તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:દુ:સ્વપ્નની દુનિયા

ડો. સ્પંદન ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તણાવ હકીકતમાં નાઇટમેર પ્રેરે છે. જે સારા સપનાંની સાથે જોડાઇ ગયેલાં ઇમોશનલ ડિસ્ટર્બન્સના લીધે પેદા થાય છે

સવારના ચાર વાગ્યે રિતિકા અચાનક ઊઠી ગઇ. ઊઠતાની સાથે જ રડવા લાગી. બાજુના રૂમમાંથી તેનાં પેરેન્ટ્સ પણ દોડી આવ્યાં. તે ખૂબ જ ગભરાઇ ગયેલી હતી. ચહેરો પરસેવાથી રેબઝેબ હતો. શરીર ધ્રૂજી રહ્યું હતું. આવું પહેલીવાર થયું નહોતું. છેલ્લા એક મહિનામાં ત્રીજી વાર આવી ઘટના બની હતી. શું થયું? એવા પ્રશ્નનો ફરીથી એ જ જવાબ હતો કે ખબર નથી પણ અચાનક સપનું આવ્યું કે કોઇ ભયાનક પ્રાણી મારો પીછો કરી રહ્યું છે અને હું ભાગી રહી છું. દોડતાં-દોડતાં થાકી ગઇ પણ પ્રાણીએ પીછો છોડ્યો નહીં. છેલ્લે મારામાં વધુ દોડવાની શક્તિ ન રહી અને પ્રાણીએ પોતાનો પંજો મારા પર વીંઝ્યો અને હું ઊઠી ગઇ. રિતિકા છેલ્લા મહિનામાં ત્રણ વાર આવું દુ:સ્વપ્ન જોયું હતું અને એની તેની પર ઊંડી અસર પડી હતી. શરૂઆતમાં તો ઘરે બધાએ હળવાશથી લીધું પરંતુ તેના લીધે રિતિકાનાં વર્તનમાં ઘણો બધો બદલાવ જોવા મળી રહ્યો હતો. આ સપનાનો ડર તેનાં મગજ પર હાવી થઇ રહ્યો હતો. ઊંઘવા માટે જવું તેના માટે અકળામણ બની ગયું. જાગતી રહીશ તો સપનું નહીં આવે એ લાગણીને લીધે રિતિકા ઊંઘવાનું ટાળવા લાગી હતી. તે છેવટે થાકીને સૂઈ જાય તો પણ ડીપ સ્લીપ તો ના જ આવે. આના કારણે આખો દિવસ સુસ્તી લાગવી અને માથું દુખવું તેમજ સ્વભાવ ચીડિયો થઇ જવાની સમસ્યા તો બહુ કોમન થઇ ગઇ હતી. આવો અનુભવ માત્ર રિતિકાને નહીં પણ ઘણા બધાને તેમનાં જીવન દરમિયાન થતો હોય છે. સાઇક્યિાટ્રીમાં તેને ‘નાઇટમેર’ અથવા ‘ડ્રીમ એન્ક્ઝાયટી ડિસઓર્ડર’ તરીકે ઓળખવામાં આવે છે. સપનાં એ ઊંઘનો ભાગ છે. દરેક મનુષ્યને એવરેજ બે કલાક સપનાં આવતાં હોય છે. ઊંઘના બે ભાગ છે NREM અને REM. આ લાઇટ સ્લીપ એટલે કે આર. ઇ. એમ. સ્લીપ દરમિયાન આવેલાં સપનાં મોટાભાગે યાદ રહે છે. જો આ સપનાંનો પ્રકાર ખૂબ જ ડિસ્ટર્બ અથવા ભયાનક હોય તો તે હાર્મફુલ બની જાય છે. આ પ્રકારના સપનાં પાછળ સ્ટ્રેસ જવાબદાર છે. કોઇ પણ પ્રકારનો તણાવ હકીકતમાં નાઇટમેર પ્રેરે છે. જે સારા સપનાંની સાથે જોડાઇ ગયેલાં ઇમોશનલ ડિસ્ટર્બન્સના લીધે પેદા થાય છે. તેના લીધે સાબિત થાય છે કે વ્યક્તિની નિદ્રા ગાઢ નથી અને તેનાં મગજમાં કોઇ ગડમથલ ચાલી રહી છે. ‘લ્યુસિડ ડ્રીમ થેરાપી’ તથા રિલેક્સેશન દ્વારા આ રોગને અંકુશમાં આણી શકાય છે. ક્યારેક ઓછા પાવરની દવાઓ આપવી પડે છે. તમારી ઊંઘ પરથી તમારી એનર્જી અને મૂડ નક્કી થાય છે, મારે આવી સ્થિતિનું નિવારણ જરૂરી છે. મૂડમંત્ર ઃ મનુષ્યનો સ્વભાવ ડ્રીમ ચેઝ કરવાનો છે. જો સપનાં તમને ચેઝ કરવા માંડે તો સમજવું કે આપણે કોઇ મુસીબતનો સામનો કરી રહ્યાં છીએ. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...