યોગ ફંડા:રોજ નિયમિત 15 મિનિટ કપાલભાતિ કરવાથી થાય છે અનોખા ફાયદા

સ્નિગ્ધા શાહ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાલભાતિ કરવાથી રક્તકણો વધે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. એ શરીરને આંતરિક રીતે સાફ કરીને મગજને શાંત રાખે છે અને એકાગ્રતા વધારે છે. કપાલભાતિ પ્રાણાયામ તન અને મન બંને માટે ખૂબ જ ઉત્તમ શ્વસનક્રિયા છે પણ એ યોગ્ય રીતે થાય એ જરૂરી છે

જેમ યોગના અલગ અલગ આસન ફિટનેસ જાળવવામાં મદદ કરે છે એવી જ રીતે કપાલભાતિ પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે. કપાલભાતિ હકીકતમાં એક બ્રીધિંગ એક્સરસાઇઝ છે આ એક્સરસાઈઝ રોજ કરવાથી સ્ટેમિના અને તાજગીમાં વધારો થાય છે. કપાલભાતિ તમારા શરીરને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. એમાં શ્વાસોશ્વાસની ઝડપી ક્રિયાથી શરીરનાં ઝેરી અને નકામાં દ્રવ્યો ઉચ્છવાસ વાટે બહાર ફેંકાઈ જાય છે અને આપમેળે વધુ ઓક્સિજન શરીરમાં જતો હોવાથી ફેટ બળવાની ક્રિયા ઝડપી બને છે. લાંબા ગાળા સુધી આ ક્રિયા નિયમિત કરવાથી શરીર કાંતિમય બને છે. જોકે પ્રેગ્નન્સી દરમિયાન કપાલભાતિ ન કરાય. આ સિવાય ખૂબ જ ઊંચું બ્લડ-પ્રેશર હોય તેમ જ હાર્ટ પહોળું થતું હોય એવા દર્દીઓએ પણ કપાલભાતિ કરવાનું ટાળવું. વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ ત્યારે જ બળે જ્યારે ઓક્સિજનની હાજરી હોય. શરીરમાં ઓક્સિજન વધુ માત્રામાં જવા લાગે એટલે કેલરી બર્ન થવાની ક્રિયા ઝડપી થવા લાગે. ચયાપચયનું કાર્ય ઝડપી બનવાથી તમે પહેલાં જેટલી જ પ્રવૃત્તિ કરતા હોવા છતાં કેલરી બળવાની ગતિ વધતાં ચરબી ઝડપથી બળે છે. કેવી રીતે કરાય? કપાલભાતિ ક્રિયામાં શ્વાસ લેવા પર નહીં, છોડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પદ્માસન અથવા તો વજ્રાસન કરીને ટટ્ટાર બેસવું. કપાલભાતિ બેસીને કે ઊભા રહીને કરી શકાય છે, પરંતુ બેસીને કરવાનું વધુ સારું રહેશે. બંને હાથથી જ્ઞાન મુદ્રા કરી તેને કોણીએથી વાળ્યા વગર ચત્તા ઢીંચણ પર મૂકો. એમ કરવાથી ખભા સહેજ ઊંચે રહેશે. પણ તેથી પેટની હલનચલનમાં સરળતા રહેશે. આસનમાં સ્થિર બેઠા પછી લગભગ એક મિનિટ સામાન્ય રીતે શ્વાસ લેતા હો એમ લેવો. સાચી રીતે શ્વાસ લેતા હો તો પેટ ફૂલે છે અને કાઢવાથી પેટ સામાન્ય અવસ્થામાં આવે છે. શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે એ બાબતે સભાનતા કેળવાય એટલે કપાલભાતિ શરૂ કરી શકાય. આ પ્રાણાયામમાં ઉચ્છવાસ કાઢવાનો છે. એટલું જ નહીં, સહેજ હળવા ફોર્સ સાથે કાઢવાનો છે. નાભિના સ્નાયુને અંદરની તરફ ધકેલીને પેટને અંદર લેતી વખતે શ્વાસ કાઢવાનો. બસ, કાઢતા જ રહેવાનો. વચ્ચે શ્વાસ લેવાનો પ્રયત્ન ન કરવો. શ્વાસ નીકળે એ વચ્ચેના ગાળામાં આપમેળે થોડી હવા અંદર જતી રહે છે. શ્વાસ લીધા વિના સતત ઉચ્છવાસ કાઢતા રહેવું એ છે કપાલભાતિ. સામાન્ય રીતે શરૂઆત કરતા હો તો પહેલાં વીસ-પચીસ વાર ઉચ્છવાસ કાઢ્યા પછી જાણે શ્વાસ અંદર ખૂટી ગયો છે એવું લાગવાથી વ્યક્તિએ બ્રેક લેવો પડે છે. થાક લાગે તો અટકી જવું. એક-બે નોર્મલ શ્વાસોશ્વાસ લીધા પછી ફરીથી કપાલભાતિની ક્રિયા શરૂ કરવી. પહેલી વાર કરતા હો તો શરૂઆતમાં પાંચેક મિનિટ આ ક્રિયાનું આવર્તન કરવું. ધીમે-ધીમે કરતા ક્ષમતા વધશે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કપાલભાતિ કરવાથી રક્તકણો વધે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. એ શરીરને આંતરિક રીતે સાફ કરીને મગજને શાંત રાખે છે અને એકાગ્રતા વધારે છે. નિયમિત કપાલભાતિ પેટ પરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. કપાલભાતિ શ્વસનના રોગો જેમ કે અસ્થમા, એલર્જી અને સાઈનસમાં લાભકારી છે અને કબજિયાત, વાળ ખરવા, એસિડિટી, ડાયાબિટીસ જેવા રોગોમાં ફાયદાકારક છે. એનાથી શરીરમાંથી નકામાં અને ઝેરી તત્ત્વો ઉચ્છવાસ વાટે નીકળી જતાં લાંબા સમયે ચહેરા પર ચમક આવે છે. કપાલભાતિ ફેફસાં માટેની સર્વશ્રેષ્ઠ કસરત છે. કપાલભાતિ કરવાથી ફેફસાંની અંદર રહેલી સૂક્ષ્મ રક્તકોશિકાઓમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને ઓક્સિજનનો સંચાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...