હળવાશ:‘જે ભવિષ્યમાં અમેરિકા જવાના હોય ને એ કમ્પલસરી ધોળાં જ જન્મે...’

3 મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

સુ થયું પછી? નક્કી કર્યું તમાર જેઠની છોકરીનું?’ કંકુકાકીએ લાંબો ચાલે તેવા વિષયનો ઉપાડ કર્યો... ‘ના રે ના... જુઓને... કસો મેળ જ નઇ પડતો... ટાઈમના સેટિંગ જ નહી આવતા યાર...’ લીનાબહેને જવાબ આપ્યો... ‘એવું તે સુ અગત્યનું કામ છે કે જેના કારણે હત્યાવી વરહની છોકરીનું ય હગપણ નક્કી કરવાનો ટાઈમ નથી તમને...?’ ‘અરે... એવું નથી અલા... આ અમાર કુટુંબ મોટું ખરું ને, તે...’ ‘તે પણ છોકરો બધાને ના બતાડવાનો હોય... એ બે ને ગમે પછી નક્કી કરતી વખતે જ બોલાવવાના.’ ‘અરે... એવું નથી... અમારે કોઈ આડા નથી થતાં. પણ અમુક અમુક...’ ‘હા... હા... દરેક કુટુંબમાં હોય અમુક વિઘ્ન સંતોસી, એમનાથી કોઈનું સુખ ખમાય નઇ... રાહ જોઈને જ બેઠા હોય... એમને ખબર પડે એટલી વાર... ફાચર મારે જ, અને તોડાએ છૂટકો કરે... એવાને તો દૂર જ રાખવા.’ ‘અરે... એવું નથી અલા...’ આટલા વાર્તાલાપ પછી કંકુકાકી ખિજાયા, ‘તમે ય સુ ‘એવું નથી અલા’નું એકનું એક રટણ કર્યે રાખો છો... આમાનું કસુય નથી, તો છે સુ? અને આમ તો તમાર બહુએ મોટું કુટુંબ છે... તો ય ભેગા મળીને છોકરો નઇ સોધી હકતા?’ ‘એની જ મોકાણ છે ને... બહેન. અમાર હમણાં સિજન આઈ છે...’ ‘સેની?’ આવું કદી ન વિચારેલું કારણ આવ્યું એટલે મને સવાલ થયો. સામે લીનાબહેન માત્ર બે શબ્દો બોલ્યા ને મને ચક્કર આવી ગયા. ‘ઊકલી જવાની.’ ‘હેં?’ મોઢામાંથી નીકળી જ જાય ને. ‘હા અલા... એક પછી એક લાઇન લાગી છે... અને અમારે કુટુંબ એટલું મોટું છે ને, એ જ નડે છે અત્યારે. એકનું નહાવાનું પતે, તેર દા’ડા થાય, હાડલો બદલ્યાને બે દિ’ થ્યા નો થ્યા ને બીજું કોઈ ઉપડે... આમ ને આમ છ આઠ મહિનાથી હાલે છે... આમાં ક્યારે છોકરા જોવે ને ક્યારે નક્કી કરે?’ ‘તે સિજન પતી કે ચાલે છે?’ હંસામાસીએ પૂછ્યું. ‘અત્યારે તો પતી હોય એવું લાગે છે... પણ હવે અમાર હાઇ ફાઈ મેડમને અમેરિકા જ કરવું છે.’ ‘એને કહીએ, તું ખોટી જીદ છોડી દે... તારું આ ભવે તો અમેરિકા પોશીબલ જ નહીં.’ કલાકાકીએ પેલી ભત્રીજી સાંભળે એટલે મોટેથી કીધું. ‘એવું કસુ નઇ હોં અલા... એના નસીબ જોર કરતાં હસે, તો અમેરિકા હગપણ થઈ યે જાય... અરે, લગન થયા પછી ય જો નસીબમાં અમેરિકા લખ્યું હશે તો લગન પછી ય જવાનું થાય.’ સવિતાકાકીએ વિરોધ કર્યો, એટલે કલાકાકીએ એમણે સમજાવતા કહ્યું, ‘અરે યાર... તમે હમજતા નહીં અલા... જે અમ્બેરિકા જવાનું લખાઈને આયા હોય ને, એનો દેખાવ જ જુદો હોય.’ ‘તમે ય સુ ટાઢા પહોરની હાંયકે રાખો છો.’ સવિતાકાકીએ એમની મજાક કરી એટલે સહેવાયું ના એમનાથી તે વિગતવાર નિબંધ બોલ્યા, અરે, મેં પોતે ઓબ્ઝર્વ કરેલું છે... પહેલું તો એ જ... કે જે ભવિષ્યમાં અમેરિકા જવાના હોય ને, એ કંપલસરી ધોળાં જ જન્મે. કાં તો પછી માંજરી આંખો હોય, કાં તો પછી ભૂખરા વાળ હોય... એક કે બીજી કે તીજી કોઈક તો નિસાની હોય જ અમેરિકા લખાઈને આયા હોય એની... અને એનામાં આમાનું કસુ ય નથી.’ ‘તે પણ એરઈએ એવી કાળી ય નથી હોં?’ હંસામાસી ભત્રીજીની ફેવરમાં બોલ્યા. ‘પણ ગોરી ય નથી જ... એટલે એક વખત ઓસટેલિયા કે કેનાડા જસે, પણ અંબેરીકા તો નઇ જ જાય... લખી રાખો તમે.’ (કલાકાકી ય પાછા ના પડે) ‘એવી જ રીતે સ્યામ રંગના હોય કાં તો પછી વાંકડીયા વાળ હોય, એ આજ નઇ ને કાલ, પણ જાય જ આફ્રિકા... આપડું પાક્કું ઓબજરેસન છે.’ ‘ખરેખર તો છે ને, આવું મિક્સ જનમવાનું જ ના હોય... આ બધા દેસો બનાયા છે જ સેના માટે? લક્ષણો મુજબ જે તે દેસમાં જ જન્મે બધા. ધોળા, તો કહે અમેરિકા ફાળવી દો. કાળા ડિબાંગ, તો કહે આફ્રિકા ફાળવી દો. તો સુ, કે અત્તારે આપડે ખર્ચો બચી જાય.’ લીનાબહેને પ્રદર્શન કર્યું બુદ્ધિનું... તો હંસામાસી એ ડહાપણ બતાવ્યું, ‘જો, જનમવાનું તો યાર આપડા હાથમાં નથી... એટલે જેને તેને એના હકના દેસમાં પહોંચાડવાનો ખર્ચો તો થાય જ યાર. પણ હું તો કહું છુ... ઘઉંવર્ણા ને જ કાયદેસર રીતે હક હોવો જોઈએ ભારતમાં રહેવાનો... બાકીનાએ પોતાના વાળ અને વાન જોઈને વેળાસર જ હમજીને જ લાગતા વળગતા દેસમાં જતાં રહેવું જોઈએ.’ ‘જો એવો કાયદો હોત ને, તો હારું જ હતુ. તમાર ભત્રીજી આમ હત્યાવી વરહ હુંધી ભારત ઉપર બોજ ના બની રહેત... ઘઉંવર્ણી નથી, એટલે ક્યાંક ને ક્યાંક તો જતી જ રહી હોત. અસે હવે... જેવા નસીબ ! કહીને નિસાસો નાખ્યો કલાકાકીએ. એમના નિસાસા ઉપરથી ‘જેવા’ અને ‘નસીબ’ની વચ્ચે વણ કહેવાએલો શબ્દ કદાચ ‘ભારત’ જ હશે. મેં ય આ બધાને જોઈને મૌનમાં ફકરાના ફકરા બોલીને મોટ્ટો નિસાસો નાખ્યો.

અન્ય સમાચારો પણ છે...