હળવાશ:‘આખો દિવસ કામ પહોંચવાનું જ છે...પછી એ માનસિક હોય કે શારીરિક...!’

13 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

રીક્ષા પોળના ચોકઠામાં આવીને ઊભી રહી, પલળેલા કલાકાકી ઉતરતાં વેંત બોલ્યા, ‘અલા... અહિયાં તો ટીપું ય નથી પડ્યું? ખરેખર ઘોર કળીયુગ આઇ ગયો છે... હું રસ્તામાં હતી, ને જે ધોધાજોડ ત્રાટક્યો... હું એવી ફસાઈ ગઈને... કે વાત ના પૂછો! માંડ માંડ ઘેર પહોંચી ભઈસાબ.’ વરસાદે જાતે સ્થળ પસંદગી કરી હોય એમ કળયુગને જોડયો કલાકાકીએ. ‘હેં? ધોધાજોડ? એટલે?’ કદીય ન સાંભળેલો શબ્દ હતો એટલે મારાથી પૂછાઈ ગયું... અને હા, આને કદાચ શબ્દકોશમાં ક્યારે ય સ્થાન નથી મળવાનું એવો શબ્દ પણ કહી શકાય. ‘વાવાઝોડું વત્તા ધોધમાર વરસાદ ઈજીકવલ ટુ ધોધાજોડ... એટલી ખબર નઇ પડતી?’ લીનાબહેન તાડૂકયા. એટલે કંકુકાકીએ ઉમેર્યું, ‘થોડુંક બી સીખી જઈએ ને, તો બહુ ફેર પડી જાય.’ ‘અને હું તો કહું, ગમ્મે તે બાબત હોય, પણ થોડુંક આવડતું હોય, ને થોડીક ગાઈડલાઇન લઈ લઈએ... તો બી ઘણો ફેર પડે. હદ તો એ વાતની છે, કે માણસ આટલા વખતથી જોડે બેસે છે, તો ય આટલું અજ્ઞાન કેમ રહી જાય? એ જ પ્રશ્ન થાય છે મને તો.’ હંસામાસીને કદાચ મારાથી સાવ આવી અપેક્ષા નહીં હોય... ‘હું તો એક જ વાત કહું, કે બધાએ થોડી થોડી બચત કરતાં સીખી જવું જોઈએ.’ સવિતાકાકી આવું બોલ્યા, એટલે મને થયું... ચલો, બીજો સરસ ટૉપિક ચાલુ થયો... પહેલી વખત આ મંડળી બૌદ્ધિક ચર્ચા કરશે... ‘થોડીક તો વિવેકબુદ્ધિ હોવી જ જોવે યાર.’ કંકુકાકીએ બહુ મોટી વાત કરી નાખી, તો હંસામાસીએ ય ઉમેર્યું, ‘અને બીજું, કે એ બાબતે દરેક મહિલાએ ચોવીસે કલાક જાગૃત રહેવાનું હોય.’ ‘એ જ તો... આપડે તો ફિક્સ જ છે, કે આખો દિવસ કામ પહોંચવાનું જ છે... પછી એ માનસિક હોય, કે શારીરિક.’ લીનાબહેન બોલ્યા એ વાક્ય આ બચતના કે વિવેક બુદ્ધિના ટૉપિક સાથે સેટ ના થઈ શક્યું, પણ મેં સાંભળ્યે રાખવાનું જ વિચાર્યું... ‘એ જ તો... ખરેખર જોવા જાવને, તો કોઈ બી બાબત હોય, પણ સોર્ટમાં જ પતાવવાનું હોય બધુ. બધી જ જગ્યાએ બધી સક્તિઓ વાપરી નાખવાની ના હોય.’ સવિતાકાકી આવું બોલ્યા એટલે સમજાયું, કે શક્તિની બાબતમાં બચત અને વિવેકબુદ્ધિની વાત છે... ‘શારીરિક થાકને તો હજી ય આરામ કરીને પહોંચી વળાય, પણ માનસિક થાક તો તમારે લાગે લાગે, ને લાગે જ... અને એમાં બી જ્યારે કોઇની જોડે ઝઘડો થાય, ત્યારે તો બચત અંતર્ગત ખાસમખાસ ધ્યાન રાખવાનું હોય... કારણ કે, એ વખતે જો તમે બોલવામાં ધ્યાન ના રાખો, તો પત્યું.’ બોલવામાં બચત? કલાકાકીની આ વાત સાંભળીને તો મારી આંખો પહોળી થઈ ગઈ... ‘હાસ્તો વળી... સંઘર્યો સાપ ય કામ લાગે, તો આ તો ગમ્મે તેમ તો ય સબ્દ છે યાર... સાપ તો એક જ વાર્ કામ લાગે, જ્યારે આ તો વારંવાર કામ લાગે... હું તો ઘરને લોક માર્યું? એટલું લાંબુ પૂછું જ નઇ... લોકયું? એમ જ પૂછું.’ લીનાબહેન બોલ્યા... લીનાબહેનનું ઉદાહરણ સાંભળીને કંકુકાકીએ ય સચોટ ઉદાહરણ સહિત સમજાવ્યું, ‘અને એં, બહેન્કમાં બી હવે તો એ જ સિધ્ધાંત પર કામ થાય છે... આ જુઓને, બે સાખાઓ ભેગી નહી થતી? થાય જ છે ને... એવી જ રીતે આપડે બે હાડલામાંથી એકની બોર્ડર ને એકનું પ્લેન પોત લઈને ભેગું કરીને સરસ ડ્રેસ બનાઈએ જ છીએ ને!’ ‘અરે, હું તો લાલ દરવાજા અને ઢાલગરવાડ એમ બે જગ્યાએ જ જવાનું હોય, તો ઢાલગરવાજા જ બોલું... હમજવાવાળા તો હમજી જ જાય યાર... એવી જ રીતે બૂમાબૂમ વત્તા ધમાચકડી ઇજિકવલ ટુ બુમાચકડી... પગી વત્તા ચોકીદાર ઈજીકવલ ટુ પગીદાર.’ હંસામાસીએ સાચા અર્થમાં શબ્દોની બચત સમજાવી... ‘રોજબરોજના જીવનમાં આવી નાની નાની બચત કરવી જરૂરી છે યાર... મેચિંગ કરતાં તો આવડવું જ જોવે.’ કલાકાકીએ શબ્દોની બચતની ગંભીરતા સમજાવી... ‘ખરેખર તો... તમે કેવું મેચિંગ કરો છો એના ઉપર ઇફેક્ટ આવે બધી... એની અસરકારકતાનો એક માત્ર આધાર એનું મેચિંગ જ છે.’ લીનાબહેને વિવેક બુદ્ધિ વાપરીને કરાયેલા મેચીંગની અસરકારકતા ઉપર ભાર મૂક્યો... ‘સક્તિની બચત કરવા માટે સબ્દનું યોગ્ય મિકસિંગ અથવા તો મેચિંગ અનિવાર્ય છે. અને એના માટે ઊંડો અભ્યાસ જરૂરી છે... અને યોગ્ય સમયે એનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. અને પાછું પેલું કહે છે એમ... ‘પ્રેકટીસ મેક મેન પરફેક’ એમ વારંવાર ઉપયોગ કરવાથી મહાવરો વધે છે અને તો જ એમાં પાવરધા થવાય છે... અને જગત આખામાં કોઈ બી ક્ષેત્રમાં... કોઈ બી સબ્જેકમાં... જે પાવરધા છે, એની જ બોલબાલા છે... ’ હંસામાસી એ આટલું બોલીને મને અહોભાવથી ગદગદ કરી દીધી. હું સમજી ગઈ, એટલે મેં ય ઉદાહરણ આપી જ દીધું. ‘મગન વત્તા તલ્લીન ઈજીકવલ ટુ મગ્લીન?’ બધા રાજી રાજી થઈ ગયા...

અન્ય સમાચારો પણ છે...