ધુળેટી એટલે રંગોનો તહેવાર. આ દિવસે રંગોથી રમવાની શોખીન યુવતીઓ મન ભરીને આ તહેવારની મજા માણે છે. તહેવારની આ મજા માણવામાં જબરદસ્ત આનંદ આવે છે પણ આ રંગોને દૂર કરવામાં બહુ કાળજીપૂર્વક પ્રયાસ કરવા પડે છે. ધુળેટીના રંગથી ત્વચાને અને વાળને નુકસાન ન પહોંચે એ માટે કેટલીક ટિપ્સનું પાલન કરવાથી ફાયદો થાય છે. ત્વચા પરથી રંગ દૂર કરવા માટે પહેલાં તો વેસેલિન કે કોલ્ડ ક્રિમ ત્વચા પર લગાવો. તેની હળવા હાથે માલિશ કરતા રહો. વેસેલિન કે કોલ્ડ ક્રિમની જગ્યાએ તમે કાચા દૂધ, મલાઈ, દિવેલ, કોપરેલ અથવા તલના તેલનો ઉપયોગ પણ કરી શકો. એ પછી ક્લિન્સિંગ મિલ્કથી ત્વચાને સાફ કરો અને નહાઈ લો. લીંબુ અને બેસનનો ઉપયોગ કરીને શરીર પર લાગેલો રંગ કાઢી શકો છો. બેસનમાં લીંબુ અને દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર 15-20 મિનિટ લગાવી રાખો. થોડીવાર બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. આ પેકથી રંગ દૂર કરી શકાય છે. હોળી રમ્યા પછી તરત વાળને નવશેકા પાણીથી ધોઈ લેવા. તેની કારણે સ્કેલ્પમાં લાગેલ રંગ મોટા ભાગે તો બધો નીકળી જ જશે. ત્યાર બાદ કોઈપણ માઈલ્ડ હર્બલ શેમ્પૂથી વાળ સારી રીતે ધોઈ લેવા. રંગથી રમવા જતાં પહેલાં ઓલિવ, જોજોબા, રોજમેરી અને નારિયેળમાંથી કોઈપણ એક તેલથી વાળની સારી રીતે મસાજ કરવી. તેને કારણે વાળમાં ચીકણાશ રહેશે અને કલર ચોંટી નહીં રહે. રંગ ઉતારવાના મામલે મૂળો સારામાં સારો વિકલ્પ છે. મૂળાનો રસ કાઢીને તેમાં બેસન, દૂધ અને મેંદો ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થઈ જશે. શરીરના કોઈપણ અંગ પર લાગેલો રંગ ઉતારવા માટે આ ટ્રિક અજમાવી શકાય છે. હોળી રમતાં પહેલાં આખા શરીર પર કોપરેલ લગાવો. કોપરેલ લગાવવાથી રંગ સીધા ત્વચા પર લાગશે નહીં. કોપરેલને કારણે ત્વચા ઓઈલી હોવાથી રંગ સ્કિનને ડ્રાય કરશે નહીં અને એને સાફ કરતી વખતે પણ તકલીફ નહીં પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.