તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ: રાખ- અંગાર:પ્રણયમાં આનંદનો જોટો નહોતો!

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનન્યા સાથેના વિડીયો કોલમાં આનંદે કેમેરા ફેરવી જમણા હાથે કેસર પેંડો મોંમાં મૂક્યો. આ સમયે અનન્યા પર આવેલા કોલે ચોંકાવનારો ધડાકો કર્યો...

- કિન્નરી શ્રોફ

પ્રકરણ -4
‘મારી દીકરી છે નસીબવાળી.’ મોરબીના ઘરે પણ લગ્નની ચહલપહલ વર્તાવા માંડી છે. સગાસ્નેહીઓ કામ પૂછવા આવે એમને શ્વેતાબહેન કહ્યાં વિના નથી રહી શકતાં, ‘અમારા આનંદકુમાર તો હીરા છે જ, એમના માતાનેને મારે ખાસ વખાણવા પડે! રાજેશ્વરીદેવી જેવી સાસુ બડભાગીને જ મળે...’
આમાં તો અનન્યાને પણ ક્યાં ઇન્કાર હતો? આનંદને ભાગ્યે જ રજા હોય એટલે સાસરે જવાના અવસર પ્રમાણમાં ભલે ઓછા રહ્યા, પણ એ દરમિયાન રાજેશ્વરીમાની કાળજી, દરકાર અનુભવી શકાતી. ક્યારેક એ સામેથી ફોન પણ કરે, મા-પપ્પા જોડે પણ વાતો કરે. આનંદને એનો રાજીપો, છતાં કહ્યાં વિના ન રહી શકે: ‘મા આજે ય એવા જ છે. મારા માટે ફરજચુસ્ત!’
‘કારણ કે તમે પણ નથી બદલાયા’ અનન્યાની દલીલનંુ તાત્પર્ય એટલુ જ કે માના તેડાની રાહ જોવાને બદલે તમે સામેથી માનાખોળામાં માથંુ મૂકી સૂઇ જાઓ, નિર્દોષ એવી કોઇ જીદ આદરો...છેવટે તો ઉદ્દેશ્ય માને મા તરીકે પામવાનો જ ને! આવી પ્રિયતમા પર કોણ ઓળઘોળ ન થાય! એમાં ક્યારેક પ્રણયતોફાનમાં આનંદનો આર્મી મિજાજ રણકી ઊઠે ત્યારે સંયમ રાખવો કઠિન થઇ જાય! પ્રણયમાં આનંદનો જોટો નહોતો.
બપોરની વેળા સલોણી રાતનાં શમણામાં ખોવાતી અનન્યાનો ફોન રણકે છે. લો, આનંદનો જ વિડીયો કોલ!
‘અનન્યા, એક નવું ડેવલપમેન્ટ છે.’

