ફેશન:વોર્ડરોબમાં હશે આ 5 આઉટફિટ તો છવાઇ જશો 2021માં ...

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં જૂની ફેશન નવા રંગરૂપ સાથે યુવતીઓની ફેવરિટ બની જશે એવી આગાહી ફેશન પંડિતો દ્વારા કરવામાં આવી છે જેના પગલે માનુનીઓએ પોતાના વોર્ડરોબને અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે

- પાયલ પટેલ

2020નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફેશનપરસ્ત માનુનીઓએ 2021માં છવાઇ જવા માટે વોર્ડરોબ અપડેટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ફેશનગુરુઓએ પણ 2021માં કઇ ફેશન સ્ટાઇલ છવાયેલી રહેશે એ વિશે મંતવ્ય વ્યક્ત કર્યા છે. 2021માં જૂૂની ફેશન નવા રંગરૂપ સાથે યુવતીઓની ફેવરિટ બની જશે એવી આગાહી ફેશન પંડિતો દ્વારા કરવામાં આવી છે. 2021માં નીચેની ફેશન સ્ટાઇલ ફેશનની દુનિયામાં છવાયેલી રહેશે.
- ફ્લેર્સ
ફ્લેરવાળાં કપડાંની ફેશન 70ના દાયકામાં બહુ લોકપ્રિય બની હતી. આ ફેશન ફરીથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં પેરિસમાં યોજાયેલા ફેશન શોમાં ફ્લેરવાળાં કપડાંએ ધૂમ મચાવી દીધી હતી. ફ્લેરવાળાં ટ્રાઉઝર ફેશનિસ્ટા યુવતીઓની પહેલી પસંદ બની રહ્યા છે. દરેક યુવતી પોતાના વોર્ડરોબમાં ક્લાસિક ડેનિમ બૂટકટ અને ફ્લેરવાળાં બેલબોટમની એક જોડી હોય એવું ઇચ્છે છે. આ ફેશન યુવતીઓની સાથે સાથે યુવકો પર પણ સારી લાગે છે. કિક-ફ્લેર સ્ટાઇલનું ડ્રેસિંગ યુવતીઓની પહેલી પસંદ બની ગયું છે.

- ટ્રેક જેકેટ્સ
સ્ટાઇલિશ ટ્રેક જેકેટ્સ ફેશન એડિટર્સની પહેલી પસંદ બનેલા છે. દેશ-વિદેશના અનેક ફેશન એડિટર્સે ટ્રેક જેકેટ્સને 2021નો સૌથી સ્ટાઇલિશ ટ્રેન્ડ જાહેર કર્યો છે. ટોચની ફેશન કંપનીઓએ ટ્રેક જેકેટ્સનું આગવું કલેક્શન લોન્ચ કર્યું છે. આ કલેક્શન મોંઘંુદાટ હોવા છતાં ચપોચપ વેચાઇ જાય છે. કંઇક અલગ અને સ્ટાઇલિશ પહેરવાની શોખીન યુવતીઓ ટ્રેક જેકેટ્સ સાથે પેન્સિલ સ્કર્ટનું કોમ્બિનેશન હોંશે હોંશે પહેરે છે. આમ, તમારા વોર્ડરોબમાં ટ્રેક જેકેટ્સ પણ હોવા જ જોઇએ.

- સ્ટાઇલિશ પિંક
ગુલાબી રંગના અનેક શેડ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. એક સમયે એવું માનવામાં આવતું હતું કે માત્ર યુવતીઓ જ ગુલાબી રંગ પહેરે છે પણ ફેશન પંડિતોએ આ રંગને 2021નો ન્યૂ એજ રંગ જાહેર કર્યો છે. દરેક ફેશન કંપનીઓએ પોતાનું પિંક કલેક્શન લોન્ચ કર્યું છે. ગુલાબી રંગના અનેક શેડ્સ ઉપલબ્ધ છે અને તમે તમારા ત્વચાના શેડ પ્રમાણે યોગ્ય શેડની પસંદગી કરીને એ પહેરશો તો ભીડમાં અલગ તરી આવશો. સમર 2021માં સ્ટાઇલિશ પિંક ચોક્કસપણે ફેશનની દુનિયામાં છવાઇ જશે. ફેશન ડિઝાઇનર્સ ગુલાબી અને લાલ રંગના કોમ્બિનેશનને સૌથી ખાસ માની રહ્યા છે. તેઓ કહે છે કે જો તમે નોખા તરી આવવા ઇચ્છતા હો તો આ બંને રંગની જોડી બનાવીને અચૂક પહેરો. વળી હવે તો પાર્ટીની સીઝન શરૂ થઇ ગઇ છે. તેથી આવા વસ્ત્રો પહેરવાનો ચાન્સ પણ મળશે. વાસ્તવમાં આ બંને રંગો અત્યંત આકર્ષક છે. આ બંને કલર સાથે પહેરવામાં આવે તો તો પર્સનાલિટી પ્રભાવશાળી લાગે છે.

- બ્રાલેટ સ્ટાઇલ
જો તમારે પ્રસંગમાં પરંપરાગત સાડી પહેરીને પણ બોલ્ડ લાગવું હોય તો સાડી સાથે તમે બ્રાલેટ સ્ટાઇલના બ્લાઉઝ પહેરી શકો છો. બ્રાલેટ 2021માં સૌથી હેપનિંગ ટ્રેન્ડ હશે. આ સ્ટાઇલમાં મોતી વર્ક, મિરર વર્ક, પેચવર્ક દ્વારા ડેકોરેટ કરેલું બ્લાઉઝ તમે પ્લેન કે ડિઝાઇનર સાડી સાથે પહેરી શકો છો.
- મિનિ સ્કર્ટ
મિનિ સ્કર્ટ હંમેશા ફેશન પરસ્ત યુવતીઓનાં ફેવરિટ રહ્યાં છે. 2021માં મિનિ સ્કર્ટની ફેશન ફરીથી જમાવટ કરવાની છે. આ મિનિ સ્કર્ટ અનેક ડિઝાઇનર્સના ફેવરિટ બની ગયા છે કારણ કે એમાં અલગ અલગ પ્રયોગ કરવાની સારી શક્યતા છે. આ મિનિ સ્કર્ટ પ્લેનથી માંડીને પ્રિન્ટેડ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. માનુનીઓ પોતાની પર્સનાલિટી અને જરૂરિયાત પ્રમાણે પોતાની પસંદગીનું મિનિ સ્કર્ટ પસંદ કરી છે. જોકે મિનિ સ્કર્ટ પહેરવા માટે તમારું ફિગર સપ્રમાણ હોવું જોઇએ. જો શરીર પર ચરબી હશે તો મિનિ સ્કર્ટમાં તમે સુંદર દેખાવાને બદલે મજાકનું પાત્ર બનશો. મિનિ સ્કર્ટ પહેરતી વખતે નીચે એના માટે ખાસ ડિઝાઇન કરેલા ઇનરવેર પહેરવા જોઇએ જેથી માલફંક્શનની સમસ્યા ન સર્જાય.

અન્ય સમાચારો પણ છે...