તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ:આ આડો સંબંધ નથી, પણ સર્વ સંમતિથી થયેલી ગોઠવણ છે...!

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રકરણ -7 ર્વી, તને તારી ભાભી બહુ અળખામણી લાગતી હશે, નહીં?’ ઉર્વીને સોફા પર બેસાડી એની બાજુમાં ગોઠવાતાં શર્મિષ્ઠાએ શબ્દો પણ ગોઠવી કાઢ્યાં, ‘પતિની ગેરહાજરીમાં પરપુરુષનું પડખું સેવનારી સ્ત્રી પ્રત્યે કોઇને માન પણ કેમ રહે?’ અરે વાહ. શર્મિષ્ઠા આટલી આસાનીથી આડો સંબંધ કબૂલી લેશે એવું ધાર્યું નહોતું ઉર્વીએ. ‘એમાં હું તો પાછી નણંદની નજરમાં વેરણ ઠરેલી.’ શર્મિષ્ઠાએ ઉર્વીનો હાથ પોતાના હાથમાં લઇ પંપાળ્યો, ‘પણ શું કરું, હું મલ્હારને એટલો ચાહું છંુ કે એમણે જે કહ્યંુ એ મેં કર્યુ.’ ‘નોનસેન્સ.’ ઉર્વીએ આંચકાભેર હાથ ખેંચી લીધો, ‘તમે એમ કહેવા માગો છો કે બળેવના દિવસે તમે મને જે કડવાં વેણ કહ્યાં એ મલ્હારભાઇના લખેલાં હતાં? અસંભવ!’ ‘દુનિયામાં કશું જ અસંભવ નથી હોતું, ઉર્વી...અમારો જ દાખલો લે. મલ્હાર સાથે મારાં લવમેરેજ...કેટલું સુખી અમારું સહજીવન...પણ દોઢેક વરસ આગાઉ એવી ઘટના ઘટી ઉર્વી કે બધું બદલાઇ ગયું.’ ઉર્વીને થયંુ, મારાં ધ્યાનમાં કેમ આવી કોઇ ઘટના નથી? ‘અમે ત્યારે આબુના પ્રવાસે હતા, ઉર્વી. યુ નો, હાઉ મચ હી લાઇક્સ આબુ. હું હોટલમાં આરામ કરું ને મલ્હાર હાયર કરેલી બાઇક પર નેચર માણવા નીકળી પડે...એવું એમને ઘેલું. ખેર, અમારાં એ પ્રવાસ દરમિયાન એમને નાનકડો અકસ્માત થયેલો. બાઇક સ્લિપ થતાં એ પડ્યા અને એટલી ખરાબ જગ્યાએ લાગ્યું ઉર્વી કે...’ શર્મિષ્ઠાએ હથેલીમાં મોં છૂપાવ્યંુ, ‘મલ્હાર એમનું પુરુષાતન ગુમાવી બેઠા!’ હેં...ઉર્વી ખળભળી ગઇ. ‘આવી વાત કોને અને કેમ કહેવી! અને મલ્હાર તો મલ્હાર. એ મને છૂટાછેડા દેવા તૈયાર, પણ હું અડગ રહી. આપણે મનથી એકમેકને વર્યા છીએ, મલ્હાર...તનની ખોડ મનનું બંધન નહીં તોડી શકે!’ શાબાશ...ઉર્વી પ્રભાવિત થઈ. જાણે જુદાં જ શર્મિષ્ઠાભાભી ઊઘડી રહ્યાં છે. ‘હમણા જે ગયો એ અખિલેશ તો મલ્હારનો પરમ મિત્ર છે, પાછળના જ બંગલામાં રહે છે.’ શર્મિષ્ઠાએ હોઠ કરડ્યો, ‘ મલ્હારની ઊણપથી મને અધૂરપ ન રહે એ માટે અખિલેશ સાથે સંબંધ બાંધવાનો આગ્રહ કહો કે દબાણ મલ્હારના જ હતા. જે મલ્હારને જાણે છે એમના માટે આમાં નહીં માનવા જેવંુ કશું નથી.’ સાચંુ. શર્મિષ્ઠાભાભીએ પત્નીધર્મ નિભાવ્યો તો પોતાની અસમર્થતાને કારણે પત્નીને તરસ ન રહે એ માટે પરપુરુષની સગવડ કરી સવાયા નીવડવાનું મલ્હારભાઇને જ સૂઝે. ‘એ રીતે જોઇશ ઉર્વી તો સમજાશે કે આ આડો સંબંધ નથી, પતિ-પત્ની અને ત્રીજા પાત્ર વચ્ચે સર્વ સંમતિથી થયેલી ગોઠવણમાત્ર છે. હું કે અખિલેશ તૈયાર નહોતાં, મલ્હારે અમને સોગંદ દઇ મનાવ્યાં. હા, વીતેલા સમય સાથે મારાં-અખિલેશ વચ્ચે આત્મીયતાની ધરી રચાઇ એટલું કબૂલીશ અને મલ્હારથી એ છાનું નથી. માની લે હું બે પતિની એક પત્ની છું.’ ઉર્વી સ્તબ્ધ હતી. સંસારમાં કેવા-કેવા સંબંધ રચાતા હોય છે! અને જેમાં ત્રણ પુખ્તવયની વ્યક્તિની મરજી હોય એ સંબંધની ટીકા કરનારા આપણે કોણ! ‘સમાજમાં અલબત્ત, આવંુ કશંુ જાહેર ન થવા દેવાય. અમારે બીજા સગા તો હતાં નહીં, તમારાંથી દૂરી સર્જવાનું પણ આ જ એકમાત્ર કારણ. તમારો આવરોજાવરો રહ્યો હોત તો આજે જે બન્યું એ અગાઊ ક્યારનું બની ગયું હોત. આ કારણસર જ માત્ર મલ્હારના કહેવાથી જ મારે તને લડવું પડ્યું.’ આંખમાં આંસુ આવ્યાં નહોતાં છતાં પાંપણ લૂછવાનો અભિનય કરી શર્મિષ્ઠાએ ઉમેર્યુ, ‘વધુ તો શું કહું, આમ તો લગ્નના પાંચ વરસે મારી કોખ સૂની છે, એનાથી વિશેષ પુરાવો તો શું હોય મલ્હારની સ્થિતિનો...પણ તને હજુ વિશ્વાસ ન થતો હોય તો હું ફોન જોડું છું, તું મલ્હારને જ પૂછી લે.’ શર્મિષ્ઠાએ અમસ્તો જ મોબાઇલ હાથમાં લીધો ને ધાર્યું હતું એમ ઉર્વીએ તરત જ એને રોકી, ‘ગાંડા થયા છો ભાભી. આવી ચોખવટ હું ભાઇ સાથે કરતી હોઇશ! સોરી, મેં તમને સમજવામાં ભૂલ કરી...’ ‘ઇટ્સ ઓકે ઉર્વી...પણ જો, આ વિશે કોઇને-અરેનને પણ કહીશ નહીં, હોં. મલ્હારનું વિચારજે.’ ‘અફકોર્સ, ભાભી. નિશ્ચિંત રહેજો.’ હા...શ! ‘શાબાશ મારી રાણી!’ ઉર્વીને રવાના કર્યા બાદ અખિલેશને ફોન જોડી ખબર આપતા એનો ઉચાટ પણ ઓગળી ગયો, ‘તેં કારણ જ એવંુ આબાદ ઉપજાવ્યંુ કે ઉર્વીથી એની ચૂંથામણ ન થાય! હવે મલ્હાર પર વાર કરવાનો મારો વારો!’ Â Â Â મીટિંગમાં વ્યસ્ત મલ્હારના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી મેસેજ ઝબૂક્યો- વોચ ક્લિપ. વિલ ટોક ટુ યૂ લેટર. મેસેજ સાથે આવેલી ક્લિપ ખોલતાં જ ભડકી જવાયું. આ તો...આ તો અમારાં બેડરૂમની સાવ અંગત ક્ષણો! થોડીવારે એ જ નંબર પરથી ફોન રણક્યો. ‘ક્લિપિંગ જોઇ? મારી પાસે આખી ફિલ્મ છે.’ આમ કહેતો અવાજ પણ ઓળખાયો નહીં. ‘બોલ, નેટવર્લ્ડમાં ફરતી કરી દઉં? ઇન્કમટેક્સ ઓફિસરની જવામર્દીનો નજારો!’ મલ્હારના કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. ‘લોકોને પણ તો ખબર પડે સરકારીબાબુ કેવા જોમવંતા હોય છે! ને એમની વાઇફ, આહ...!’ મલ્હારના જડબા તંગ થયા: ડેમ ઇટ! ‘વોટ ડુ યૂ વોન્ટ?’ ‘તમે તો બહુ જલદી સોદેબાજી પર આવી ગયા! સાહેબ, હજુ તો વરબૈરીનો રોમેન્સ શરુ થયો છે... ક્લાઇમેક્સ આવતા સુધીમાં તમને મારી ડિમાન્ડ પણ મળી જશે.’ કોલ કટ થયો. મલ્હારને સમજાયું નહીં, જીવનમાં આ ઝંઝાવાત ક્યાંથી આવી ચડ્યો! વચમાં શર્મિષ્ઠામાં જોવા મળેલ બદલાવને આની સાથે સંબંધ હશે? અમારાં બેડરુમમાં, અમારી ફિલ્મ અમારાં વિના તો કોણ ઉતારે? મેં આવું કર્યુ નથી, મતલબ શર્મિષ્ઠાએ કર્યુ? પેલો ધુમાડાવાળો એનો યાર હોય ને એની સાથે મળીને એ મને બ્લેકમેલ કરવા માંગતી હોય! નોન્સેન્સ. જે મારંુ છે એ શર્મિષ્ઠાનું છે. એ મને બ્લેકમેલ શું કામ કરે! અરે, પોતાની જ ન્યૂડ ફિલ્મ ફરતી થાય એવી મૂર્ખામી તો કોણ કરે! નહીં, મારે શર્મિષ્ઠા પર વહેમાવાનંુ ન હોય. અરે, કોઇ બ્લેકમેલર પેધો પડ્યો છે એ દાખવવાનું પણ ન હોય... છતાં ઘરે જઇ એણે આડકતરી પૃચ્છા કરી. બાથરૂમના નળ રિપેર માટે પ્લમ્બર બે દા’ડા આવ્યો હોવાનું શર્મિષ્ઠાએ કહેતાં ગડ બેઠી કે તો તો...બદમાશ પ્લમ્બર જ રૂમમાં કેમેરા ફિટ કરી ગયો! (મલ્હારને ક્યાં ખબર હતી કે ખરેખર કોઇ પ્લમ્બર આવ્યો જ નહોતો, પણ ફિલ્મ ઊતરવા બાબત કોઇને આગળ કરવો જરૂરી હતો એ માટે શર્મિષ્ઠાએ વિચારી રાખેલું જૂઠાણું ઉચ્ચાર્યુ હતું!) રાત્રે અરેન-ઉર્વી સગાઇનું નિમંત્રણ પાઠવવા આવ્યાં ત્યારે પણ મલ્હારથી કોન્સન્ટ્રેટ ન થઇ શક્યંુ. અરેને જોકે બહુ મન પર ન લીધું અને ઉર્વી તો જાણે વિના કહ્યે સમજી ગઈ: જરુર ભાભીએ બપોરના મેળાપની વાત કરી હશે, મારો સામનો કરતા મલ્હારભાઇને થોડું અડવું લાગવાનંુ જ! પણ મારાં મનમાં તો મારાં ભાઇ-ભાભી માટે માન વધ્યું જ છે, હોં ભાઇ! Â Â Â શુક્રવારની બપોરે વિજય મુહૂર્તમાં ઘરમેળે ઉર્વી-અરેનની સગાઇ થઇ. રીમાનાં પેરન્ટ્સ, ભાઇ-ભાભીઓ ખાસ હાજર રહ્યાં. મલ્હાર-શર્મિષ્ઠા ઉમંગભેર આવ્યાં એનો ઉર્વીને આનંદ. વિધિ પછી મલ્હાર અરેન સાથે ગપ્પાં મારતો હતો કે એનો ફોન રણક્યો. ઓહ...