તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:સોફા ય ઘોડિયું થઇ ગયા છે, બેઠાં ભેગાં પાતાળમાં ઉતારી જવાય છે!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હંસામાસીએ દૃઢપણે કહ્યું કે મગજમાં આવ્યું એટલે થોડું તો થોડું, પણ હું રિનોવેસન કરાઇસ તો ખરી જ...

- જિગીષા ત્રિવેદી

‘પતી ગ્યું કામ? પરવારી ગ્યાં?’ સવિતાકાકીને સમય કરતાં થોડાં વહેલાં આવેલાં જોઈને હંસામાસીએ ટહુકો કર્યો એટલે સવિતાકાકી થોડાં અભિમાન સાથે કહે, ‘હોઉં રે. કામ તો કયારનું પતી ગયું. નવરી જ બેઠી’તી. મારું તો એવું. ફુદરડીની જેમ ફરી વાળું આખા ઘરમાં ને વાવાઝોડાંની જેમ ફટાફટ કામ પૂરું મારે તો. તમાર જેમ મારે ‘થાય છે ને થ્યું છે’ એવું નઇ હોં! હાથમાં લીધું કે પૂરું કર્યે પાર.’ નાનું અમથું મહેણું સાંભળીને હંસાગૌરીએ પોતાનાં કામની ગુણવત્તા પર ભાર મૂક્યો,‘મારું કામ ધીમું, પણ પછી એમાં જોવાનું ના હોય. એકદમ કમ્પ્લેટ હોય આપડું કામ. કોઈને આટલું અમથું ય કહેવાપણું ના હોય.’

‘શું કહેવાપણું ના હોય. કાલે જ હું નીકળી’તી તમારા ઘર આગળથી તો બારીની જાળીએ જ બાવા જોયા મેં. ઝાપટતાં નથી લાગતાં રોજ!’ સવિતાકાકીએ તીર છોડ્યું એટલે હંસામાસીએ આળસ જસ્ટિફાય કરી. ‘તે એ તો રિનોવેસન કરાબ્બાનું છે તેમાં મેં માંડી વાળ્યું અને પછી કચરો પડવાનો જ છે ઢગલાબંધ.’ ‘લો બોલો. તમે ય ખરા છો. અત્તારે કેમ રિનોવેસનનું કામ કાઢ્યું?’કલાકાકીએ પૂછ્યું, એટલે હંસામાસીએ એક પછી એક કારણો ગણાવ્યાં. ‘અરે યાર. ચારે બાજુથી પોપડાં ખરે છે. કલર પણ ઊખડી ગયો છે ક્યાંક ક્યાંકથી. સોફા ય ઘોડિયું થઇ ગયા છે, બેઠાં ભેગાં પાતાળમાં ઉતારી જવાય છે.’ ‘હવે રહેવા’દો ને. એ તો લોકડાઉનમાં નકરું ઘરમાં રહી રહીને જોયા જ કર્યું એટલે એવું લાગે છે તમને. બાકી પહેલા આમાં જ રહેતા’તા ને.! ત્યારે આ બધું ના નડ્યું? અને મને તો એવી કોઈ જરૂર લાગતી નથી.’ કલાકાકીએ એમને વાર્યા.

‘ના યાર. હવે મગજ સેટ થઇ ગયું છે. મને રિનોવેસન કર્યા પછીનાં સપનાં પણ આવવા માંડ્યા છે. મગજમાં આવ્યું એટલે થોડું તો થોડું, પણ હું રિનોવેસન કરાઇસ તો ખરી જ.’ હંસામાસીએ દૃઢપણે કહ્યું. ‘રહેવા દો કલાબહેન. અત્યારે આમને હવે ઉછળ્યું ધાન. આ નંઇ જ માને.’ સવિતાકાકીએ કલાકાકીને સમજાવ્યાં, પણ લીનાબહેને નાનું અમથું સૂચન કર્યું, જેથી હંસામાસીને સંતોષ પણ થાય અને થોડું તો થોડું રિનોવેસન પણ થાય. ‘તો તમે એમ કરો. આપડે લેડીજોને રહોડામાં જ અડધો દા’ડો કાઢવાનો હોય, તે એકલું રહોડું કરાવો. આપડાને હારું તો લાગે.’ ‘ના ના હવે કોઈ મે’માન રાહોડામાં ના જાય. એમ કરો કે એકલો ડ્રોઇંગરૂમ કરાવો.’ કંકુકાકીને રસોડાનાં રિનોવેસનમાં રસ નહોતો. ‘હવે ભઇ માંડી વાળોને પણ... આ બધા લોકડાઉનમાં ઘેર ને ઘેર રહ્યા એનો પરતાપ. ચોવીસ કલાક આનું આ જોયા કરીએ એટલે એવું થાય પણ એના કારણે કંઇ ખોટા ખર્ચા ના કરવાના હોય’કલાકાકીએ મીટર ફરી ઝીરો પર લાવવા પ્રયાસ કર્યો.

‘ના યાર...કંઇક તો કરાવવું જ છે.’ હંસામાસી રિનોવેસનનાં ઝનૂને ચડેલાં એટલે લીનાબહેને થોડો માઈલ્ડ આઇડિયા આપ્યો. ‘તો પછી એક કામ કરો, ખાલી સોફા બદલી કાઢો. મેમાન બી આવસે, તો સોફામાં જ બેહવાના. એ બહાને ડ્રોઇંગરૂમ બી હારા માયલો લાગસે. સુ કહો છો કંકુબહેન. હાચી વાત કે નઇ!’ લીનાબહેને કંકુકાકીનો અભિપ્રાય ઉઘરાવ્યો એટલે કંકુકાકીએ વળી નાનું અમથું જુદું જ સજેશન આપ્યું. ‘વાત તો હાચી છે તમારી, પણ નવા સોફા લાઇન કરવાનું સું? હંસાબહેન તો એમાં બેહી બેહીને એને પાછા ઘોડિયાં જેવા જ કરી નાખસે એટલે હું તો કઉં છું કે તમે એમ કરો, પડદા બદલો ખાલી. લાલ પીળા વાદળી પડદા જ લાઇ દો. એકદમ અલગ લાગસે અને આમ પણ અતારે કોન્ટ્રાસ્ટ મેચિંગની ફેશન છે.’

‘અરે હું તો કઉ છું. પડદામાં ય સુ કામ ખોટેખોટો બે-તૈણ હજાર રૂપિયાનો ખર્ચ કરવાનો! કોઈ આવવાનું નહીં દિવાળીમાં તમારા ઘેર. હવે છ મહિના કાઢી નાખોને આમ ને આમ ભઈસાબ.’ કલાકાકી કેમે ય કરીને રિનોવેસન ના થાય એમ ઇચ્છતા’તા એટલે એમણે અદભૂત આઇડિયા આપ્યો, ‘એક કામ કરો. તમાર ચેન્જ જ જોઇએ છે ને ઘરમાં તો જગ્યા બદલી નાખો બધાની. સોફાની જગ્યાએ પલંગ ને આડો સોફા છે એને ઊભો કરી નાખો. એક સાઈડ ખાલી કરી નાખો આખી એટલે તમારું શરીર ભારે છે તે આમ છૂટથી બેહાય એવું ય થઇ જશે અને ટીવી આમ હામેની સાઈડ આડું મૂકી દો. બધું આઘું-પાછું થઇ જસે એટલે રિનોવેસનનો ભઇ જ લાગસે.’ હંસામાસી થોડા વિચારમાં પડી ગયા. કદાચ એમના ગળે ઉતરી ગઈ વાત એટલે તરત હથિયાર હેઠાં મૂકી દીધાં ‘હારું ત્યારે. તમે કહો એમ. બીજુ સું!’ કલાકાકીએ હંસામાસીનાં મોટા મગજમાં જ એટલું બધું આઘું પાછું કરી નાખ્યું કે રિનોવેસનના વિચારને તો નાના મગજની નીચે જ ઘૂસાડી દીધો અને બધા રસોઇમાં શું બનાવશું એનો વિચાર કરવા લાગ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો