વુમનોલોજી:સ્ત્રી,ધરતી અને પ્રકૃતિ એક માતાની ત્રણ દીકરીઓ

મેઘા જોશી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરતી માતા કેમ કહે છે કે પ્રકૃતિ સ્ત્રી લિંગ કેમ છે? અથવા પ્રકૃતિને જો કોઈ સ્ત્રીનું શરીર આકાર કે નામ આપવો હોય તો એમાં કોનો ચહેરો તાદશ્ય થાય? પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા સાક્ષાત ધરતી અને પ્રકૃતિનું માનવીય સ્વરૂપ છે. વૃક્ષદેવી તુલસીજી બીજને વનરાજીમાં તબદીલ કરી શકે છે, જમીન જોઈને વાવેતર કરે છે. એક માતાને જેમ પોતાની કૂખે જન્મેલા સંતાનની સાવ નાની બાબત કહ્યા વિના સમજાઈ જેમ એમ તુલસીદેવીને દરેક પર્ણ, પુષ્પ, ફળ, ડાળખી, થડ કે કાંટા સમજાઈ જાય છે. તુલસી ગૌડાએ સ્કૂલની પાટલી પર બેસીને ગણિતના દાખલા નથી ગણ્યાં એટલે એમના જીવનકાળમાં કેટલાં વૃક્ષનો વાવ્યાં અને જતન કર્યું એનો સરવાળો એમની પાસે નથી. વનસ્પતિ શાસ્ત્રની કોઈ પદવી હાંસિલ કરી નથી એટલે એમના સંશોધન માટે એમણે આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ નથી લીધો, પણ આમ છતાં તુલસી ગૌડા જંગલની એન્સાઇક્લોપીડિયા તરીકે પ્રસિદ્ધ છે. ગાઢ વનરાજીમાં એકબીજા સાથે હળી મળીને મોટા થતા છોડવાને જોઈને એની માતા ક્યાં હશે એ વૃક્ષ શોધવું અઘરું છે. જો એ જ વૃક્ષનાં બીજ યોગ્ય સમયે વીણી લેવાય અને બીજી જમીનમાં તેની સમયસર વાવણી થાય તો એ જાતિના વૃક્ષનું સંવર્ધન થઇ શકે. આ આખી પ્રક્રિયામાં પુસ્તકિયા જ્ઞાનથી ઉપર અનુભવસિદ્ધ જ્ઞાન હોય છેે. દુનિયાની વાત કરીએ તો 1974માં ફ્રેન્ચ નારીવાદીએ ‘ઇકોફેમિનિઝમ’ શબ્દ આપ્યો હતો. પ્રાકૃતિક તત્ત્વોનાં સંવર્ધન, કૃષિ અને કુદરતી સંપત્તિ માટેની જાગૃતિમાં સ્ત્રીનું યોગદાન, સ્ત્રીની આગેવાની એ ઇકો ફેમિનિઝમનો ભાગ છે. સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે અધિકાર અને પાવરમાં જોવા મળતી અસમાનતા અને ખાસ કરીને સ્ત્રીને સંપત્તિ સમજતી પિતૃસત્તાક માનસિકતા પ્રકૃતિ બાબતે પણ એ રૂઢિવાદી વલણ રાખે તે બરાબર નથી. ઇકો ફેમિનિઝમ સ્ત્રી અને પ્રકૃતિનાં નેસર્ગિક સંબંધને મહત્ત્વ આપે છે અને દૃઢપણે માને છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રી કુદરતને વધુ સારી રીતે સંવેદી પણ શકે અને સમજી પણ શકે. 1980 પછી અમેરિકા અને અન્ય શિક્ષીત રાષ્ટ્રોમાં આ વિષય પર ઘણી કોન્ફરન્સ પણ થઇ. ઇકો ફેમિનિઝમ જેવી આધુનિક વિચારધારાનો જન્મ પણ નહોતો થયો એના અઢીસો વર્ષ પહેલાં રાજસ્થાનમાં અમૃતાદેવીનો જન્મ થઇ ગયો હતો. લગભગ 1730ની આજુબાજુ જોધપુરના મહારાજાને શહેરની બહાર નવો મહેલ બનાવવો હતો અને એટલે તેમણે એ વિસ્તારનાં વૃક્ષ કાપવાનો હુકમ કર્યો હતો. બિશ્નોઇ સમુદાયના લોકો માટે ખેજરીના એ વૃક્ષોનંુ સામાજિક અને ધાર્મિક મૂલ્ય ઘણું હતું. આથી અમૃતા દેવી નામની મહિલાએ પોતાનો વિરોધ દર્શાવવા વૃક્ષને આલિંગન આપ્યું અને વૃક્ષ તથા રાજાના સૈનિકોના ઓજારો વચ્ચે આવીને ઉભી રહી. આજે પણ ભારતમાં અમૃતાદેવી બિશ્નોય એન્વાયર્નમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે . એ પછી તો ભારતમાં વર્ષ 1970થી ચિપકો મુવમેન્ટની શરૂઆત થઇ જેમાં પર્યાવરણ પ્રેમી દ્વારા વૃક્ષને આલિંગન આપી કુદરતી સંપત્તિ બચાવવાના વિચારનો પ્રસાર થયો. 1970માં ઉત્તરાખંડમાં અલકનંદામાં આવેલા પૂર બાદ ત્યાંની વસાહતોમાં રહેતી પ્રજા વૃક્ષ અને જંગલનાં સંવર્ધન કરવા અંગે વધુ સજાગ થઇ. વૃક્ષનાં થડને આલિંગન આપી ઉભા રહેવું એ માત્ર ભાવનાત્મક પ્રતિક્રિયા નથી પરંતુ પ્રકૃતિ સાથે અને પ્રકૃતિનો ભાગ બનીને રહેતા સંવેદનશીલ વ્યક્તિની નૈતિક જવાબદારી છે. ચિપકો ચળવળને કારણે અન્ય ઘણા વિસ્તારને વૃક્ષ અને પ્રાકૃતિક તત્ત્વોની સલામતી અને સંવર્ધન અંગે પ્રેરણા મળી. ઉત્તરાખંડનાં ગૌરાદેવી ‘ચિપકો વુમન’ તરીકે પ્રખ્યાત થયાં કારણકે અઢી હજાર દેવદારનાં વૃક્ષને કાપવાનો નિર્ણય લેવાયો ત્યારે ગૌરાદેવીએ આ વન સંપત્તિ બચાવવા માટે નેતૃત્વ લીધું હતું અને સક્રિય રોલ ભજવ્યો હતો. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...