આનંદ સીધા જ મુદ્દે આવી ગયા મતલબ વાત અર્જન્ટ પણ હોવી જોઇએ.‘બોલો, આનંદ.’ ‘આઇ નો, અનન્યા. આપણાં મેરેજ છે, લગ્ન પછી દિલ્હી-આગરા ફરવા જવાનું છે. આમ તો મારી રજા મંજૂર થઇ ચૂકી છે.’ ‘તમે આટલા ખચકાવ છો શા માટે, આનંદ! તમે ફરી આવશો ત્યારે લગ્ન ગોઠવીશું. ક્યારે નીકળવાનુ છે ડ્યુટી પર?’ અનન્યાના બોલમાં લેશમાત્ર થડકો નહોતો. ‘ઓહ, અનન્યા! લવ યુ. તું એકદમ મિલિટરીમેનની પત્નીને શોભે એમ બોલી ગઇ. હવે સાંભળ. અમારી પોસ્ટિંગને લગતી અગત્યની મીટિંગ દિલ્હીમાં છે. કર્નલ સર નીકળી ગયાં છે. હું ટ્રેનમાં જાઉં છું. કર્નલ સરે કહ્યું છે કે જેવંુ કામ પતે કે ચાર્ટર્ડપ્લેન કરીને પણ આપણાં લગ્નનું મુહૂર્ત સાચવી લેશે.’ ‘તમે એની જરાય ચિંતા ન કરો આનંદ’ કહેતી અનન્યાને આનંદની પાછળ કશીક હલચલ વરતાઇ...‘આનંદ, મા!’ આનંદે નજર ફેરવી. જોયુ તો રાજેશ્વરીદેવી ભાથંુ લઇને આવ્યા હતા, ‘મેં મારા હાથે ટિફિન તૈયાર કર્યુ છે, તને બહુ ભાવતા કેસર પેંડા બનાવ્યા છે, ટ્રેનમાં બેસતા જ ખાઇ લેજે, અને બીજા કોઇને આપવા જેવો સદાવ્રતી ન બનતો!’ ‘આનંદ’ અનન્યા બોલી ઉઠી, ‘માને પલંગ પર બેસાડો, જુઓ એમને પસીનો ફૂટી રહ્યો છે!’ ‘ના-ના!’ રાજેશ્વરીદેવીએ સાડીનો છેડો કપાળે ફેરવ્યો, ‘એ તો ઘણા વખતે રસોઇઘરમાં કામ કર્યું એટલે...’ પછી ઉતાવળ દર્શાવી, ‘ગાડી તૈયાર છે, જીતુભા (ડ્રાઇવર)ને મેં સમજાવી દીધુ છે કે આડેધડ કાર નથી ચલાવાની.તું ઝટ આવ!’ બહાર નીકળતા રાજેશ્વરીદેવીને સાંભર્યુ કે આનંદનો વિડીયો કોલ ચાલુ છે એટલે ટકોર કરી, ‘અનન્યા, આપણે પછી વાત કરીએ. અત્યારે આનંદે નીકળવુ જોઇએ!’ ‘જી, મા!’ સ્મિત ફરકાવી મા નીકળી ગયાં એટલે અનન્યા અને આનંદની નજરો એક થઇ, ‘આનંદ, માએ રસોઇ બનાવી એનો મતલબ એ કે એમને તમે સહેજે કલાક અગાઉ કહ્યુ હશે પછી મને જણાવતા કેમ આટલી વાર લાગી?’ અનન્યાના સ્વરમાં સરખામણીની રીસને બદલે ઠપકાનો સૂર હતો, ‘મારા પર ભરોસો નહોતો? જાણું છું, મારે આર્મી ઓફિસરનું પડખું સેવવાનું છે, રણભૂમિ પર જતા સિપાહીને હસતા મુખે વિદાય આપવા જેવંુ કાળજું તમારા આટલા મહિનાના સહવાસમાં મેં કરી નાખ્યંુ છે, આનંદ! ફરી ક્યારેય ફરજ આડે મારા માટે ઢીલા ન પડતા!’

‘જી, સરકાર!’ આનંદે સેલ્યૂટ ઠોકી, ‘અત્યારે રજા લઉં છું, બટ આઇ વિલ કમ સૂન!’ ‘હું તમારી રાહ જોઇશ, આનંદ...’ કોલ કટ થયો. અનન્યાને ઉદાસી ઘેરી વળી. ‘અરે, અનન્યા!’ માના સાદમાં રહેલી ફડક દીકરી પામી ગઇ. વાત ધાર્યા મુજબની જ નીકળી, ‘હમણા તારા પપ્પા પર વેવાણનો ફોન હતો. આનંદકુમારે અચાનક દિલ્હી જવાનું થયંુ છે?’ ‘હા,મા. ‘અનન્યાએ એમને સાંત્વના આપી,‘એમની ડ્યુટીનું ઠેકાણું હોય છે! વી હેવ ટુ સપોર્ટ હિમ.’ ‘હા, પણ કુમાર લગ્ન પહેલા તો આવી જશેને!’ ‘હું એટલું જ કહીશ મા કે આનંદ આવ્યા પછી જ મારા લગ્ન થશે’ અને આનંદ આવે જ નહીં તો? હૈયે ઊઠેલી અમંગળ આશંકાએ શ્વેતાબહેન થથરી ઉઠ્યાં. મન મનાવ્યું: નારે, આનંદકુમાર ઓછા યુદ્ધ લડવા જાય છે, આ તો ઓફિસનું કામ છે, જોજોને પરમ દહાડે જ એ પાછા આવી લગ્નનો જોગ સાચવી લેશે. શું થવાનું છે એની ત્યારે ક્યાં જાણ હતી? ‘મને ખબર પડી ગઇ મા, તેં સાવકાને જ પોતાનો માન્યો.’

