હળવાશ:‘ખરેખરું સેટિંગ જ નાસ્તા વખતે કરવાનું છે આપડે...’

જિગીષા ત્રિવેદી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

"આ વખતે નવરાતમાં અમુક પોઈન્ટો પર વિશેષ ધ્યાન આપીને અમુક નિયમો કરવા જોઈએ એવું મારું માનવું છે...એટલે એનું એક લિસ્ટ બનાવીએ... સુ કહો છો!’ હંસામાસીએ રજૂઆત કરી. ‘હઉથી પહેલા તો આ સ્પિકરોના અવાજ ઓછો રાખવાનું ય કહીએ...ઊંઘમાં પણ તૈણ તાલીનું ઢીનટક...ઢીનટક...ઢીનટટટટક... વાગ્યા કરે છે યાર.’ લીનાબહેને પોતાનો પોઈન્ટ મૂક્યો. ‘મોટા અવાજ વગર તો નવરાતની પ્યોર ફીલિંગ નઇ આવતી...એટલે અવાજ તો મોટ્ટો જ રે’સે.. બાર મહિનામાં ખાલી નવ દા’ડા ય તમારાથી આટલું સહન નઇ થતું?’ કંકુકાકીએ વાંધાને નકારી કાઢ્યો... ‘એક મિનિટ, એક મિનિટ...મીટિંગની શરૂઆતમાં સાંતીથી વાતો કરવાની...આ ટાઈમ ઉગ્ર ચર્ચાનો નથી અને બીજું કે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે આપણે...એનો ક્રમ આવશે ત્યારે એના વિશે ચર્ચા કરીને ડીસિઝન લઇસંુ.’ કલાકાકીએ બધાને શાંત પાડયા. ‘તૈણ તાલી પહેલાં તો નાસ્તો આવે અને ખરેખરું સેટિંગ જ નાસ્તા વખતે કરવાનું છે આપણે. દર વખતે આ સાઈડ ઓટલા ઉપર બેઠેલાને છેલ્લે આલે છે અને પેલી સાઈડથી સ્ટાર્ટ કરે એટલે મારા સુધી આવતા તાંહળામાં કશું વધ્યું જ ના હોય પછી બીજું ભરીને તો આ સાઈડ આવે જ નંઇ એટલે હું તો ભૂખી જ રહું છું રોજ.’ હંસામાસીએ પોતાને થતી તકલીફ પર સૌનું ધ્યાન દોર્યું. ‘ભુખ એ દુ:ખ નો કે’વાય...નવરાત્રિની વાત થાય છે, તે ગરબા ઉપર મેઇન કોન્ટરેટ કરવાનું હોય.. (આઈ થિંક કોન્સન્ટ્રેટનું અપભ્રંશ કર્યું સવિતાકાકીએ) ‘નાસ્તાની ય પહેલાં બે તાલી આવે અને એમાં નવી નવી એક્શનો મુજબ ઊંધા આઇ આઈને આપડા જોડે ભટકાય છે યાર અને બે તાલીમાં ધીમા ગરબા તો વગાડતા જ નહીં... પંદર મિનિટ થઈ નથી ને ધમાચકડી ચાલુ કરી દે છે...હું તો ના ગરબામાં ઠરું કે ના નાસ્તામાં...મારે તો કોઈ જાતનું સેટિસ્ફેક્શન જ નંઇ ને...’ હંસામાસીને આ બાબતે પણ ફરિયાદ હતી એટલે સવિતાકાકી કહે, ‘તે પણ તમે ક્યા ગરબા ગાવ છો?’ ‘પણ ફાળો તો આલીએ છીએ ને...તે નાસ્તો કરવો એ હક છે અમારો...બધું જોયું છે ને ખાધું પણ છે.. ખાવાનો સવાલ નથી યાર પણ થાય તો ખરું ને...!’ સવિતાકાકીને સણસણતો સામો જવાબ આપ્યો હંસાગૌરીએ. ‘જો, એની ય પહેલાં આરતી થાય એટલે આમ તો પહેલું સ્ટેપ જ આરતી છે...બરાબર ને કલાબહેન!’ સવિતાકાકીએ કલાકાકીની સહમતી માગી. ‘તે મારે આરતીમાં ય ઓછી મોકાણ છે? ગણીને તૈણ-ચાર જણ જ હોય મારા તમારા જેવા...પતવા આવે ત્યારે આખી પોળ આવી જાય પરસાદ લેવા...અને બધી મમ્મીઓ... એમનાં છોકરાંને વચ્ચે નાખીને એને સહેજ આગળ જવા દો એમ કરી કરીને પોતે ઘૂસ મારે અને મને કોણીઓ મારી મારીને પાછળ મોકલી દે. આમ, આરતી ય પહેલાં એ લે અને પરસાદ ય એ જ પહેલાં લે...એટલે મારે તો છેલ્લે માંડ ટોપરાપાકનો અડધો કટકો ને ઢગલો સિંગ સાકરીયા આવે નસીબમાં.’ હંસામાસી બોલતાં બોલતાં ગળગળા થઈ ગયાં. ‘તે પરસાદ તો નખ પર ચડાઈએ એટલો જ લેવાનો હોય...કંઇ ખોબો ભરીને ધરાઈને ના ખાવાનો હોય!’ સવિતાકાકીએ પ્રસાદીનો કોન્સેપ્ટ ક્લીયર કર્યો. ‘અરે પણ પછી પણ મારે તો શાંતિ જ નઇ ને...! આરતી પછી ત્યાં ને ત્યાં ઊભાં ઊભાં વાતુના તડાકા મારે દસ વાગ્યા સુધી... પછી જા...ય તો છે...ક બાર વાગ્યે દેખા દે. ત્યાં હુંધી તો નકરું પરચુરણ જ રમતું હોય માતાજીના ટેબલ ફરતે અને મારું ઘર ચોકઠામાં એટલે મારે છોકરાવને ટૈડકાઈ ટૈડકાઈને દીવો જ હાચવવાનો આવે. હવે આ તે કંઇ રીત છે? અમે કંઇ દીવાનું ધ્યાન રાખવા પૈસા નહીં આલતા.’ હંસામાસી આજે બરાબરના વાંધે ચડયા’તા... ‘જો, સૌથી પહેલું સ્ટેપ છે કે આરતીનો સમય થઈ ગયો છે એવી જાહેરાત...’ કલાકાકીએ નવી ચર્ચાની શરૂઆત કરી. ‘તે આરતી પહેલાં એની જાહેરાત પોણા કલાક પહેલા ચાલુ કરો છો અને એની ય પહેલાં સાત વાગ્યાથી ગરબાની કેસેટો વાગે એટલે વાંહે ખાંચાવાળાને તો ઠીક છે પણ મારે તો સીરિયલનો એક પણ ડાયલોગ સંભળાતો નથી...’ હંસામાસીનું આટલું બોલવું ને સવિતાકાકીની કમાન છટકી, ‘તમને તો ભઈસાબ બધી વાતે બહુ વાંધા પડે છે! તમારી વાત સાંભળીને તો અમને એમ થાય છે કે આ બધી જફા મૂકીને હું નવ દિવસ માટે બહારગામ ફરવા જતી રહું.’ ‘અરે વાહ...મને મારા પોતાના પર્સનલ વાંધાઓ ય રજૂ કરવાનો હક નઇ...? આખી મીટિંગમાં તમે અમારી એકે ય વાત માન્ય ના રાખો તો કોઈને બી ઇગો નઇ તો કમ સે કમ નાનો અમથો ઈગી પ્રોબ્લેમ તો થાય ને યાર...’ હંસામાસી આટલું બોલીને રિસાઈ ગયાં એટલે કંકુકાકીએ સમજાવ્યું, ‘જો બહેન, આ સંસારનો નિયમ છે કે જીવનમાં બધાના બધા જ પ્રશ્નોનો નિકાલ કદી આવ્યો નથી ને આવવાનો ય નથી...કોઈ એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન વિચારીને કહો...એના ઉપર જ કામ કરીએ...આવી રીતે ચર્ચા કરતા રહેશું તો નવરાત્રિ આવીને જતી રહેશે તો પણ આ ચર્ચાનો અંત નહીં આવે અને આપણે બધા વાતો જ કરતા રહી જશું.’ ‘નાસ્તો હંસામાસીના ઓટલેથી આપવાનું ચાલુ કરાવવાનો પ્રસ્તાવ મૂકીએ મીટિંગમાં. સ્ટેપ બાય સ્ટેપ જવાનું...નાસ્તો પહેલાં ઓટલે ઓટલે...પછી પહેલા પગથિયે, પછી સૌથી નીચે આપવો.’ મેં હિંમત કરીને કહી નાખ્યું અને લાંબી ચર્ચા પછી આખરે હંસામાસીના ચહેરા પર ફરી રોનક આવી ગઈ. (મને ખબર જ હતી કે જો પેટમાં પૂરતું પડ્યું હશે તો બધાંયને આળસ અને ઊંઘ એવા ચડશે ને કે બીજા કોઈ વાંધા યાદ જ નહીં આવે.)

અન્ય સમાચારો પણ છે...