તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:‘સચ કહું તો’...મારા જેવું ન કરાય

મેઘા જોશી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મને અને તમને એક માત્ર મુદ્દો લાગુ પડે છે કે તમે ભૂલને ગ્લોરિફાય કરો અને રૂપાળા વાઘા પહેરાવી ભવિષ્યમાં છાપો પણ એમાં પસ્તાવાના ગુણાકાર જ સમાયેલા છે

જીવનની કોઈ એક ઢળતી સાંજે જાત સાથેની પૂરેપૂરી પારદર્શિતા અને નૈતિકતા સાથે વાત માંડો તો સાચું કહેજો કે તમે શું કહો? જીવનની નાની-મોટી દરેક બાબત જયારે આત્મકથા સ્વરૂપે લખવાની આવે ત્યારે એની એક માત્ર શરત જાત સાથેની ઓનેસ્ટીની છે. આત્મકથા વાંચવી ગમે છે એનું કારણ એમાં નજર સામે જિવાયેલું જીવન હોય છે,એના ઘણા કિસ્સા કહાનીઓ સાથે આપણે સૌ જોડાણ અનુભવીએ છીએ અને લગભગ આપણી જ વાત હોય તેવું લાગે છે. જયારે એક સફળ સેલિબ્રિટીએ જીવનના દરેક તબક્કામાં ક્રાંતિકારી પ્રયોગો કર્યા હોય એ એ જયારે આત્મકથામાં લખે ત્યારે એમાંથી શું સમજવું અને શું શીખવું એ નક્કી કરવું અઘરું હોય છે. સમાજ માટે સ્વીકૃત નથી એવા દરેક પ્રયોગ વાંચીને આપણે આકર્ષિત થઇ છીએ, પરંતુ સામાન્ય માણસને ક્યાંથી પોસાય? એવા નિસાસા સાથે ક્રાંતિકારી પ્રયોગની મનોમન ઈર્ષ્યા કરીએ છીએ, પણ કદાચ એવું ના પણ હોય. તમે અને હું જે મુક્ત વર્તનની મનોમન ખેવના કરીએ છીએ તે માત્ર અને માત્ર વ્યાજ સહિત વધતી ભૂલો પણ હોઈ શકે. મંજાયેલી અને સફળ અભિનેત્રી નીના ગુપ્તા લિખિત આત્મકથા ‘સચ કહું તો’ કદાચ એક એવું પુસ્તક સાબિત થઇ શકે જેમાં ‘શું ના કરવું જોઈએ’ની સ્પષ્ટતા વધુ મળે. તાજેતરમાં પ્રગટ થયેલી તેની બિન્ધાસ્ત આત્મકથા ‘સચ કહું તો’ વિશે નીના ગુપ્તા કહે છે, ‘મારી ભીતરમાંથી બધું હવે બહાર નીકળી ગયું છે. વર્ષોથી હું ઘણું છુપાવીને બેઠી હતી. હવે મોટી રાહત છે. મને લાગે છે કે આ પુસ્તક વાંચ્યા પછી એક વ્યક્તિ પણ મારા જેવી ભૂલો કરવાથી દૂર રહે તો આ લખવાનું લેખે લાગશે. મેં દિલ નિચોવીને જીવનને જીવ્યું છે. દિલથી જીવવાની મજા એ છે કે તમને ઠોકર વાગે તોય તેનો સંતોષ તો હોય જ. ઈશ્વરે જે આપ્યું અને જે કંઇ ખોટું થયું તેને મેં તેને સ્વીકારી લીધું અને આગળ વધી ગઈ. મને પણ એક નોર્મલ પતિ, તેનાં બાળકો, સાસુ-સસરા, નાના-નાનીની ઈચ્છા હતી. બીજા લોકોને જોઉં તો થોડી ઈર્ષ્યા થાય, પણ મેં કોઈને દોષ નથી આપ્યો કે ન તો હું ખુવાર થઈ ગઈ. મારી પાસે આગળ વધી જવા સિવાય બીજો રસ્તો ન હતો. તમે આ પુસ્તકમાં જોશો એ જીવન જીવવાની મારી ઈચ્છા જરાય ન હતી.’ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની એક બહેતરીન કલાકાર સમાજની અને ઇન્ડસ્ટ્રીની દરેક પ્રથાને અવગણીને સંઘર્ષ સાથે આગળ વધતી ગઈ. પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડસ સાથેના સંબંધ, સિંગલ માતા તરીકે દીકરીનો ઉછેર, કારકિર્દીના ઉતાર ચઢાવ સાથે મોટી ઉંમરે ફરી એક વાર બમણાં પેશન સાથે કમ બેક...એક-એક વાત વાંચીને કેવું જીવંત લાગેને? કાસ્ટિંગ કાઉચ, સિંગલ હોવાને કારણે નજરો બદલીને વર્તન કરતા પુરુષો વિશેની વાત હોય કે દીકરી સાથેના અનોખા સંબંધની વાતો હોય...નીનાએ ખૂબ નિખાલસતાથી લખી છે એ જાણવા મળ્યું, પરંતુ વાત અહીં નીનાની હિંમતની માત્ર નથી. વરિષ્ઠ અભિનેત્રીના અંગત અનુભવો વાંચીને આપણે શું શીખીશું? પ્રોતિમા બેદીની ‘ટાઈમ પાસ’હોય કે નીના ગુપ્તાની ‘સચ કહું તો’હોય મને અને તમને એક માત્ર મુદ્દો લાગુ પડે છે કે તમે ભૂલને ગ્લોરિફાય કરો અને રૂપાળા વાઘા પહેરાવી ભવિષ્યમાં છાપો પણ એમાં પસ્તાવાના ગુણાકાર જ છે. આજે અબઘડી તમે એલર્ટ રહીને કેટલી ભૂલોથી બચી શકો છો એટલી સતર્કતા આવે તો બહુ થયું. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...