તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:પતિને બીજી યુવતી સાથે પ્રેમ થઇ શકે એ હકીકત પત્ની સમજી નથી શકતી!

કિન્નરી શ્રોફએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -4 અતિરાજ, જર્મનીની કંપની સાથે જે પ્રોજેક્ટ કરવાના છો એનાં ઇન્વેસ્ટમેન્ટનું શું પ્લાનિંગ છે?’ સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર સાંવરીએ અણધાર્યુ પૂછતાં અતિરાજને ઉધરસ આવી. ‘અરે, અરે!’ સાંવરીએ પીઠ પસવારી પાણી ધર્યું, ‘તમે તો એવા ઉતાવળે કોળિયા ભરો છો જાણે જિંદગી વહી જવાની હોય...’ આને કેમ કહેવું કે ખરેખર આજે અતિરાજનો તો આખરી દિવસ જ છે! જ્યુસનો ઘૂંટ ગળતા અતિરાજે વાગોળ્યું: જીવનના કેટલાક વળાંક સાવ અણધાર્યા હોય છે. મહેતાસાહેબના જમાઇ બનવાનું જેટલંુ ધારણા બહારનું હતંુ એટલો જ અણધાર્યો સ્વીટીનો જીવનપ્રવેશ હતો. બાકી હું લગ્નજીવનથી સંતુષ્ટ હતો, સાંવરીથી તૃપ્ત હતો...અને છતાં સ્વીટીનાં આગમનનો અવકાશ સર્જાયો એનો અફસોસ પણ નહોતો. સ્વીટીએ તો મને પુરુષ તરીકેની મારી લાયકાતનો અહેસાસ કરાવ્યો કે મારી સાથે સાંવરીથી વધુ સ્વીટી શોભે એવું માનતો થયો એ પછી કોઇ સ્પીડબ્રેકર ન રહ્યું અને લગ્નેતર સંબંધમાં પોતે સડસડાટ આગળ વધી ગયો!... અલબત્ત ઘરવાલી-બાહરવાલીનો ખેલ બહુ લાંબો ન ચાલે, એક મ્યાનમાં બે તલવાર રહેવાની નહોતી અને સાંવરી-સ્વીટીમાંથી કોઇ એકનો જ ઓપ્શન હોય તો એ સ્વીટી જ હોય! પણ સ્વીટીને પત્નીનો દરજ્જો આપતા પહેલા મારે સાંવરીથી છૂટા થવુ પડે. અને એ સરળ નહોતું. પતિને બીજી યુવતી સાથે સાચા હૃદયનો પ્રેમ થઇ શકે એ સત્ય કોઇ પત્ની ક્યારેય સમજી નથી શકી, સાંવરી પણ અમારા સંબંધને લફરાં તરીકે જ જોવાની. પિતાના બિઝનેસમાં અડધો હક પતિને લખી આપનારી આને વિશ્વાસઘાત માની ધરાર આડી ઉતરે. સાંવરી સરળતાથી ડિવોર્સ દઈ દે એ બહુ સંભવ નથી. આપણો કાયદો સ્ત્રીઓને વિશેષ સવલતો આપે છે એનો ગેરલાભ લઇ સાંવરી મને-સ્વીટીને એક ન થવા દે એવી રમતો રમતી રહે એનો અર્થ નથી. મને રોકતું બીજું તત્ત્વ એટલે સમાજમાં મેં મેળવેલી પ્રતિષ્ઠા! શ્વસુરજીનો કારોબાર સંભાળી મેં કૂથલીખોરોની બોલતી બંધ કરી દીધેલી. ‘હવે અડધો દલ્લો મળતા જ શ્યામલ સાંવરીને છોડીને ફૂલફટાકડી સાથે પ્રણયફાગ ખેલનાર પુરુષનું અસલી પોત જ આ!’ લોકો આવું જ કહેવાના અને એ બદનામી મને મંજૂર નહોતી. કોઇ મારા મા-બાપના સંસ્કાર પર આંગળી ઉઠાવે એ તો કેમ ચાલે! આ બેઉ બાબતનો મને એક ઉકેલ દેખાયો: અતિરાજ તરીકે મારી હસ્તી જ મિટાવી દેવી અને નવા નામ-નવા રૂપે સ્વીટી સાથે નવજીવનની શરૂઆત માંડવી! આમાં અતિરાજની નિયતની વગોવણી પણ ન થાય અને સાંવરી અમારા સુખમાં દખલગીરી પણ ન કરી શકે! હા, સાંવરીએ વૈધવ્ય વેઠવાનું આવે, પણ થોડા સમયમાં આઘાત વિસારી એ મૂવ ઓન થઈ જ શકે. સો વી ઓલ વીલ બી હેપી! વેપારી તરીકે પોતાના સોર્સીસ હતા, પ્લાનિંગની સૂઝ હતી એટલે અતિરાજમાંથી સમ અધરવનનુ ટ્રાન્સફોર્મેશન એટલું મુશ્કેલ નહોતંુ.નકલી પાસપોર્ટ, ફેક આઇ ડી પ્રૂફ બનાવનારી એજન્સીસને આમ પણ ક્લાયન્ટને યાદ રાખવામાં રસ નથી હોતો, નેચરલી. પોતે ખોટું કરે છે એની સાક્ષી આપનારો કોને યાદ રાખવો ગમે? એટલે એ તરફની નિશ્ચિંતતા તો હતી જ. પણ પછી શું? નિર્વાહ માટે ફરી એકડે એકથી શરૂઆત કોણ કરે! મારી સ્વીટીએ આર્થિક સંઘર્ષ વેઠવાનો થાય એ તો બનવું જ શું કામ જોઇએ જ્યારે અતિરાજ તરીકે હું પાંચસો કરોડનો માલિક હોઉં! અને સ્વીટી કહેતી હોય છે એમ આ મારા હકનો, મારી મહેનતનો પૈસો છે...કંઇ સાંવરીનો ધર્માદો નથી! તો પછી કંઇ એવું ગોઠવવું જોઇએ કે અતિરાજ ‘મરતા’ પહેલા એનો પૈસો અખિલને ટ્રાન્સફર કરી દે! ચોક્કસપણે આ પડકારરૂપ કામ હતુ. બોલવામાં લાગે એટલું સરળ નથી હોતંુ વેપારમાંથી પૈસા કાઢવાનું. સાથે એ પણ એટલું જ સાચંુ કે ધેર ઇઝ ઓલ્વેઝ અ વે, વેન ધેર ઇઝ વિલ! બહુ વિચારતા એનો પણ માર્ગ મળી ગયો. વસઇનાં કારખાના માટે વિદેશી કંપની સાથે જોઇન્ટ વેન્ચર કરવાની વાટાઘાટો પ્રાથમિક તબક્કામાં હતી જ, આમાં જર્મન કંપની સાથેનો સ્કોપ એક્સપાન્ડ કરી ખરેખર તો પોતે એ પ્રોજેક્ટની આડમાં આખો ખેલ કર્યો છે, પ્રોજેક્ટનાં ઇન્વેસ્ટમેન્ટના નામે બિઝનેસમાંથી થયેલો ઉપાડ હજુ સુધી મારા અને સ્વીટી સિવાય કોઇની જાણમાં નથી. ‘અતિરાજનાં મૃત્યુ’ પછી બેશક આ ગોટાળો જાહેર થવાનો, પણ એને અતિરાજનાં સ્કેમ તરીકે લઇ ન શકાય એટલી તકેદારી તો મેં રાખી જ હોય. એ ઉપાડ અખિલ શાહના નામે હવાલો પામ્યો છે એની કોઇને ક્યારેય જાણ થઇ શકવાની નથી. સાંવરી