મીઠી મૂંઝવણ:પત્ની નાનીનાની વાતમાં ગુસ્સે થઇ જાય છે...!

18 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે અને મારે સંતાનમાં છ વર્ષનો એક દીકરો છે. મેં નોટિસ કર્યું છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી મારી પત્નીના સ્વભાવમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે અને તે નાનીનાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. મારી આ સમસ્યાનો
ઉકેલ શું છે?
એક પુરુષ (અમદાવાદ)
ઉત્તર :
સમય : સમયની સાથે સાથે પતિ અને પત્ની બંનેની જવાબદારીમાં સારો એવો વધારો થતો જાય છે અને આ કારણે વાતચીત અથવા તો કોમ્યુનિકેશનનો સમય ઓછો થઇ જાય છે. લગ્નના કેટલાક વર્ષ પછી પતિ બિઝનેસ અથવા તો નોકરીમાં બહુ વ્યસ્ત થઇ જાય છે જ્યારે પત્ની ઘરકામમાં બિઝી થઇ જાય છે. આ સંજોગોમાં પતિ અને પત્નીની લાગણીઓ અવ્યક્ત રહી જાય છે. આ અવ્યક્ત રહી ગયેલી લાગણીઓ ક્રમશ: ગુસ્સાની લાગણીનું સ્વરૂપ ધારણ કરી લે છે અને એના કારણે સમસ્યાઓમાં વધારો જ થાય છે. જો તમારી પત્ની સતત ગુસ્સામાં રહેતી હોય તો પહેલાં તો શાંતિથી એની સાથે બેસીને સવાર કરો કે તેના આ વર્તન પાછળ તમારી કોઇ ભૂલ તો જવાબદાર નથી ને? જો પત્નીના બદલાયેલા વર્તન પાછળ‌ તમારી કોઇ ભૂલ જવાબદાર હોય તો માફી માગીને ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરવો અને એક વખત ગુસ્સો શાંત થઇ જાય એ પછી એને સમજાવો કે નાનીનાની વાતમાં ગુસ્સો કરવાનું વલણ બિલકુલ યોગ્ય નથી. જો પત્ની સતત ગુસ્સે રહેતી હોય તો વારંવાર સવાલ કરવાને બદલે ક્યારેય એને ઇગ્નોર કરવાનો ઉપાય અજમાવી જુઓ. કદાચ આવા વર્તનથી તેનો ગુસ્સો જલ્દી શાંત થઈ જશે અને પછી એ સમજી જશે કે એ વગર કારણે તમારા પર ગુસ્સો કરી રહી છે.
ગુસ્સે ભરાયેલી પત્નીને હેન્ડલ કરવા માટે તમે તમારા દીકરાની મદદ પણ લઇ શકો છો. સામાન્ય રીતે માતા કારણ વગર સંતાન પર ગુસ્સો કરે છે. ઘર સંભાળવું પણ કોઈ સરળ કામ નથી. આખો દિવસ પરિવારની દેખરેખ કર્યા પછી પત્ની થાકી જાય છે. કયારે ક્યારે તેને આ કામથી રજા આપો કારણકે શક્ય છે કે બધાને ખુશ કરવાના ચક્કરમાં એનો સ્વભાવ બગડી શકે છે. તમારે પત્નીના ગુસ્સાનું કારણ સમજીને આ સમસ્યા દૂર કરવાની જરૂર છે.
પ્રશ્ન : અમારા પરિવારમાં બંને ભાઇઓને ત્યાં દીકરા જ છે. મારા નાના ભાઇને ત્યાં હમણાં દીકરીનો જન્મ થયો. અમે સૌ ખૂબ ખુશ થયાં, પણ હવે મારા નાના ભાઇની પત્ની એની દીકરીને અમારી પાસે આવવા દેતી નથી. મારી પત્ની એને પોતાની દીકરી જેવી માને છે, તો પણ એ નથી આવવા દેતી. એને કઇ રીતે સમજાવવી?
એક પુરુષ (જામનગર)
ઉત્તર :
તમારા પરિવારમાં બંને ભાઇ વચ્ચે આ પહેલી દીકરી છે એટલે સ્વાભાવિક છે કે તમને સૌને એનાં જન્મની ખુશી હોય અને તમે તથા તમારાં પત્ની એને રમાડવા ઇચ્છતાં હો. તમારી લાગણી તમારા નાના ભાઇનાં પત્ની પણ જાણતાં જ હોય એ સ્વાભાવિક છે. એ કેમ તમારા બંને પાસે પોતાની દીકરીને નથી આવવા દેતાં તે વિશે તમે એમની સાથે એક વાર શાંતિથી વાત કરીને સ્પષ્ટતા કરી લો તે વધારે સારું રહેશે. સંતાનની બાબતમાં ક્યારે કોના મનમાં શું વિચાર આવે કે કોઇ શું માની લે તે કહેવાય નહીં. આથી તમે એમની સાથે સ્પષ્ટ વાત કરી લો.
શક્ય છે કે આ લાગણી તમારા મનની જ ઉપજ હોય. હકીકતમાં મહિલા જ્યારે માતા બને છે ત્યારે પોતાના સંતાન માટે બહુ પ્રોટેક્ટિવ બની જાય છે. તમારા ભાઇને ત્યાં હમણાં જ દીકરીનો જન્મ થયો છે એટલે શક્ય છે કે તમારા ભાભી તેમની દીકરીને સતત પોતાની નજર સામે જ રાખવા ઇચ્છતા હોય. ઘણી વખત મહિલાઓ પ્રસુતિ પછી ‘પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’નો ભોગ બને છે જેના કારણે તેમના વર્તનમાં ભારે પરિવર્તન આવી જાય છે. આ સંજોગોમાં તમે દીકરીને રમાડવાની ઉતાવળ કરવાને બદલે તમારા ભાભીની કાળજી લેવાનો અભિગમ કેળવશો તો પરિસ્થિતિમાં ચોક્કસપણે હકારાત્મક ફેરફાર આવી જશે.
