કાલ યાર સખ્ખતની મજા પડી ગઈ હોં... અને એં, સિરિયલમાં એટલું બધું ના બનવાનું બની ગયું, કે આપડે ધાર્યું ય ના હોય... એટલે એં, હાચુ કઉ ને, તો મને એક બે નઇ... દસ બાર મજા પડી. સુ કહો છો કંકુબહેન?’ કંકુકાકીએ પૂછ્યું, એટલે કલાકાકી ક મને થોડું ઘણું સહમત થયા, ‘મ...જા તો પડી, પણ મને તો ચાર પાંચ જ મજા પડી... આમ તમાર જેટલી કંઇ એટલી બધી મજા નઇ પડી.’ ‘હાય હાય કેમ?’ આઘાત લાગ્યો કંકુકાકીને. ‘તમાર ટીવીમ બરોબર નઇ દેખાતું.’ કલાકાકીએ ધીરેથી આટલું જ કીધું, ત્યાં તો કંકુકાકી બરાબરના ભડક્યા, ‘જો જો હોં, આ મને કીધું એ કીધું, બાકી ભૂલે ચુકે ય કોઈને કહેતા નઇ... મારી ઘટસે આમાં તો. ના... ના... એટલે પણ સુ બરોબર નઇ દેખાતું? હેં? કલર કોમ્યુનિકેસન તો બરોબર જ છે... માર ભાણિયો ડિજાઈનીંગનું ભણે છે, એરહ્યોએ જ કલર ને બધુ સેટ કરીન ગયો છે... એકેય વાતમાં કહેવા પણું નહી માર ટીવીમાં. એમ ખોટે ખોટું બદનામ ના કરસો હોં ભઈસાબ.’ ‘જુઓ... તમારા સહિત બધાય જાણે છે, કે મને ખોટું બોલવાની ટેવ નહી... મને તો જે લાગ્યું એ કીધું... હવે તમને ખરાબ લાગે તો લાગે.’ કલાકાકીએ પોતાનો સાચું બોલવા વાળો સ્વભાવ જણાવ્યો... એટલે કંકુકાકીએ એમને ઝાટક્યા, ‘એવું ના હોય ને બહેન... હમજી વિચારીને જ બોલાય આ જગતમાં. આમાં થાય એવું, તમારામ્ હમજણ ના હોય, ને કારણ વગર માર ટીવીની કંપનીને કાળો ટીકો લાગે... આવી રીતે કોઈના ધંધા પર તમે ટીકા ટિપ્પણી ના કરી સકો... તમને ખબર નહી, કે તમારી આ નાની અમથી વાત કોકના કારખાના બંધ કરાઇ દે... કસુ જાણ્યા હમજ્યા વગર કોકના પેટ પર લાત મારો તમે... અરે, આ... બોલ્યા એ બોલ્યા... બાકી ધ્યાન રાખજો... આવું તમે તૈણ ચાર જગ્યાએ કહો, એટલે જતે દહાડે વાત ચારે બાજુ ફેલાઈ જાય... અને ના ના કરતાં, એકાદ બે વરહમાં કંપની દેવાળું ફૂંકે... તમને આ જગતની ખબર નથી... એટલે છે ને, હંમેસા બોલતા પહેલા જરાક કોકનો વિચાર કરો તો હારુ.’ ‘આ તો તમે પૂછ્યું એટલે મેં કીધું... બાકી હું ક્યાં હામેથી તમને ફરિયાદ કરવા આઇ’તી?’ કલાકાકીએ એમનો જ વાંક કાઢ્યો... એટલે કંકુકાકીએ મજા ન આવવાના કારણ વિષે પૃચ્છા કરી... ‘હા... બરાબર ના દેખાવાને લીધે મજા ના આઇ... તો સુ બરોબર નઇ દેખાતું? એ તો કહો. માર ટીવીમ કલેરીટી તો મસ્ત છે એકદમ.’ ‘જો, તમાર ‘ટીવીમ છે ને... બધા મનફેર થોડા જાડા લાગે છે... એં, એટલી બધી કલેરીટી ય નઇ હારી, કે બધા હોય એના કરતાં જાડા લાગે. અને જાડા તો હું હારી ભાસામાં કઉ છું, બાકી મહાકાય લાગે છે મહાકાય. આજ કોઈ બી ત્રાહિત માણસ પહેલાં મારા ટીવીમાં જોવે, અને પછી તમારા ટીવીમાં જોવે... તો એને આ ફરક લાગે લાગે ને લાગે જ.’ કલાકાકીએ કારણ સવિસ્તાર કહ્યું. ‘હવે એ તો બહેન નજર નજર નો સવાલ છે... તમે જેવું જોવા ઈચ્છો એવું જ દેખાય તમને... આ... પેલું કહે છે ને, કમળો થયો હોય એને બધંુ પીળું જ દેખાય... એવું.’ કંકુકાકી ય ગાંજયા જાય? ‘હાચી વાત છે... બધી વાતનો આધાર તમારી આંખો ઉપર જ છે... આ કાળની જ વાત કરું તમને, મારા ઘેર મેમાન આયા’તા, તો મારા સાકનો કલર જોઈને જ બોલ્યા, કે મને તો આ સાકનો રંગ જોઈને જ એસીડીટી થઈ ગઈ... મેં તો તરત હંભળાઈ જ દીધું, કે આંખની દવા કરાવો... તમે તીખું હસે, તીખું હસે કરીને ખાવ, એટલે તીખું સબ્દ મગજમાં સેટ થઈ જાય... અને જો, જેવું મન તેવું તન... મનમાં તીખું ફિટ થઈ ગયું, એટલે અંદર પેટમાં બી તીખું છે... તીખું છે... એવા જ પડઘા પડે. પછી ના હોય તો ય તીખું જ લાગે.’ હંસામાસીએ પોતાની શક્તિ મુજબ કંકુકાકી સાથેની સહમતી દર્શાવી. આ ચર્ચામાં લીનાબહેન ય શેના રહી જાય? એમણે ય આખી વાતમાંથી તેઓશ્રી જે સમજ્યા, એ સૌને સમજાવ્યું, ‘એટલે આમ જોવા જાવ ને તો ટીવીનું પીકચર કે એસીડીટી કે દાખલો... અને આના જેવા જ જાત ભાતના સુખ કે પછી દુ:ખ, જગતમાં બધું માનસિક જ છે.’ ‘આ પેલું કહે છે ને... ‘રોતા જાય, ઇ મુઆના જ હમાચાર લાવે...’ એવું. એટલે બહેન, જો આપડે સાંતીથી જીવવું હોય, તો મમમમ ને બદલે ટપટપ થી જ કામ રાખવાનું... તો જ સુખી થસો.’ હંસામાસીએ તો જીવનનું સત્ય જ સમજાવી દીધું. ખરેખર... એકેએક સભ્ય ‘અપને આપ મેં એક’ નમૂનો છે. વારંવાર સલામ કરવાનું મન થાય છે એમનામાં રહેલી અપાર શક્તિઓને...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.