તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:કોલસાની ખાણમાં ઝળહળતો હીરો એટલે આકાંક્ષા કુમારી

મીતા શાહ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝારખંડના હઝારીબાગના બરકાગાંવની રહેવાસી આકાંક્ષા કોલસાની ખીણમાં અંડરગ્રાઉન્ડ કામ કરનારી કોલ ઇન્ડિયાની પહેલી ભારતીય મહિલા માઇનિંગ એન્જિનિયર બની ગઇ છે

ઝારખંડની એક યુવતીએ હાલમાં અનોખી સિદ્ધિ મેળવી છે અને આ સિદ્ધિ બદલ તેના પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. આ યુવતીનું નામ છે આકાંક્ષા કુમારી. આ યુવતીએ એવા ફિલ્ડમાં ઇતિહાસ રચ્યો છે જેમાં મહિલાઓની હાજરી નગણ્ય છે. આ ફિલ્ડ છે કોલ માઇનિંગ. આકાંક્ષા કોલસાની ખીણમાં અંડરગ્રાઉન્ડ કામ કરનારી કોલ ઇન્ડિયાની પહેલી ભારતીય મહિલા માઇનિંગ એન્જિનિયર બની ગઇ છે. કોણ છે આકાંક્ષા આકાંક્ષા કુમારી 25 વર્ષની છે અને ઝારખંડના હઝારીબાગના બરકાગાંવની રહેવાસી છે. હઝારીબાગ વિસ્તાર ત્યાં રહેલી કોલસાની ખાણને આકાંક્ષાએ નાનપણથી આ ખાણની એક્ટિવિટીને નજીકથી જોઇ છે અને તેને તેમાં રસ પડતા આ ફિલ્ડમાં જ કરિયર બનવાનો નિર્ણય લીધો હતો. નવોદય વિદ્યાલયથી સ્કૂલિંગ કર્યા બાદ તેણે ધનબાદની બિરસા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સિંદરીથી માઇનિંગ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યુ. અભ્યાસ પછી ઝિંક લિમિટેડની ખાણમાં ત્રણ વર્ષ કામ કર્યા પછી તે CCL સાથે જોડાઇ અને અહીં જ તેનાં જીવનમાં નવો વળાંક આવ્યો. અહીં કામ શરૂ કર્યા પછી તેને જીવનમાં આગળ વધવાનો ધ્યેય મળ્યો. અહીં કામ કર્યા પછી તેણે માઇનિંગના ફિલ્ડમાં જ આગળ વધવાનો નિર્ણય લઇ લીધો. શું છે CCL? CCL એટલે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ. આ ભારત સરકારના કોલસા મંત્રાલયનાં વડપણ હેઠળ કામ કરતી કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)ની અંતર્ગત આવેલી કંપની છે. દેશની તમામ ખાણની જવાબદારી કોલસા મંત્રાલય જ સંભાળે છે. મળતી માહિતી પ્રમાણે ઝારખંડના નોર્થ કરનપુરા એરિયામાં CCLની અંડરગ્રાઉન્ડ માઇન્સ છે. આ માઇન્સમાં આકાંક્ષા જવાબદાપરી નિભાવી રહી છે. પડકાર લેવાની આદત માઇન્સનાં ફિલ્ડમાં કામ કરવાની પોતાની ઇચ્છા વિશે આકાંક્ષાએ જણાવ્યું છે કે, ‘હું જે ગામની વતની છું એ સમગ્ર વિસ્તારમાં કોલસાની ખાણો આવેલી છે. હું નાની હતી ત્યારે સાંભળતી હતી કે આસપાસ કોલસાની અનેક ખાણ છે. મારા દાદાજી પણ ઘર માટે બળતણ લેવા માટે નિયમિત આ વિસ્તારમાં જતા હતા. હું બહુ નાની હતી ત્યારે તેમને સવાલ કરતી કે તેઓ કોલસા લેવા માટે ખાણમાં કેમ જાય છે? એ સમયે તેઓ મને સમજાવી દેતા કે જેમ આપણાં ખેતરમાં અનાજ ઉગે છે એવી જ રીતે ત્યાં એવું ખેતર છે જ્યાં બળતણ માટેના કોલસા ઉગે છે. હું મોટી થઇ અને નવોદય વિદ્યાલય ગઇ પછી મારી ઉત્સુકતા વધતી જ ગઇ. મને જ્યારે આ ખાણની કાર્યપ્રણાલી વિશે ખબર પડી અને મને એમાં રસ પડ્યો એટલે મેં આ ફિલ્ડમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. હું માનું છું કે પડકાર માત્ર માઇનિંગનાં ફિલ્ડમાં જ નથી, પણ દરેક ક્ષેત્રમાં છે અને એનો સામનો કરવાથી જ આગળ વધી શકાય છે. મારા પિતા એવું કહેતા હતા કે નિર્ણય તમારો હોય તો પડકારોનો સામનો કર્યા પછી જે પરિણામ મળશે એ તમારું પોતાનું હશે. હું તેમનાથી બહુ પ્રભાવિત છું અને તેમણે દરેક સંજોગોમાં મારો સાથ આપ્યો છે. હું માનું છું કે તમે ધારો તે કરી શકો છો. તમારામાં એ રસ્તા પર ચાલવાની હિંમત હોવી જોઇએ જેના પર પહેલાં કોઇએ પગ પણ ન મૂક્યો હોય. હું દરેક માતા-પિતાને કહેવા ઇચ્છું છું કે સંતાનને પ્રોત્સાહન આપો, એના પર ક્યારેય સમાજના નિયમો ન થોપો. મેં તો હજી શરૂઆત કરી છે પણ બધાએ સાથે મળીને ઇતિહાસ લખવાનો હજી બાકી છે. હું આગળ વધી શકી એમાં મારા પરિવારનો બહુ મોટો હાથ છે.’ પ્રશંસાનો વરસાદ આકાંક્ષાની આ સિદ્ધિ બદલ તેના પર પ્રશંસાનો વરસાદ થઇ રહ્યો છે. કોલસા મંત્રાલયથી માંડીને CCL સુધીના તમામે પોતાનાં ટ્વિટર હેન્ડલ પર તેને શુભકામના આપી છે. યુનિયન મિનિસ્ટર ઓફ કોલ પ્રહ્લાદ જોશીએ પણ આકાંક્ષાની સિદ્ધિને બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...