આ બ્લેકમેલર દર વખતે અજાણ્યા નંબર પરથી ફોન કરે છે, નવી નવી ફિલ્મ મોકલે છે, બદલામાં જોઇએ છે શું એમ પૂછો તો એટલું જ કહે છે કે તમારાંથી અપાય એવું જ માંગવાનો છું...ગોડ નોઝ, એને શું જોઇએ છે! ‘આજે કહંુ છું...’ અરેનથી દૂર જઇ મલ્હારે કોલ રિસીવ કરતા સામેથી સંભળાયંુ, ‘આ વીક એન્ડ તમારે આબુ જવાનું છે, સજોડે. શનિની રાતે તમારે તમારાં સ્વીટમાંથી નીકળી જવાનંુ, તમારી વાઇફ સાથે વિના લગ્ને સુહાગરાત હું મનાવીશ!’ ‘વોટ ધ હેલ’ મલ્હાર ચિલ્લાયો. ‘શીશ...ધીરે...અને આ તો એક શરૂઆત હશે, મલ્હાર સાહેબ. તમારાં વાઇફ પાછળ મારાં મિત્રો ઘેલા થયા છે, એટલે જ્યારે જ્યારે હું કહું, તમારે તમારાંં વાઇફને મોકલી આપવાનાં.’ બીજા શબ્દોમાં આ માણસ શર્મિષ્ઠાની લાજ, શરમ, ચારિત્રની આહુતિ માગી રહ્યો છે! મલ્હારના હાથમાંથી ફોન વચકી પડ્યો. ‘શું થયું?’ દૂરથી જ અરેને નોંધ્યું. અરેન ક્રાઇમ બ્રાન્ચમાં છે. મારે એની મદદ લેવી જોઇએ? ના,ના. પોલીસની મદદ લેવામાં ગામ ગજવણું થાય, મારે જ કોઇ રસ્તો કાઢવો રહ્યો. ‘નથિંગ’ ફોન ઉપાડી મલ્હારે સ્વસ્થતા ધારણ કરી લીધી. ‘જુઓને, કેવંુ કેવંુ બને છે આજકાલ!’ ઘરે પરત થતી વેળા શર્મિષ્ઠાએ કહ્યંુ, ‘રીમાની નાની ભાભી કહેતી હતી કે મુંબઈમાં એમના બિલ્ડિંગમાં રહેતી પાંત્રીસેક વરસની પરિણીતાએ આપઘાત કર્યો. એના બાથરૂમમાં કેમેરા છૂપાવી એ નહાતી હતી એનો વિડીયો ઘરકામ કરતા ઘાટીએ ઉતારી લીધો, બદલામાં શરીરસુખ માટે મજબૂર કરતા બાઇએ મરી જવાનું પસંદ કર્યુ, બોલો! હાસ્તો, આવું કંઇ થાય ત્યારે આપઘાત સિવાય બીજો રસ્તો પણ ક્યાં રહે છે!’ આપઘાત! મલ્હારના દિમાગમાં જાણેઅજાણે એક વિકલ્પ રોપાઇ ગયો. Â Â Â ‘ઉર્વી, ધેર ઇઝ અ ન્યૂઝ!’ સગાઇની મોડી સાંજે અરેન ઊછળતો આવ્યો, ‘રાજનો નંબર એક્ટિવ થયો!’ હેં! ‘એનું લોકેશન અમદાવાદનું છે અને જાણે છે એના પરથી ફોન કોને થયો?’ પૂછી અરેને ધડાકો કર્યો, ‘મલ્હારભાઇને! આ નંબર એક્ટિવ થતા એને ટ્રેક કર્યો ત્યારે માહિતી મળી કે આ નંબર પરથી મલ્હારભાઇને વારંવાર કોલ કરવામાં આવી રહ્યા છે. આ પરથી લાગે છે કે રાજ કોઇ નવી ગેમ કરવાના મૂડમાં છે.’ હેં! ઉર્વી પડતાં રહી ગઈ. મતલબ, બ્લેકમેલરનો નવો શિકાર મલ્હારભાઇ છે? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો