બ્યૂટી:તહેવારોમાં મેકઅપ કર્યા પછી ત્વચા શ્યામ થઇ ગઇ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી આંખની આસપાસ કાળા કુંડાળાં થઇ ગયાં છે. આના કારણે મારો ચહેરો ખૂબ ખરાબ લાગે છે અને આંખો પણ ઊંડી ઊતરી ગઇ હોય એવું લાગે છે. આંખોની આસપાસના કુંડાળાં દૂર કરવા માટેનો કોઇ ઉપાય જણાવશો? ઉત્તર : તમારી આંખોની આસપાસ કુંડાળાં થઇ જવાનું કારણ પોષણની ઊણપની સાથોસાથ અનિદ્રા, સ્ટ્રેસ જેવી સમસ્યા પણ હોઇ શકે છે. તમે પૌષ્ટિક ખોરાક લેવાનું રાખો. રાત્રે આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે આંખોની આસપાસનાં કાળા કુંડાળાં દૂર કરવા માટે કાકડીને છીણી તેનો રસ આંખોની આસપાસ કુંડાળાં પર લગાવો. તમે ઇચ્છો તો બટાકાનો રસ પણ લગાવી શકો છો. આ રસ આંખની આસપાસના કુંડાળાં પર લગાવી તે સુકાઇ જાય તે પછી સાદા પાણીથી ધોઇ નાખો. આ ઉપાય નિયમિત રીતે અપનાવવાથી કુંડાળાં આછા થઇ જશે. મેકઅપ કરો ત્યારે તમારા સ્કિનટોન અનુસાર કન્સિલર લગાવો. કુંડાળાં નહીં દેખાય. પ્રશ્ન : મને પગના નખ વધારવાનો ખૂબ શોખ છે, પરંતુ મારા પગના નખ થોડા વધીને તૂટી જાય છે. ક્યારેક આડા-ત્રાંસા તૂટવાથી તે સાડીમાં ભરાઇ જવાથી દુખે છે. મારે શું કરવું? ઉત્તર : સામાન્ય રીતે પગના નખ વધારવાથી આ સમસ્યા વધારે રહે છે, કેમ કે મોટા ભાગે મહિલાઓને પાણીમાં વધારે કામ કરવાનું રહેતું હોવાથી પગની આંગળીઓના નખ નરમ રહે છે. ઘરમાં ઘણી વાર સ્લીપર ન પહેરવાથી પણ નખ ખરાબ થઇ જાય છે અને તૂટી જાય છે. પાણીમાં કામ કર્યાં પછી પગને નેપ્કિનથી લૂછી નાખો. તે પછી મોઇશ્ચરાઇઝર લગાવો. દર મહિને પેડિક્યોર કરાવો અથવા તો તમે ઘરે પણ પેડિક્યોર કરી શકો છો. પ્રશ્ન : મારી આઇબ્રો ખૂબ જ ભરાવદાર છે. આના કારણે હું આઇબ્રો કરાવું તો પણ તેનો શેપ સારો નથી લાગતો. મારી આઇબ્રોનો શેપ સારો કઇ રીતે લાગે? ઉત્તર : તમારી બ્યુટિશિયનને કહો કે તે તમારા ચહેરાના આકારને અનુરૂપ સારી લાગે તેવા શેપમાં આઇબ્રો કરે. જો તમે ઘરે જ આઇબ્રો કરતાં હો, તો તમારા ચહેરાને શોભે એવી આઇબ્રોના શેપના સ્ટેન્સિલ્સ માર્કેટમાં મળે છે. તે આઇબ્રો પર લગાવી આસપાસના વાળ થ્રેડિંગ અથવા પ્લકરથી કાઢી નાખવાથી પણ તમારી આઇબ્રો સારી લાગશે. પ્રશ્ન : હમણાં તહેવારો દરમિયાન મેં મેકઅપ કર્યો હતો અને તે પછી મારી ત્વચા શ્યામ થઇ ગઇ છે અને ફોલ્લીઓ પણ ખૂબ થઇ ગઇ છે. મારો ચહેરો ખરાબ લાગે છે અને ફોલ્લીઓ સુકાવાથી ત્વચા ખેંચાય છે. આમ થવાનું શું કારણ? ઉત્તર : તમારા ચહેરા પર ફોલ્લીઓ થઇ જવાનું કારણ કદાચ તમે મેકઅપ કર્યો ત્યારે ઉપયોગમાં લીધેલાં કોસ્મેટિક્સ સારી કંપનીનાં ન હોય અથવા તો તે એક્સપાયરી ડેટનાં હોય અને તેનો ઉપયોગ કર્યો હોય તો તમારી ત્વચા પર આવું રિએક્શન આવ્યું હોય એવું બને. આ ફોલ્લીઓ સુકાવાથી તમારી ત્વચાનો રંગ શ્યામ થઇ ગયો હોય અને તેથી ત્વચા ખેંચાતી હોય તેવું થાય. તમે ચણાના લોટમાં થોડું કાચું દૂધ અને ચપટી હળદર મિક્સ કરી તેનાથી હળવા હાથે મસાજ કરો. બને ત્યાં સુધી હમણાં થોડો સમય સ્નાન કરવા માટે આ ઉબટણનો જ ઉપયોગ કરો. એનાથી ચહેરા પરની ફોલ્લીઓ ઓછી થશે. સ્નાન બાદ સારી કંપનીનું મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાવો. થોડા દિવસ મેકઅપ ન કરશો.