વુમન ઇન ન્યૂઝ:સૌથી ધનવાન ભારતીય મહિલા છે વાઇલ્ડ લાઇફ પ્રેમી

8 દિવસ પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

ભારતીય ટેક જાયન્ટ કંપની એચસીએલ ટેકનોલોજીસ લિમિટેડના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાને દેશના સૌથી ધનવાન મહિલા જાહેર કરવામાં આવ્યા છે. કોટક પરિવાર બેન્કિંગ દ્વારા હુરુન ઇન્ડિયા સાથે મળીને ‘લીડિંગ વેલ્ધી વુમન 2021’ના રિપોર્ટ પ્રમાણે તેમની પાસે સૌથી વધારે ₹84,330 કરોડ જેટલી સંપત્તિ હોવાનું જાહેર થયું છે. 40 વર્ષીય રોશની નાદર મલ્હોત્રા એચસીએલ ટેકનોલોજીસના સ્થાપક શિવ નાદરના પુત્રી છે અને વર્ષ 2021માં તેમની કુલ સંપતિ 54 ટકા વધીને 84,330 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ઉછેર રોશની નાદર દિલ્હીમાં મોટા થયા. તેણે પોતાનું સ્કૂલિંગ દિલ્હીના વસંત વૈલી સ્કૂલમાંથી કર્યું છે. ત્યારબાદ તેમણે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના મીડિયામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ સમય દરમિયાન તેઓ CNBC ચેનલમાં ઇન્ટર્ન પણ હતા. તેમણે સોશિયલ એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તેમણે અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચના યંગ ગ્લોબલ લીડર્સ પહેલના પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. મીડિયા કનેક્શન રોશની નાદરે સ્નાતક થયા પછી સ્કાય ન્યૂઝની લંડન ઓફિસમાં પણ કામ કર્યું. આ પછી તેમણે પિતાના આગ્રહને માન આપીને આ નોકરી છોડી દીધી. રોશની ઓક્ટોબર 2008માં વિદેશથી ભારત પરત આવ્યા હતા અને પછી પિતાની કંપની HCL કોર્પોરેશનમાં જોડાયા. રોશની તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. રોશનીના પિતા શિવ નાદરે એક વખત કહ્યું હતું કે હું નેતૃત્વને તક આપતો નથી, પરંતુ જેઓ કમાન સાંભળી શકે છે તેના પર નજર રાખું છું. તેમને પોતાની પુત્રી રોશનીની ક્ષમતા પર વિશ્વાસ હતો એટલે આખરે તેમને જ કંપનીની જવાબદારી આપી. રોશની શરૂઆતથી HCLના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યા છે અને આ કારણે જ તેમને માત્ર 28 વર્ષની વયે કંપનીમાં પહેલાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) અને પછી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. રોશની કંપનીની સાથે સાથે શિવ નાદર ફાઉન્ડેશનની ‘શિક્ષણ પહેલ’માં પણ ફાળો આપે છે. આ ફાઉન્ડેશન એજ્યુકેશન પર કામ કરે છે અને એના દ્વારા ભારતમાં કેટલીક ટોચની કોલેજો અને શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. અંગત જીવન રોશનીએ સાત વર્ષની રિલેશનશિપ પછી 2010માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. રોશનીની પોતાના પતિ શિખર મલ્હોત્રા સાથે પ્રથમ મુલાકાત કેટલાક કોમન મિત્રો મારફતે થઈ હતી. બન્નેની આ મુલાકાત ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી હતી. શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરમાં વાઈસ ચેરમેન છે. રોશની અને શિખરને બે પુત્ર છે, જેઓના નામ અરમાન અને જહાન છે. લગ્ન પહેલાં શિખર મલ્હોત્રા હોન્ડા કાર કંપનીના ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા હતા. જો કે લગ્ન બાદ તેઓ પણ HCL સાથે જોડાઈ ગયા. રોશની શાસ્ત્રીય સંગીતમાં પણ પારંગત છે અને આર્થિક રીતે નબળા બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. તેનું નામ ‘વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડેમી’ છે. તેઓ તેના પ્રમુખ છે. રોશની નાદર મલ્હોત્રાને વાઈલ્ડ લાઈફમાં ખાસ રસ છે અને લગભગ દર વર્ષે તેઓ જંગલ સફારી પર જાય છે. તેમને આફ્રિકાના જંગલોમાં વાઈલ્ડ લાઈફ સફારી પર જવાનું ખૂબ જ પસંદ છે.

અન્ય સમાચારો પણ છે...