પ્રશ્ન : મારી આંખની આસપાસ કાળા કુંડાળાં થઇ ગયાં છે. આના કારણે મારો ચહેરો ખૂબ ખરાબ લાગે છે અને આંખો પણ ઊંડી ઊતરી ગઇ હોય એવું લાગે છે. આંખોની આસપાસના કુંડાળાં દૂર કરવા માટેનો કોઇ ઉપાય જણાવશો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમારી આંખોની આસપાસ કુંડાળાં થઇ જવાનું કારણ પોષણની ઊણપની સાથોસાથ અનિદ્રા, સ્ટ્રેસ જેવી સમસ્યા પણ હોઇ શકે છે. તમે પૌષ્ટિક ખોરાક લેવાનું રાખો. રાત્રે આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે આંખોની આસપાસનાં કાળા કુંડાળાં દૂર કરવા માટે કાકડીને છીણી તેનો રસ આંખોની આસપાસ કુંડાળાં પર લગાવો. તમે ઇચ્છો તો બટાકાનો રસ પણ લગાવી શકો છો. આ રસ આંખની આસપાસના કુંડાળાં પર લગાવી તે સુકાઇ જાય તે પછી સાદા પાણીથી ધોઇ નાખો. આ ઉપાય નિયમિત રીતે અપનાવવાથી કુંડાળાં આછા થઇ જશે. મેકઅપ કરો ત્યારે તમારા સ્કિનટોન અનુસાર કન્સિલર લગાવો. કુંડાળાં નહીં દેખાય. પ્રશ્ન : મને પગના નખ વધારવાનો ખૂબ શોખ છે, પરંતુ મારા પગના નખ થોડા વધીને તૂટી જાય છે. ક્યારેક આડા-ત્રાંસા તૂટવાથી તે સાડીમાં ભરાઇ જવાથી દુખે છે. મારે શું કરવું? એક યુવતી (વડોદરા) ઉત્તર : સામાન્ય રીતે પગના નખ વધારવાથી આ સમસ્યા વધારે રહે છે, કેમ કે મોટા ભાગે મહિલાઓને પાણીમાં વધારે કામ કરવાનું રહેતું હોવાથી પગની આંગળીઓના નખ નરમ રહે છે. ઘરમાં ઘણી વાર સ્લીપર ન પહેરવાથી પણ નખ ખરાબ થઇ જાય છે અને તૂટી જાય છે. પાણીમાં કામ કર્યાં પછી પગને નેપ્કિનથી લૂછી નાખો. તે પછી મોઇશ્ચરાઇઝર લગાવો. દર મહિને પેડિક્યોર કરાવો અથવા તો તમે ઘરે પણ પેડિક્યોર કરી શકો છો. આનાથી ચોક્કસ સમસ્યામાં રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.