનર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તમારે સમજી લેવાની જરૂર છે કે તમે એક ટોક્સિક રિલેશનશિપનો ભોગ બન્યા છે. સ્વસ્થ સંબંધોમાં બંને પાર્ટનર એકબીજાની સફળતા જોઇને ખુશી અનુભવે છે, એકબીજાની ઇર્ષા નથી કરતા. 4. જો તમારો પાર્ટનર રિલેશનશિપમાં તમારી સાથે ચીટિંગ કરી રહ્યો હોય કે કરી રહી હોય તો તમારો સંબંધ ટોક્સિક થઇ ગયો છે એ સમજી લેવાની જરૂર છે. તમારો પાર્ટનર તેના મિત્રો વિશે છૂપાવે, એના વિશે ખોટું બોલે કે પછી કોલ હિસ્ટ્રી ડીલિટ કરવા લાગે તો પાર્ટનર સંબંધોના મામલે ઇમાનદાર નથી એ સમજી લેવાની જરૂર છે. આવા સંબંધો ટોક્સિક બની જાય છે અને બહુ જલ્દી તૂટી જાય છે. જો એને પરાણે ખેંચવામાં આવે તો ભયાનક પરિણામ પણ આવી શકે છે. 5. જો પાર્ટનર રિલેશનશિપમાં હોવા છતાં એકબીજાની અવગણના કરવા લાગે તો સંબંધોમાં પ્રેમ નથી રહ્યો એ સમજી લેવાની જરૂર છે. આવા સંબંધથી શક્ય એટલા ઝડપથી દૂર થઇને નવા સંબંધની શરૂઆત કરવી જોઇએ. જો તમારો પાર્ટનર તમારી અવગણના કરી રહ્યો હોય તો એનું કારણ સમજવાનો પ્રયાસ કરો. આ તમામ લક્ષણ ટોક્સિક રિલેશનશિપ તરફ ઇશારો કરે છે. જો તમે પણ આવી ટોક્સિક રિલેશનશિપમાં ફસાઇ ગયા હતો એમાંથી ઝડપથી નીકળી જવાનો વિકલ્પ જ યોગ્ય છે. જોકે ઘણી વખત વ્યક્તિ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની હિંમત કેળવી શકતી નથી. આ સંજોગોમાં જાતને નીચેના મુદ્દા સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ. 1. તમારી ભૂલ નથી : સૌથી પહેલાં જાતને સમજાવો કે જો રિલેશનશિપ ટોક્સિક થઇ ગઇ હોય તો એમાં માત્ર તમારી ભૂલ નથી. આ પરિસ્થિતિ માટે તમારો પાર્ટનર અથવા તો બંને જવાબદાર હોઇ શકો છો. 2. ટોક્સિક પાર્ટનરના પ્રયાસથી અંજાઇ ન જાઓ : ઘણી વખત ટોક્સિક રિલેશનશિપમાં જે પાર્ટરનો વાંક હોય તે પાર્ટનર કોઇ પણ સંજોગોમાં બીજા પ્રયાસને પોતાની પકડમાંથી છોડવા નથી ઇચ્છતી અને આ કારણે તેને ખુશ કરવાના પ્રયાસ કરતી રહી છે. જોકે તમને ખાતરી હોય કે સંબંધોનું કોઇ ભાવિ નથી તો પાર્ટનરના ખુશ કરવાના કામચલાઉ પ્રયાસોથી અંજાઇ જવાને બદલે નક્કર નિર્ણય લઇ લો. 3. ખરાબ વ્યવહાર સામે આંખ આડા કાન ન કરો : ઘણી વખત વ્યક્તિ જ્યારે તેના પાર્ટનરના ગળાડૂબ પ્રેમમાં હોય ત્યારે તેના ખરાબ વ્યવહાર સામે આંખ આડા કાન કરવાનું વલણ કેળવતી હોય છે. આ બિલકુલ યોગ્ય નથી. ‘દિવસ સારો નહોતો ગયો’ કે પછી ‘મિત્ર સાથે ઝઘડો થઇ ગયો હતો’ જેવા બહાનાં હેઠળ તમારો પાર્ટનર વારંવાર તમને ‘પંચિગ બેગ’ ગણીને પોતાની હતાશા તમારા ઠાલવતો હોય તો આ ટોક્સિક સંબંધથી છેડો ફાડી નાખવો જ યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...