આનંદને લઇ ગાડી ઘરના કમ્પાઉન્ડમાંથી નીકળી, દેખાતી બંધ થઇ એટલે સોહમનો ખટકો ઊભરી આવ્યો, ‘અઠવાડિયાંની મહોતલ આપી ત્યારે મને હતું કે મારી જિંદગીનો સવાલ હોય ત્યાં મારી મા સાત પળની પણ રાહ નહીં જુએ.’ રાજેશ્વરીદેવીએ આસપાસ જોયું. લગ્નની ચહલપહલ વાળા ઘરમાં આનંદના અચાનકના પ્રોગ્રામથી ઠહેરાવ વર્તાતો હતો. સારું છે અહીં ત્રીજુ કોઇ હાજર નથી, બાકી સોહમને આવું બોલતો જાણી શું ધારી લે! ‘મને કોઇની પરવા નથી, મોમ, હું તો મારી આત્મહત્યાની નોટમાં લખતો જઇશ કે મારી માએ સાવકા દીકરાને વધારે ગણ્યો એટલે હું આપઘાત કરુ છું!’ ‘ઇનફ, સોહમ!’ રાજેશ્વરીદેવી તપી ગયા, ‘આ શું એકની એક રઢ લઇને બેઠો છે! એમ કોઇ મા દીકરાને મરવા દેતી હશે? ધીરજ રાખ, બધું તારી મરજીનું જ થશે!’ ‘પણ ક્યારે મોમ? દર વખતેતું આમ જ ધીરજ રાખવાનુ બોલ્યે રાખે છે, કશું કરતી તોે નથી, બે દહાડામાં આનંદ દિલ્હીથી આવી જશે.’ ‘આનંદ હવે ક્યારેય પાછો નહીં આવે!’ હેં! અત્યંત ધીમા છતાં મક્ક્મ અવાજે મા આ શું બોલી ગઇ! આનંદ દિલ્હીથી પાછો નહીં આવે એનો મતલબ? ‘વધારે હું તને કંઇ જ કહેવાની નથી, સોહમ. બસ એટલંુ જાણ કે આનંદ હવે પાછો ફરવાનો નથી. અનન્યાનાં લગ્ન હમણાં તો થવાના નથી, એને આનંદના શોકમાંથી બહાર કાઢવાના પ્રયાસથી એનું હૈયંુ જીતી તારી બનાવવાના કોડ પૂરા કરજે!’

આટલુ સાંભળતા જ સોહમનાં ચિત્તમાં શરણાઇ ગૂંજવા લાગી. ‘આનું શ્રેય તને જાય છે, શબનમ. દીકરાની ખુશી માટે માને મજબૂર કરવાનો તારો આઇડિયા અકસીર નીવડ્યો!’ સોહમના હરખે શબનમની ચચરાટી તીક્ષ્ણ બની. રાજેશ્વરીદેવીએ શું કરવા ધાર્યુ છે એ તો સોહમ પણ નથી જાણતો, પણ એ જે હોય, મારે હવે તો કંઇ કરવું જ રહ્યંુ! સોહમના થેન્કસથી મારું અપમાન સરભર નથી થવાનંુ, મને કોડીની ગણનારને હું મારી કિંમતનું ભાન કરાવી દઇશ! રાજેશ્વરીદેવી પણ સગા દીકરાના ખોળે બેસી આનંદ-અનન્યામાં અંતર સર્જવાની ચાલ રમી રહ્યાં હોય, તો મારે એ બેઉને ચેતવી દેવા જોઇએ, ભલે પછી એમના ઘરમાં કંકાસ જામતો! સોરી, સોહમ...તને તો હું અનન્યારુપી આકાશ આંબવા નહીં દઉં, તું પણ મારી જેમ ધરતી પર જ સારો!

‘યસ, અનન્યા. ટ્રેન ઊપડી. હું મારા કોચમાં સેટ થઇ ગયો છું, અત્યારે તો એકલો જ છું અને જો, ભાથંુ ખોલીને બેઠો છું.’ અનન્યા સાથેના વિડીયો કોલમાં આનંદે ડાબા હાથે કેમેરા ફેરવી જમણા હાથે કેસર પેંડો મોંમાં મૂક્યો, ‘શરુઆત મીઠાઇથી!’ પેંડો આરોગતી વેળા જાણ નહોતી કે એમાં સાવકી માએ ભેળવેલું ઝેર પોતે ગળે ઉતારી રહ્યો છે! અનન્યાએ આનંદનો કોલ પતાવ્યો કે ફરી મોબાઇલ રણક્યો. નંબક અજાણ્યો હતો અને કોલ જોડનારી સ્ત્રી પણ ઉતાવળમાં હોય એમ એકશ્વાસમાં બોલી ગઇ, ‘ચેતજે અનન્યા, તારી-આનંદની જોડી જોખમમાં છે! તમને જુદા કરવાની જાળ રચાઇ ચૂકી છે અને આમ કરનાર બીજંુ કોઇ નહીં, તારી સાવકી સાસુ રાજેશ્વરીદેવી છે!’ આ ફોનની માહિતી સાંભળીને અનન્યાની આંખ સામે અંધારું છવાઇ ગયુ ંઅને એનું દિલ ડૂબવા લાગ્યું. આનંદની ચિંતામાં જાણે તેનો શ્વાસ બંધ થઇ ગયો. પહેલાં તો તેને થયું કે કોઇ તેની સાથે મજાક કરી રહ્યું છે પણ પછી થયું કે જો આ વ્યક્તિની વાત સાચી નીકળી તો? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો