‘અમારે તમારું સન્માન કરવું છે...!’ મેં પૂછ્યું કેમ? એમણે જવાબ આપ્યો વિશ્વ મહિલા દિવસ છે ને એટલે...! આવા ફોન ઘણાંને આવ્યા હશે. વિશ્વ મહિલા દિવસ નજીક આવે એટલે માર્કેટમાં મહિલાઓની ડિમાન્ડ વધી જતી હોય છે. કોઇ સંસ્થા સન્માનો ગોઠવે, કોઇ સંસ્થા સર્ટિફિકેટો છપાવી-શિલ્ડ બનાવી એવોર્ડ આપે અને કોઇ સંસ્થા સશક્તિકરણનાં નામે પુરુષોની હરિફાઇ કેવી રીતે કરવી કે સ્ત્રીપણાંના કયા હકો તો ભોગવવાના જ વગેરે વિશે વિગતવાર માહિતીઓ આપે. આવા કાર્યક્રમોનાં આમંત્રણો આવે ત્યારે મને સૌથી પહેલો સવાલ એવો થાય કે સ્ત્રી તરીકે જન્મ લીધો એટલે વિશ્વ મહિલા દિવસે મારું સન્માન થવું જોઇએ? સ્ત્રી તરીકે ઘર અને પ્રોફેશન આ બંને વચ્ચે બેલેન્સ જાળવ્યું એટલે મારું સન્માન થવું જોઇએ? હું પુરુષ સમોવડી છું એવું સાબિત કર્યું એટલે મારું સન્માન થવું જોઇએ? આમ તો મેં કશું જ નવું કર્યું નથી. ઘરની સાથે-સાથે ઓફિસ સાચવી લઉં છું એમાં મારો અંગત સ્વાર્થ છે. એની પાછળ મારી જરૂરિયાતો, મારી લાઇફસ્ટાઇલ, મારા સંતાનોને સારામાં સારી સ્કૂલમાં એડમિશન, જાતને સાબિત કરવાની જીદ વગેરે વગેરે અનેક કારણો છૂપાયાં છે, તો વિશ્વ મહિલા દિવસે સન્માન કેમ? આજે મારે થોડા સવાલો પૂછવા છે. આ સવાલોનાં જવાબ પ્રત્યેક મહિલાએ આપવાના છે. સન્માન લેવા જનારી મહિલાઓએ પણ અને સન્માન ન લેવા જનારી મહિલાઓએ પણ. ⚫ તમને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા આવડે છે? ⚫ તમે વધારે પૈસા કમાવાની લાલચમાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા છો? ⚫ તમને આવેલા ફોન પર ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાના નામે તમારા એટીએમનો પીન શેર કરી દીધો છે? ⚫ ગુગલ મેપ જોતા આવડે છે? ગુગલ મેપને ક્યાં ફોલો કરવાનો અને ક્યાં નહીં એની તમને ખબર છે? ⚫ કયા શેરમાં પૈસા રોકવા જોઇએ અને કયા શેરમાંથી રોકેલા પૈસા ઉઠાવી લેવા જોઇએ એની તમને ખબર પડે છે? ⚫ SIP અને ફિક્સ ડિપોઝીટ વચ્ચેનું અંતર તમને ખબર છે? ⚫ તમે એવું માનો છો કે આખી જિંદગી જેણે નોકરી કરી છે એ તમારા પિતા કે પરિવારની ખુશીઓનું કેન્દ્રબિંદુ સચવાયેલું રહે એ માટે આખી જિંદગી નોકરી કરવાના છે એ તમારા પતિના સંઘર્ષ કરતા તમે કરેલો સંઘર્ષ, તમારી લડાઇઓ વધારે મહત્ત્વની છે, વધારે લોહિયાળ છે? ⚫ તમે કેરિયર બનાવી, પણ કેમ? એ તમારું પેશન હતું એટલે કે આખો દિવસ ઘરમાં રહી-રહીને કંટાળી ગયા હતા એટલે? ⚫ તમે પુરુષ સમોવડીની વ્યાખ્યામાં માનો છો? જો હા, તો મહિલા દિવસે તમે જેના માટે સન્માન સ્વીકારો છો, એ સન્માન માટે એવું કહી શકો કે તમે પુરુષ કરી શકે એનાં કરતા કશુંક જુદું, અલગ કે નવું કર્યું છે? ⚫ પતિને કઇ વાત ક્યારે કરવાની અને કઇ વાત ક્યારે ન કરવાની એની તમને જાણ છે? ⚫ ફરિયાદ કરવા માટે કમ્યુનિકેશનનું કયું માધ્યમ અપવાનો છો? આંસુ, દલીલો, ચીસો, સમજણ? ⚫ તમારા સંતાનો આગળ તમારા પતિની બુરાઇઓ કરો છો? ⚫ તમારી આજુબાજુની દુનિયામાં શું થઇ રહ્યું છે એની તમને જાણ હોય છે? ⚫ તમે સેલ્ફ અપગ્રેડેશનમાં માનો છો? ⚫ તમે તમારા સ્વભાવને મોડિફાઇ કરી શકો છો? ⚫ તમે તમારા શરીરને મેઇન્ટેઇન કરવા એફર્ટસ કરો છો? ⚫ તમે નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવો છો? ⚫ પિરિયડ્સ વખતે તમારો મૂડ બદલાઇ જાય છે એવું જાણ્યા બાદ મૂડ-મેનેજમેન્ટ કરી શકો છો? ⚫ પિરિયડ્સને કારણે ઓફિસમાં રજા પાડો છો? ⚫ તમે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા શીખ્યા છો? શીખી શકો છો? ⚫ ઓફિસે જાઓ છો, પૈસા કમાઓ છો એટલે ઘરની જવાબદારી નહીં ઉઠાવો તો ચાલે એવું માનો છો? આ સવાલોના જવાબો એક કોરા કાગળ પર લખજો. તમે આપેલા જવાબો તમારું કેટલું ‘સ્ત્રી-સશક્તિકરણ’ થયું છે એ નક્કી કરશે. વિશ્વ મહિલા દિવસની ઉજવણી શરૂ કરાઇ ત્યારે માહોલ જુદો હતો. એ વખતે સ્ત્રી હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી, નોટબુકનાં છેલ્લાં પાનાં જેવું જીવતી હતી. એને રેકગ્નાઇઝેશનની જરૂર હતી, એને પ્લેટફોર્મની જરૂર હતી, એને બોલતી કરવાની જરૂર હતી, એને એના અધિકારોથી પરિચિત કરવાની હતી, એના આત્મવિશ્વાસને વધારવાનો હતો, એ પણ કશુંક કરી શકે છે એવો એને અહેસાસ અપાવવાનો હતો અને પરિવારનાં નિર્ણયોમાં એની જગ્યા મક્કમ બને એવી ખાતરી રવાની હતી. હવે સમય બદલાયો છે. હવે સ્ત્રી પોતાની ઓળખ પોતાની જાતે બનાવી શકે છે. પરણ્યા બાદ પોતાના પિયરની અટકને એ બદલતી નથી. ડ્રાઇવરને લીધા વિના બહેનપણીઓ સાથે સેલ્ફ ડ્રાઇવ કરી ગોવા સુધી જઇ શકે છે. પોતાનાં પિતાની વસિયતમાં મળેલા ફ્લેટને ભાડે આપવો કે વેચી નાખવો એનો સ્વતંત્ર નિર્ણય લઇ શકે છે. મને લાગે છે કે હવે સ્ત્રીની સંઘર્ષગાથાઓ, સ્ત્રીનાં સન્માનપત્રો, શાલ ઓઢાડીને થતા સન્માનો અને સશક્તિકરણનાં નારાઓ વચ્ચે મહિલા દિવસ ઉજવવાની રીતને બદલી નાંખવી જોઇએ. સ્ત્રી-સંઘર્ષ, સ્ત્રી સફળતાની કહાનીઓ-વાતો બીજી સ્ત્રીને આગળ વધવા માટે મોટિવેશન ચોક્કસ જ આપે પણ બીજાની કહાનીઓનો આધાર લઇને આગળ વધવા માગતી સ્ત્રીઓએ એક વાત ચોક્કસ જ ધ્યાનમાં રાખવી જોઇએ અને એ છે, ‘સંજોગો’! સફળતા-સંઘર્ષની કહાનીઓનું મુખ્ય પાત્ર સંજોગો હોય છે અને દરેકના સંજોગો એક સમાન હોતા નથી, આ કડવી પણ વાસ્તવિકતા છે. જ્યારે તમે સ્ત્રી હો છો ત્યારે તમારો સંઘર્ષ એ પુરુષનાં સંઘર્ષ કરતા જુદો હોય છે, કબૂલ. જ્યારે તમે સ્ત્રી હો છો અને બોસ હો છો ત્યારે તમારી હાથ નીચે કામ કરતા પુરુષોનો તમારા પ્રત્યેનો નજરિયો બદલાઇ જતો હોય છે, કબૂલ. એક ઓર્ગેનાઇઝેશનમાં તમે એકમાત્ર સ્ત્રી હો અને બાકીનાં બધા પુરુષો હોય ત્યારે આગળ વધવાનાં તમારા રસ્તાઓ સિમિત થઇ જતા હોય છે, કબૂલ. તમે તમારી આવડત પર, તમારા દમ પર આગળ વધો ત્યારે તમારા ચારિત્ર પર સિક્કાઓ મારી દેવામાં આવતા હોય છે એ પણ કબૂલ... પણ આ બધી વાતોને હવે ટ્રમ્પકાર્ડ બનાવવાનો મતલબ નથી. આ એક સ્ત્રીના નજરિયાથી જોવાયેલો એક સ્ત્રીનો સંઘર્ષ છે. એક પુરુષના નજરિયાથી જો પુરુષનો સંઘર્ષ જોવામાં આવે તો એ પણ કદાચ આવો જ હોય શકે. આજે વિશ્વ મહિલા દિવસ છે અને ધુળેટી પણ. મહિલા દિવસે-મહિલા દિવસ નિમિત્તે તમારું સન્માન થાય એના કરતા બાકીના ત્રણસોને ચોંસઠ દિવસ તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓ, તમારી આજુબાજુનાં લોકો, તમારા પરિવાર દ્વારા તમારું સન્માન થતું રહે એ વધારે અગત્યનું છે. તમે કયાં સન્માનમાં રસ ધરાવો છો, એ તમારે નક્કી કરવાનું છે. dadawalaesha@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.