ઘરમાં બાળકના જન્મ સાથે ખુશીનું વાતાવરણ છવાઇ જાય છે. બાળકની ખાલીઘેલી બોલીથી વાતાવરણમાં આનંદ છવાઇ જાય છે. બાળકો જેટલું જલદી ચાલતાં શીખે છે એટલું જલદી બોલવાનું શરૂ નથી કરતાં. બાળક 12 મહિનાનું થાય ત્યારે માત્ર 1-2 શબ્દો બોલતાં શીખે છે. બાળક 18 મહિનાનું થાય ત્યાં સુધીમાં 10-15 શબ્દો બોલતાં શીખી જાય છે. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં 2-3 શબ્દો એકસાથે બોલતું થઈ જાય છે અને 3થી 4 વર્ષનાં થાય ત્યાં સુધીમાં વાતો કરતું થઈ જાય છે. બાળક બોલતાં શીખે ત્યારે શરૂઆતમાં તોતડાય તો બધાંને એ સાંભળવાનું ગમતું હોય છે પણ એ થોડું મોટું એટલે કે પાંચ-છ વર્ષનું થાય એ પછી પણ તોતડી ભાષામાં વાત કરે તો એ ચિંતાનો વિષય બની જાય છે. આ સિવાય પણ બાળકોમાં ઘણા સ્પીચ પ્રોબ્લેમ હોઈ શકે છે. બાળક બની જાય છે એકલવાયું : બાળક નાનું હોય ત્યારે આ તોતડું બોલે તો બધા તેને ક્યુટ માને છે, પણ જ્યારે તે સ્કૂલ જવા માંડે ત્યારે તેની સાથે ભણતાં બાળકો કે બીજા લોકો તેની મજાક ઉડાવે છે. તેના પર હસે છે. બાળકને સ્પીચનો પ્રોબ્લેમ હોય છે એ કોઈ ને કોઈ રીતે બાળકની સાઇકોલોજી સાથે જોડાયેલો જ હોય છે અને આ પ્રકારનું વાતાવરણ તેના મન પર વધુ અસર કરે છે. તે બોલતાં જ ખચકાવા લાગે છે, લોકોને મળવું તેને ગમતું નથી અને એકલવાયું બની જાય છે. બોલવું એ વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ છે અને બોલવાનું જ જો છીનવાઈ જાય તો બાળક ગૂંગળાય છે. આ પરિસ્થિતિમાં તેને ઘરના લોકોનો સપોર્ટ જરૂરી છે તથા આ બાબતે પેરન્ટ્સે થોડા જાગૃત થઈને બાળકનો યોગ્ય ઇલાજ કરાવવો જેથી તેને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી સહન ન કરવી પડે. શારીરિક પરિસ્થિતિ પણ જવાબદાર : ઘણાં બાળકોને તોતડું બોલવાનો પ્રોબ્લેમ હોય તો એના એની પાછળ ખાસ તબીબી કારણો પણ જવાબદાર હોઇ શકે છે. ઘણાં બાળકોની જીભ ટૂંકી હોય કે જેને જીભ ચોંટે છે એવું પણ કહેવાય એટલે કે જીભની નીચે આવેલો સ્નાયુ થોડો નાનો હોય જેને લીધે જીભ જલદીથી ઊપડે નહીં અને સરળતાથી હરી-ફરી શકે નહીં તો પણ બાળક મોડું બોલતાં શીખે. આવાં બાળકો જો બોલતાં થાય તો તોતડું બોલે છે. સામાન્ય રીતે આવાં બાળકોને જ્યારે કહો કે જીભ બતાવ ત્યારે તેની જીભ હોઠથી બહાર નીકળી શકે એટલી ફ્લેક્સિબલ હોતી નથી. યોગ્ય તબીબી સારવાર અને સલાહ લેવાથી આ મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે. માતા-પિતાના પ્રયાસ : કોઈ પણ બાળકને બોલતાં કે ભાષા સમજતાં ત્યારે જ આવડે જ્યારે તેની સાથે વ્યક્તિ અને ખાસ કરીને માતા-પિતા વાતો કરે. સતત તેની સાથે ભાષા દ્વારા કમ્યુનિકેશન બનાવીને રાખે. આ રીતે બાળકની ભાષા સ્પષ્ટ બને છે. એક તારણ છે કે સંયુક્ત પરિવારમાં ઘણાબધા લોકો વચ્ચે બાળક ખૂબ જલદીથી બોલતાં શીખી જાય છે, પરંતુ આજકાલ કુટુંબો વિભક્ત થઈ ગયાં છે. માતા-પિતા બન્ને પાસે બાળક માટે ખૂબ જ ઓછો સમય છે ત્યારે તેઓ પોતાના બાળક સાથે વધારે સમય વિતાવી શકતાં. ઘણી માતાઓ બાળક સાથે વાતો કરવી, તેની સાથે રમવું, તેના માટે અલગથી સમય ફાળવવો જોઈએ એ ફાળવી શકતી જ નથી; જેને કારણે બાળકને ભાષાનું કોઈ એક્સપોઝર મળતું નથી અને એનામાં બોલવાનો કોન્ફિડન્સ જ નથી આવતો. આમ, બાળક સ્પષ્ટ રીતે બોલે એમાં માતા-પિતાના પ્રયાસ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.