વાર્તા:નવરાત્રિની નવ રાતોમાં જોડાયાં દિલના તાર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલોનીને અહેસાસ થયો કે શ્યામનાં દિલમાં તેના માટે વિશેષ લાગણી છે. જોકે સલોનીને એ પણ ખબર હતી કે પોતાના શરમાળ સ્વભાવને કારણે શ્યામ તેને ક્યારેય તેનાં દિલની વાત નહીં કરે

આજે લગ્ન પછીની પહેલી નવરાત્રિનું પહેલું નોરતું...મનગમતા માણીગર સાથેની નિકટતાની શરૂઆત આજથી બરાબર એક દિવસ પહેલાં આ દિવસથી જ શરૂ થઇ હતી એ યાદ આવતા જ સલોનીના ચહેરા પર સ્માઇલ છવાઇ ગયું અને તે ભૂતકાળની યાદમાં ડૂબી ગઇ. સલોની અને શ્યામનાં ઘર આસપાસમાં જ હોવાથી તેઓ બાળપણથી એકબીજાના સારા મિત્રો હતા પણ દસમા ધોરણ પછી બંનેની ભણવાની સ્ટ્રીમ અલગ અલગ થઇ જતા તેઓ બંને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઇ ગયા હતા. આ કારણે તેમનો એકબીજાનો સંપર્ક ઓછો થઇ ગયો હતો. ઓછાબોલો અને શરમાળ પ્રકૃતિનો શ્યામ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને હંમેશાં અભ્યાસનાં પુસ્તકોમાં ડૂબેલો રહેતો હતો જ્યારે હોટેલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ સલોની આઉટગોઇંગ નેચર ધરાવતી હતી. સલોનીના અનેક મિત્રો હતા અને સલોની ઘણાનો ક્રશ હતી. જોકે, સલોનીને આવી કોઇ પ્રકારની રિલેશનશીપમાં રસ નહોતો એટલે તે હસીને આવી પ્રપોઝલને ટાળી દેતી હતી. આમ, શ્યામ અને સલોની બંનેનો સ્વભાવ એકબીજા કરતા સાવ અલગ હતો. જોકે કહેવાય છે ને કે હંમેશાં બે અસમાન ધ્રુવો વચ્ચે જ આકર્ષણ અનુભવાય છે. આવી જ કેમિસ્ટ્રી શ્યામ અને સલોની વચ્ચે હતી. શ્યામને સલોની બહુ ગમતી હતી અને તે એની સાથે આખું જીવન પસાર કરવા ઇચ્છતો હતો પણ પોતાની શરમાળ પ્રકૃતિને કારણે પોતાની લાગણી વ્યક્ત કરી શકતો નહોતો. આમ, આખી પરિસ્થિતિ એવી હતી કે શ્યામ પહેલ કરવા ઇચ્છતો નહોતો અને સલોનીને શ્યામની લાગણીનો અહેસાસ જ નહોતો. જોકે નવરાત્રિ આવી અને એના ઉલ્લાસમાં શ્યામ અને સલોનીની વણકહી લાગણીને નામ મળી ગયું. હકીકતમાં સલોનીનાં જીવનમાં કોઇ ખાસ વ્યક્તિ ન હોવાથી તેનો નજીકનો એક મિત્ર આકાશ તેનામાં વધારે પડતો રસ લેવા લાગ્યો હતો. સલોનીના ઇન્કાર પછી પણ તે વાત સમજવા જ તૈયાર નહોતો. આખરે કંટાળીને સલોનીએ શ્યામની મદદ માગી અને તેને આખી વાત જણાવીને નવરાત્રિના નવ દિવસો માટે પોતાનો બોયફ્રેન્ડ હોવાનું નાટક કરવા માટે વિનંતી કરી. સલોનીની આ માગણી સાંભળીને શ્યામને જાણે તેનું સપનું પુરું થતું હોય એમ લાગ્યું અને તે સલોનીની વાત માનવા તૈયાર થઇ ગયો. શ્યામની મંજૂરી પછી સલોનીએ તેની મુલાકાત તેનાં ગ્રુપમાં પોતાના બોયફ્રેન્ડ તરીકે કરાવી અને ગ્રુપમાં નવરાત્રિના ગરબા રમવાની મજા માણી. આ દિવસોમાં સલોનીને અહેસાસ થયો કે શ્યામનાં દિલમાં તેના માટે વિશેષ લાગણી છે. જોકે સલોનીને એ પણ ખબર હતી કે પોતાના શરમાળ સ્વભાવને કારણે શ્યામ તેને ક્યારેય તેનાં દિલની વાત નહીં કરે. નવરાત્રિના છેલ્લા દિવસે સલોનીએ શ્યામને તેની લાગણીઓ વિશે સ્પષ્ટ શબ્દોમાં સવાલ કરી લીધો હતો અને શ્યામે પણ પોતાના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. આમ, નવરાત્રિ તેમના માટે યાદગાર બની ગઇ હતી અને તેમની પ્રેમની ગાડી પુરપાટ દોડવા લાગી હતી. ગણતરીના મહિનાઓ પછી તેમણે પોતપોતાના પરિવારને પણ આ વાતની જાણ કરી દીધી હતી. બંનેના પરિવારો એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને કોઇ સમસ્યા ન હોવાના કારણે તેમનાં તરત લગ્ન કરી નાખ્યાં હતાં. આમ, એક નવરાત્રિના કારણે શરૂ થયેલો તેમનો પ્રેમ બીજી નવરાત્રિ સુધી તો લગ્નની વેદી સુધી પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...