તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:અનાથ બાળકો માટે દેવદૂત બની આ વકીલ

મીતા શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશનાં લેખક, વકીલ અને સામાજિક કાર્યકર એવા 28 વર્ષીય પૌલોમી પાવની શુક્લાનો સમાવેશ ખ્યાતનામ ‘ફોર્બ્સ’ મેગેઝિનની ‘30 અંડર 30’ યાદીમાં કરવામાં આવ્યું છે. દેશના અનાથ બાળકોના શિક્ષણમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિનિયર આઇએએસ અધિકારી આરાધના શુક્લા અને પ્રદીપ શુક્લાની દીકરી બાળપણથી જ કંઇક અલગ કરવા ઇચ્છતી હતી અને તેની આ ઇચ્છાના કારણે અનેક અનાથ બાળકોનાં જીવનમાં શિક્ષણનો પ્રકાશ પથરાઇ ગયો. વર્ષોનો સંઘર્ષ પૌલોમી પાવની શુક્લા લાંબા સમયથી અનાથ બાળકોના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યાં છે. તેમની એકમાત્ર ઇચ્છા છે કે તમામ અનાથ બાળકોને સારું શિક્ષણ મળે અને તેઓ આ દિશામાં સતત કામ કરી રહ્યાં છે. તેમનાં આ પ્રયાસોને કારણે અનેકવાર તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. કચ્છના ભૂકંપે બદલી જિંદગી પૌલોમી માત્ર 9 વર્ષની હતી ત્યારે 2001માં કચ્છમાં આવેલા ભૂકંપે તેના મન પર ગાઢ અસર કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં પોતાનો અનુભવ જણાવતા પૌલોમી કહે છે કે ‘હું જ્યારે નવ વર્ષની હતી ત્યારે મારાં માતા હરિદ્વારમાં જિલ્લાધિકારીનાં પદની જવાબદારી નિભાવી રહ્યાં હતાં. એ સમયે કચ્છમાં ભીષણ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મોટી સંખ્યામાં બાળકો અનાથ થઇ ગયાં હતાં અને તેમને હરિદ્વારનાં અનાથાલયમાં મોકલવામાં આવ્યાં હતાં. હરિદ્વારની અનેક સામાજિક સંસ્થાઓે આ બાળકોને મદદ કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મારાં માતા પણ મારી આ બાળકો સાથે મુલાકાત કરાવવા મને અનાથાલય લઇ ગયાં હતાં. આ બાળકોની વય મારા જેટલી જ હોવાનાં કારણે અમારી વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ હતી અને અમારો ઉછેર લગભગ એકસાથે જ થયો હતો. મારા આ ઉછેરને કારણે અનાથ બાળકોનાં જીવન પ્રત્યે મારો દૃષ્ટિકોણ બદલાઇ ગયો હતો.’ પુસ્તક લખવાનો અનુભવ પૌલોમી પાવની શુક્લા લેખક પણ છે. પુસ્તક લખવાના પોતાના અનુભવ વિશે પૌલોમીએ જણાવે છે કે ‘હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે એક અનાથ છોકરીએ મારી સામે કોલેજમાં ભણવાની ઇચ્છા જાહેર કરી હતી. બોર્ડની પરીક્ષામાં પણ તેણે સારા માર્ક્સ મેળવ્યાં હતાં. મેં તેને મદદ કરવા માટે થોડી તપાસ કરી ત્યારે મને અહેસાસ થયો કે અનાથ બાળકોની મદદ માટે કોઇ નક્કર યોજના નથી અને જો હોય તો પણ તેના વિશે તેમને કોઇ જ માહિતી નથી મળતી. મેં અનાથ બાળકોની સમસ્યા સમજવાં માટે 11 જેટલા રાજ્યોનાં અનાથાલયોનાં બાળકો સાથે મુલાકાત કરી અને તેમના અનુભવ અને લાગણીઓ વિશે મારા ભાઇ સાથે મળીને 2015માં એક પુસ્તક પણ લખ્યું છે.’ ‘30 અંડર 30’માં સ્થાન દેશનાં અનાથ બાળકોનાં શિક્ષણ માટે પૌલોમી દ્વારા કરવામા આ‌વી રહેલા પ્રયાસને બિરદાવવા માટે ઘણી સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યું છે. ‘ફોર્બ્સ’ મેગેઝિને તેમનો સમાવેશ ‘30 અંડર 30’ જેવી પ્રતિષ્ઠિત યાદીમાં કર્યો છે અને તેમને બીજા અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પૌલોમીએ અનાથ બાળકોની મદદ કરવા માટે ઉત્તર પ્રદેશમાં અનેક અનાથાલયો અને રાજ્ય સરકાર વચ્ચે ટાઇ-અપ પણ કરાવ્યું છે. પરિવારનો સાથ પૌલોમી અનાથ બાળકોના શિક્ષણ માટે બહુ સક્રિય છે. તે આ બાળકોનાં ટ્યૂશન અને કોચિંગ માટે પણ શક્ય એટલી મદદ કરે છે. પૌલોમીને આ કામમાં પરિવારમાં પૂરતો સાથ અને સહકાર મળી રહ્યો છે. પૌલોમી ઇચ્છે છે કે સામાન્ય લોકો પણ અનાથ બાળકોનું સમર્થન કરવા આગળ આવે કારણ કે આ બાળકો પાસે પોતાનો આગવો અવાજ નથી. આ બાળકોની સહાયતા માટે તેમને મદદ કરી શકે એવી દરેક વ્યક્તિ આગળ આવે કારણ કે હકારાત્મક પ્રયાસો જ બદલાવ લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...