પ્રશ્નઃ મારી પત્ની જોબ કરે છે. એ ઘણી વાર ઘરે આવીને કોઇની સાથે વાતો કરતી હોય છે. ક્યારેક એના મોબાઇલ પર મોડી રાત્રે મેસેજ પણ આવે છે. મેં એક-બે વાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો, તો એ ફ્રેન્ડના મેસેજ છે, કહીને વાત ઉડાવી દે છે. એને કોઇની સાથે સંબંધ તો નહીં હોય? મારે કઇ રીતે જાણવું કે એને મોડી રાતે મેસેજ કે કોલ કોણ કરે છે?
એક પુરુષ (વડોદરા)
ઉત્તરઃ
તમારાં પત્ની જોબ કરે છે. શક્ય છે કે એમને કોઇ કામ અંગે ક્યારેક કોઇ કલીગના ફોન આવે અથવા તો એ જેમ કહે છે એ પણ શક્ય છે કે એમની ફ્રેન્ડના ફોન કે મેસેજ આવતાં હોય કેમ કે જોબ કરતાં હોય તેથી આખો દિવસ ઓફિસ અને ઘરે આવ્યાં પછી ઘરનાં કામકાજ બાદ આજકાલ મહિલાઓને પોતાના માટે થોડો જ સમય મળતો હોય છે. તમે એમ માનો છે કે એ વાત ઉડાવી દે છે, પણ એવું હોઇ શકે કે ફ્રેન્ડ્ઝની વાતમાં કંઇ એવું ખાસ ન હોય જે તમને જણાવવાનું હોય. તેથી એ ન કહેતાં હોય. તમે આ રીતે એમને મેસેજ કે કોલ કરનાર વિશે જાણવાનો પ્રયત્ન કરીને અને આગ્રહ રાખીને તો ઊલટાનું તમારાં પત્ની પ્રત્યે શંકાનું બીજ મનમાં ધરાવો છો. એ શંકા દૂર કરો અને શાંતિથી તમારા સુખી લગ્નજીવનને માણો.
પ્રશ્નઃ મારી દીકરી ઘણા સમયથી એક યુવાનને પ્રેમ કરે છે. અનેક વાર એને લગ્ન કરવા અંગે સમજાવવા છતાં એ લગ્ન કરવાની વાતને ગંભીરતાથી લેતો નથી. એ બંને દરેક મર્યાદા ઓળંગી ગયા છે અને મારી દીકરી દલીલ કરે છે કે ગમે ત્યારે અમે લગ્ન કરવાનાં છીએ. એ યુવાન જો મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો મારી દીકરીનું શું થશે?
એક મહિલા (સુરત)
ઉત્તરઃ
આમાં દોષ તમારો છે કેમ કે તમારી દીકરીએ કહ્યું કે ગમે ત્યારે લગ્ન કરવાનાં છે અને એ બંનેએ તમામ મર્યાદા ઓળંગી ત્યારે જ એનાં પર પ્રતિબંધ મૂકવાની જરૂર હતી. હવે લગ્ન કરવા અંગે સમજાવવા છતાં જો એ યુવાન વાતને ગંભીરતાથી ન લેતો હોય તો એટલું સમજી લો કે એ યુવાનની લગ્ન કરવાની ઇચ્છા નથી અથવા ઓછી છે. તમે તમારી દીકરીને હજી પણ સમજાવો અને એ યુવાનને મળતાં અટકાવો. જો એ યુવાન તમારી દીકરીને પ્રેમ કરતો હશે તો લગ્ન કરવાની વાતને ગંભીરતાથી લઇને એને અપનાવશે. અત્યારની પરિસ્થિતિમાં તમે કોઇ પણ રીતે તમારી દીકરીના પ્રેમી પર દબાણ કરી શકો એમ નથી એટલે તમારી પાસે માત્ર દીકરીને સમજાવાનો રસ્તો જ બાકી રહે છે. તમે દીકરીને પર દબાણ કર્યા વગર અથવા તો તેને પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા વગર તેને શાંતિથી બેસાડીને પરિસ્થિતિની હકારાત્મક અને નકારાત્મક બંને બાજુ વિશે સમજાવો. જો તમારી દીકરી સમજદાર હશે તો પરિસ્થિતિને સારી રીતે સમજી જશે અને આપોઆપ જ યુવકને મળવાનું બંધ કરી દેશે. જો આમ છતાં પરિસ્થિતિ તમારા કાબૂમાં ન હોય તો તમે મનોચિકિત્સકની મદદ પણ લઇ શકો છો. કેટલાક યુવાનો પ્રેમના નામે યુવતી સાથે દરેક પ્રકારની મર્યાદાઓ ઓળંગી જાય છે અને જ્યારે યુવતીનાં માતા-પિતા લગ્ન કરવા અંગે કહે, ત્યારે ગંભીરતાથી લેતા નથી. આ રીતે દીકરી કોઇની પ્રેમજાળમાં ન ફસાય તે માટે માતાપિતાએ દીકરીને અટકાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...