તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:પત્નીને બોલ્ડ કપડાં માટે ટોકું તો ઝઘડો થાય છે...!

મોહિની મહેતા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી પત્ની જોબ કરે છે. એ ઘણી વાર ઘરે આવીને કોઇની સાથે વાતો કરતી હોય છે. ક્યારેક એના મોબાઇલ પર મોડી રાત્રે મેસેજ પણ આવે છે. મેં એક-બે વાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો, તો એ ફ્રેન્ડના મેસેજ છે, કહીને વાત ઉડાવી દે છે. એને કોઇની સાથે સંબંધ તો નહીં હોય? મારે કઇ રીતે જાણવું કે એને મોડી રાતે મેસેજ કે કોલ કોણ કરે છે? એક પુરુષ (વડોદરા) ઉત્તર : તમારાં પત્ની જોબ કરે છે. શક્ય છે કે એમને કોઇ કામ અંગે ક્યારેક કોઇ કલીગના ફોન આવે અથવા તો એ જેમ કહે છે એ પણ શક્ય છે કે એમની ફ્રેન્ડના ફોન કે મેસેજ આવતાં હોય કેમ કે જોબ કરતાં હોય તેથી આખો દિવસ ઓફિસ અને ઘરે આવ્યાં પછી ઘરનાં કામકાજ બાદ આજકાલ મહિલાઓને પોતાના માટે થોડો જ સમય મળતો હોય છે. તમે એમ માનો છે કે એ વાત ઉડાવી દે છે, પણ એવું હોઇ શકે કે ફ્રેન્ડ્ઝની વાતમાં કંઇ એવું ખાસ ન હોય જે તમને જણાવવાનું હોય. તેથી એ ન કહેતાં હોય. તમે આ રીતે એમને મેસેજ કે કોલ કરનાર વિશે જાણવાનો પ્રયત્ન કરીને અને આગ્રહ રાખીને તો ઊલટાનું તમારાં પત્ની પ્રત્યે શંકાનું બીજ મનમાં ધરાવો છો. એ શંકા દૂર કરો અને શાંતિથી તમારા સુખી લગ્નજીવનને માણો. ઘણી વખત એવું પણ બની શકે છે કે તમારી પત્નીને તમારા સવાલ સામે નહીં પણ તમે જે ટોનમાં આ સવાલ કરી રહ્યા હો એની સામે વાંધો હોય અને આ વાંધાને કારણે તે તમને માહિતી આપવાનું ટાળતી હોય અથવા તો તમારા પ્રશ્નને જ ઉડાવી દેતી હોય. તમે એને શાંતિથી સમજાવી શકો છો કે આ સવાલો માટે તમારી શંકા નહીં પણ તેના માટેનો તમારો પ્રેમ જવાબદાર છે. પ્રશ્ન : હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે એ પોતાની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના કહીને મારી સાથે સગાઇ કરવાનું કહે છે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી? જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું. તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે. માટે એને કહો કે એ જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે. પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં મારી ઓફિસની બાજુમાં એક યુવાન જોબ કરે છે. મને એ ખૂબ ગમે છે અને અમારી વચ્ચે હાય-હલ્લોનો સંબંધ છે. મને જાણવા મળ્યું કે એની સગાઇ થઇ ગઇ છે. એની સગાઇ થઇ ગઇ હોવા છતાં એણે મારી સાથે સંબંધ કેમ વધાર્યો હશે? મારે એને કઇ રીતે ભૂલવો? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમે જો એકપક્ષીય પ્રેમની લાગણીમાં દિલ તૂટવાની લાગણી અનુભવતા હો તો એમાં સૌથી મોટો વાંક તમારો જ છે. એ યુવક તો તમારી સાથે મિત્રતા કરવા જ ઇચ્છતો હતો પણ તમે એની લાગણીને એકપક્ષીય પ્રેમનું સ્વરૂપ આપી દીધું છે. જો એ તમને પસંદ હતો, તો પછી તમારે એની સાથે પહેલાંથી જ કેટલીક બાબતોની જાણકારી મેળવી લેવાની જરૂર હતી. તમને જ્યારે લાગ્યું કે તમને એ યુવાન ગમવા લાગ્યો છે, એ જ સમયે જો તમે એના વિશે પૂરતી તપાસ કરી લીધી હોત તો અત્યારે તમને જે દુ:ખ થાય છે તે ન થયું હોત. એ યુવાને કોઇ બદઇરાદાથી તો તમારી સાથે સંબંધ બાંધ્યો નહોતો. તમે એને પૂછ્યું હોત તો પણ જાણ‌ થઇ શકી હોત. હવે તમારે જીવનમાં આગળ વધવું જોઇએ. આ અનુભવ તમારા માટે એક પાઠ સમાન છે અને એના કારણે તમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરો. પ્રશ્ન : મારી પત્નીને ભરપૂર અંગપ્રદર્શન થાય એવાં જ કપડાં પહેરવા ગમે છે. હું આ મામલે તેને ટોકું તો એને બહુ ખરાબ લાગે છે અને પછી અમારી વચ્ચે ઝઘડો થઇ જાય છે. તે દલીલ કરે છે કે તે લગ્ન પહેલાં પણ આવાં કપડાં જ પહેરતી હતી અને તેને આવું જ ડ્રેસિંગ ગમે છે. અમે જ્યારે કોઇ પારિવારિક પ્રસંગોમાં જઇએ છીએ ત્યારે બધાં તેની સામે જ ટીકીટીકીને જોતા હોય છે જે મને બિલકુલ નથી ગમતું. મારા માતા-પિતાને પણ પુત્રવધૂનાં વસ્ત્રોને કારણે શરમાવું પડે છે. જોકે મારી પત્ની મારી વાત સમજવા જ તૈયાર નથી.મારી આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવી શકે? એક યુવક (સુરત) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓ મર્યાદામાં રહેતી હોય છે, પરંતુ ઘરમાં વડીલની હાજરી ન હોય તો ક્યારેક આવી શક્યતા નિર્માણ થતી હોય છે. સ્વાભાવિક છે કે, તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ હોય તો તે પણ કદાચ અસહજતા અનુભવે. આમ તો દરેક વ્યક્તિને તેને જે રીતે રહેવું હોય તે રીતે રહેવાનો હક છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગ પણ જોવા પડે છે. શક્ય છે કે તમારી પત્ની લગ્ન પહેલાં પણ બોલ્ડ વસ્ત્રો પહેરતી હોય એટલે તેને આ સ્વાભાવિક લાગે છે પણ તેણે હવે સમજવું જોઇએ કે લગ્ન પછી તેના પર સાસરિયાંનું માન જાળવવાની જવાબદારી પણ છે. તેણે સમજવું પડશે કે જો સોસાયટીમાં માન જાળવી રાખવું હોય તો અમુક રીતે રહેવું પડે છે. જો તમારી પત્ની આ વાત સમજવા તૈયાર ન હોય તો તમારે બળને બદલે કળથી કામ લેવાની જરૂર છે. તમે તેને અમુક ખાસ સંજોગોમાં કે જાહેરમાં બોલ્ડ વસ્ત્રો ન પહેરવા માટે સમજાવી શકો છો. આ સ્થિતિનો ઉકેલ સમજાવટથી જ આવી શકે છે. જોકે તમે કઈ રીતે તેને સમજાવો છો તે સૌથી મહત્ત્વની વાત છે. જો તમે તેની સાથે આ અંગે ચર્ચા કરતાં ગુસ્સે થઈ જતા હશો કે પછી તેને ગુસ્સો આવી જતો હશે તો તેનું નિરાકરણ ક્યારેય આવવાનું નથી.

અન્ય સમાચારો પણ છે...