કે અન્ય ડિરેક્ટર્સ બહુ બહુ તો જર્મન કંપની સાથે અમારા તરફથી લાયઝનિંગ કરતી એજન્સીને પૂછ્પૂછ કરશે, પણ એથી કંઇ વળવાનું નથી, અખિલ સુધી કોઇ પહોંચવાનંુ નથી. બસ, અતિરાજ દેવલોક પામે ત્યાં સુધી સાંવરી એમાં ઊંડી ઉતરવી ન જોઇએ! વિચારમેળો સમેટી અતિરાજે સ્મિત ઉપજાવ્યંુ, ‘આઇ એમ ગ્લેડ સાંવરી કે તને વેપારમાં રસ તો પડ્યો.’ અતિરાજે વેણબાણ ચલાવ્યંુ, ‘આખરે પૈસા તારા પપ્પાના.’ શરૂઆતમાં ક્યારેક આવું બોલાઇ જતંુ તો સાંવરી નારાજ થઈ વઢતી: આપણામાં તમે મારું-તારું કરી જ કેમ શકો! આજે જોકે એ મલકી, ‘પૈસા હવે પપ્પાના ક્યાં રહ્યા? આપણે ફિફ્ટી ફિફ્ટી તો કરી લીધંુ!’ આ સાંવરી બોલે છે! અગેઇન સમથિંગ રિઅલી અનયુઝઅલ... એને સાચે જ કંઇક ગંધાયુ છે કે હું અમસ્તો વહેમાઉં છંુ? અતિરાજને સમજાયું નહીં એટલે મન મનાવ્યંુ: મારો ભાગ મેં સગેવગે કરી લીધો છે, ચારસો કરોડ ઇન્વેસ્ટ થઇ ગયા છે, સો કરોડના ડાયમન્ડસ પણ ઓફિશિયલ છે. સાંવરી કોઇ વાતે વહેમાઇ પણ હશે તો પણ સત્ય સુધી પહોંચતા પહેલાં તો આજે મૃત્યુનો અંતિમ અંક પાર પડે એટલે અમારા ખેલ પર પડદો જ ઢળી જવાનો! અતિરાજ મરે પછી અખિલ શાહની જિંદગીમાં સાંવરીનું કોઇ સ્થાન નહીં હોય! ‘મારા ખ્યાલથી સહેજે પાંચ સો કરોડનો પ્રોજેક્ટ હશે...સમજોને વેપારમાં તમારા અડધા હિસ્સા જેટલી સાઇઝના પ્રોજેક્ટ માટે લોન અપ્લાય કરી છે કે પછી પબ્લિક ઇશ્યુ લાવો છો?’ આવા સવાલ તો બિઝનેસ ન જાણનારો પણ કરી શકે... પણ એને અપાનારો જવાબ સાંવરીને ન ચાલે. ‘ઇન્વેસ્ટમેન્ટ માટેના મારા પ્લાન્સ થોડા જુદા છે.’ અતિરાજે સાચવીને કહ્યુ, ‘તને કાલે વિગતે સમજાવીશ. અને હા, આજે મારે કદાચ સાંજે વસઇ જવાનું થાય તો રાત ત્યાં જ રોકાઇ જઇશ.’ ‘હં’ સાંવરીએ ડોક ધુણાવી, ‘ઠીક છે. ટેક કેર.’ સાંવરી સાથે આટલી વાત કરીને ઘરેથી રાબેતા મુજબ નીક્ળતા અતિરાજની ભીતર એક શબ્દ ઉઠતો હતો: ગુડબાય! કારમાં નીકળેલા પતિને સાંવરી એ દેખાયો ત્યાં સુધી હોલની ગ્લાસ વિન્ડોમાંથી નિહાળી રહી અને તેણે પોતાના મનમાં એક પાક્કો નિર્ધાર કરી લીધો. Â Â Â ‘ઓલ ધ બેસ્ટ’ સ્વીટીએ કહ્યું. આજે બોસ તો શું સેક્રેટરીનું ચિત્ત પણ કામમાં ચોંટે એમ નથી. સાંવરીને સમજાવાનું મૂરત કાલ પર ઠેરવ્યા પછી એની ચિંતા નથી. બસ, આજનું ગોઠવેલું પાર પડી જાય એની તાણ છે. અતિરાજને મારો થવા મેં ચાલાકીપૂર્વક પ્રેર્યો એ ખરું, પણ મારા માટે આટલંુ કરનારની લાગણી તો સાચી. અતિરાજ મારા વશમાં છે અને કદાચ એનું વશમાં હોવું જ મારા માટે પ્રણય છે! ‘થોડીવારમાં તમારે વસઇ જવા નીકળવાનું છે. આ બેગમાં અખિલનો પાસપોર્ટ, એના આઇ-ડી પ્રૂફ્સ, અખિલ બનવા માટેની વેશભૂષાનો સામાન, પરોઢનાં પ્લેનની દુબઇ માટેની ટિકિટ, ડાયમંડ...બધું જ મૂકી દીધંુ છે.’ ‘યા, એન્ડ યુ ઓલ્સો રિમેમ્બર યોર પાર્ટ...મારા મરવાના ખબર આવે ત્યારે માપમાં રહેજે, સેક્ર્ટરીને લાગવો જોઇએ એટલો આઘાત તો દર્શાવજે. બે-ત્રણ મહિનામાં અહીંનો તાગ લઇ નોકરીમાં રિઝાઇન મૂકી કંપનીથી, સાંવરીથી દૂર થઈ દુબઇ આવતી રહેજે, અખિલ શાહની આગોશમાં!’ સ્વીટીની ઇચ્છા તો નોકરીમાંથી તત્કાળ છૂટાં થઈ અતિરાજની પાછળ જ દુબઇની ફ્લાઇટ પકડવાની હતી, પણ બેઉનું સાથે ન હોવંુ નજરમાં આવી જાય એટલે ત્રણેક માસનો ગેપ રાખવો તાર્કિક હતો. હોપ, ઓલ ગોઝ વેલ! સ્વીટીએ અતિરાજને આલિંગન આપ્યું. ‘અબ મિલેંગે દુબઇ મેં!’ એનો ગાલ ચૂમી અતિરાજે બેગ સંભાળી વિદાઇ લીધી. એ જતો દેખાયો ત્યાં સુધી ઓફિસની વિન્ડોમાંથી સ્વીટી એને નિહાળી રહી. Â Â Â નાઉ ઇટસ ઓલમોસ્ટ નીઅર... અતિરાજના જડબા તંગ થયા. કાશીમીરા વટાવી પોતે નેશનલ હાઇવેને બદલે પોતે કાચા રસ્તે ઉતરી આવ્યો છે, દિવસે મુખ્ય રસ્તા પર ટ્રાફિકને કારણે જાણકાર ડ્રાઇવર આ ફાંટો લેતા હોય છે, પણ રાત્રે દશના સુમારે આ નિર્જન વિસ્તાર બિહામણો ભાસે છે. વીસેક મિનિટનાં અંતરે ખાડી તરફનો ઢોળાવ છે, ત્યાંથી આવો જ કાચો રસ્તો હાઇ-વે તરફ લઈ જાય છે... પણ મારે ક્યાં હાઇ-વે તરફ જવું છે? મારે તો ઢોળાવ પરથી કારને ખાડીમાં ગબડાવી દેવાની છે! ‘અતિરાજ ખાડીમાં ડૂબીને મરી ગયા!’નો સિનારિયો સર્જી, અખિલનો વેશ ધરી હાઇવેથી ટેક્સી પકડી સીધો એરપોર્ટ ને ત્યાંથી દુબઇ! અને... ‘હેય!’ અતિરાજની ચીસ નીકળી ગઈ, પગ અવશપણે બ્રેક પર દબાયો. આ ઝાડીમાંથી કોણ જુવાન ગાડી સામે ધસી આવ્યો! એ જ ક્ષણે એનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર નામ ઝબૂકતંુ હતંુ: સાંવરી કોલિંગ! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...