વુમનોલોજી:મહિલા ક્રિકેટનું "મૂલ્ય’ બદલાયું

એક મહિનો પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું છે. બીસીસીઆઈએ તાજેતરમાં જ એક અગત્યની ઘોષણા મહિલા ક્રિકેટર સંદર્ભે કરેલી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સત્તાવાર જાહેરાત કરી કે, હવેથી મહિલા ક્રિકેટરની ફી પુરુષ ક્રિકેટર જેટલી જ ચૂકવવામાં આવશે. ચાલો દેર આયે દુરસ્ત આયે. ભારતીય ક્રિકેટ ટીમને વૈશ્વિક કક્ષાએ ઝળહળતી સફળતા આપનાર મિતાલી રાજે મહિલાના સમાન વેતન માટે અવાજ ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાએ આ નવા નિર્ણયને બિરદાવતા કહ્યું કે, ‘સમાન વેતન એક આવશ્યક બૌદ્ધિક નિર્ણય છે, આ એક નવી સવાર નથી. ખેલાડીઓ તેમના પરફોર્મન્સ માટે પુરસ્કાર અને ખિતાબ મેળવતા હોય છે. આ પુરસ્કાર અંતિમ મંઝિલ નથી, બલ્કે માત્ર એક મુસાફરી છે. એક ખેલાડી તરીકે તમને પ્રશંસા અને ખિતાબ ગમે જ, આ સન્માન મહેનત માટે છે. દરેક ખેલાડીને હવે વધુ જવાબદારીપૂર્વક રમવું જોઈએ.’ મહિલા અને પુરુષ ક્રિકેટરની મેચ પ્રમાણેની રકમમાં સમાનતા રહે એની ચર્ચા ઘણા વખતથી થતી હતી. રમતના વેતનમાં લૈંગિક તફાવત માત્ર ભારતમાં નહીં, વિશ્વના ઘણાં રાષ્ટ્રમાં છે અને દરેક સ્થળે તથા સ્તરે સમાન વેતનના અધિકાર માટે અવાજ ઉઠ્યા છે. ગત જુલાઈ માસમાં ન્યુઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે પહેલ કરી અને સ્ત્રી-પુરુષ ક્રિકેટર માટે સમાન વેતનની ઘોષણા કરી. હવે ભારતીય મહિલા ક્રિકેટર ટેસ્ટ મેચ માટે પંદર લાખ, ટી-ટવેન્ટી માટે ત્રણ લાખ અને વન-ડે મેચ માટે છ લાખ મેળવશે. આ પહેલાં ટેસ્ટ મેચ માટે તેઓને ચાર લાખ મળતા. અલબત્ત હજી મહિલા અને પુરુષ ક્રિકેટરમાં વાર્ષિક પુરસ્કારમાં મોટો તફાવત છે. ભારતના ટોચના પુરુષ ક્રિકેટર અંદાજે સાત કરોડની કમાણી કરે છે અને એની સામે મહિલા ક્રિકેટર કેટલાક લાખનું વળતર મેળવે છે. સમાન કામ માટે સમાન વેતન મળે તે દરેક કર્મચારીનો મૂળભૂત અધિકાર છે. રમત ગમત ક્ષેત્રે વેતનમાં લૈંગિક તફાવત રહે તો આવનારી પેઢીને એમાં કારકિર્દી નહીં, અન્યાય જ દેખાય. તમને કદાચ જાણકારી હશે જ કે વિશ્વ મહિલા દિવસનો જન્મ પણ સમાન વેતનના સંઘર્ષમાંથી જ થયો હતો. આઠમી માર્ચે રૂપકડાં તૈયાર થઈને સન્માન ઝીલતી સર્વે મહિલાઓને આ પાયાના પ્રશ્નની જાણ હોવી જરૂરી છે. દીપિકા પાદુકોણેએ પતિ રણવીર સિંહ સાથે એક જ પરદે ચમકવા માટે સમાન રકમની માગણી કરી. બોલિવૂડમાં હજી આજે પણ પુરુષ અને મહિલા કલાકારોને મળતી રકમમાં દેખીતો મોટો તફાવત જોવા મળે છે. ભારતમાં તમામ સરકારી કર્મચારી માટે વેતન બાબતે કોઈ જ પ્રકારના લૈંગિક તફાવતને સ્થાન નથી. મોટાભાગની કોર્પોરેટ કંપનીની એચઆર પોલિસીમાં પણ વેતનમાં લૈંગિક તફાવતનું સ્થાન નથી જે સરાહનીય છે પરંતુ એની સામે કટુ સત્ય એ પણ છે કે વૈશ્વિક સ્તરે પુરુષની સરખામણીમાં સ્ત્રી ત્રેવીસ ટકા ઓછું કમાય છે. સરેરાશ સ્ત્રી-પુરુષ કર્મચારીના પ્રમાણમાં એક ડોલરે અઢાર સેન્ટ ઓછું વેતન છે. પગારના નિયમ અને કાયદામાં લૈંગિક તફાવતને સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપેલ છે, પરંતુ સ્ત્રી અને પુરુષની કુલ આવકના તફાવત પાછળ માત્ર જે તે ઇન્ડસ્ટ્રી જવાબદાર નથી બલ્કે વર્ષોથી ચાલી આવતી માનસિકતા પણ મોટો ભાગ ભજવે છે. ઉચ્ચ હોદ્દા પર કે સત્તા પર બેઠેલી સ્ત્રી જોવા હજી સમાજ ટેવાયેલો નથી. એટલે જ કદાચ બીસીસીઆઈનો નિર્ણય મહિલા ક્રિકેટર માટે ઉપકારક ભાસે છે, બાકી એ ઉપકાર નહીં પણ અધિકાર છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...