પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. મને છેલ્લા કેટલાક સમયથી વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા બહુ સતાવે છે. મારા લગ્નને પાંચ વર્ષ થયાં છે અને અમે છેલ્લાં છ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ, પણ સફળતા નથી મળતી. આ વાઇટ ડિસ્ચાર્જનું પ્રમાણ છેલ્લા બે મહિનામાં આ વાઇટ ડિસ્ચાર્જનું પ્રમાણ વધી ગયું છે. મેં દવાનો એક વાર કોર્સ પણ કરેલો, પરંતુ એની અસર એક જ મહિનો જ રહી. ફરીથી ડિસ્ચાર્જ શરૂ થઈ ગયો છે. શું આને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : સ્ત્રીઓમાં વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિ ફંગલ ઇન્ફેક્શનને કારણે ઉભી થતી હોય છે. જો આ ડિસ્ચાર્જનો રંગ દૂધ જેવો સફેદ હોય તો એ માટે એન્ટિ-ફંગલ ટેબ્લેટનો કોર્સ કરવો જોઈએ. યોનિમાં મૂકવાની તેમ જ મોંએથી લેવાની એમ બે પ્રકારની એન્ટિ-ફંગલ દવાઓ આવે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે આ ગોળીઓનો કોર્સ કરી લેવો જોઇએ. જોકે ટ્રીન્ટમેન્ટ કરતી વખતે તમારા હસબન્ડનું પણ ચેક-અપ કરાવવું જરૂરી છે. ઘણી વાર ફંગલ ઇન્ફેક્શન હસબન્ડને પણ લાગતું હોય છે. જો તેમને ઇન્ફેક્શન લાગેલું હશે તો તેમને પણ એન્ટિ-ફંગલ દવાનો કોર્સ કરાવવો જરૂરી છે. જો એમ નહીં કરો તો તમે કોર્સ કર્યો હોવા છતાં પતિ મારફત તમને ફરીથી ચેપ લાગી શકે છે. આની દવા કરતાં પહેલાં હસબન્ડ-વાઇફ બન્નેનું ચેક-અપ કરાવવું જરૂરી છે. દવાનો કોર્સ શરૂ કરતી વખતે પ્રથમ પંદર દિવસ સુધી ઇન્ટરકોર્સ ન કરવો. જો તમને પાણી પડવાની સાથે તાવ આવવો, કમર તૂટવી તેમ જ પેડુમાં દુખાવો થવા જેવી સમસ્યા ન હોય તો સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં વાંધો નહીં આવે. જો ઉપરોક્ત લક્ષણો હોય તો એ દર્શાવે છે કે ફંગલ ઇન્ફેક્શન ઓવરી અને ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી ગયું છે. આની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે, નહીંતર ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે. પ્રશ્ન : હું 28 વર્ષની સગર્ભા છું. મારી આ પહેલી પ્રેગ્નન્સી છે અને ડોક્ટરે જણાવ્યું છે કે મને ગેસ્ટેશનલ ડાયાબિટીસની સમસ્યા થઇ છે. શું આ મોટી સમસ્યા છે? આના કારણે મને કોઇ નુકસાન નહીં થાય ને? એક મહિલા (સુરત) ઉત્તર : Type 1 અને Type 2 માફક જ, ગેસ્ટેશનલ ડાયાબિટીસ ઓટોઇમ્યૂન કન્ડિશન છે જેમાં સેલ્સને શરીરમાં હાજર ગ્લૂકોઝનો ઉપયોગ કરવો મુશ્કેલ લાગે છે. પરિણામે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે જે શરીરના ફંક્શનને ખલેલ પહોંચાડે છે. આ ગેસ્ટેશનલ ડાયાબિટીસનું નિદાન પ્રેગ્નન્સી દરમિયાન થાય છે, મોટાભાગના કેસમાં તે બાળકના જન્મ બાદ ઠીક પણ થઇ જાય છે. તેમ છતાં હાઇ બ્લડશુગરનું લેવલ બાળક અને માતા બંનેના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. ગેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેગ્નન્સીના છેલ્લાં ત્રણ મહિનાની અંદર થવાની શક્યતાઓ વધારે હોય છે. આ માટે માતાએ સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઇએ અને હેલ્થ કન્ડિશનનું ચેક-અપ કરાવતા રહેવું જોઇએ. આનાથી કેટલાંક કેસોમાં બાળકની પ્રિ-મેચ્યોર ડિલીવરી અથવા તેના શરીરમાં શુગર લેવલની વધ-ઘટની સમસ્યા પણ થઇ શકે છે. જોકે ડોક્ટરની સૂચનાનું પહેલાથી સારી રીતે પાલન કરવામાં આવ્યું હોય તો પરિસ્થિતિ પર કંટ્રોલ રાખી શકાય છે. આ સમસ્યા ઉંમરલાયક અથવા મેદસ્વિતાથી પીડાતી હોય તેવી સ્ત્રીઓમાં થઇ શકે છે. આ ઉપરાંત PCOD અને પરિવારમાં કોઇને ડાયાબિટીસ થયો હોય ત્યારે સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થવાના ચાન્સિસ વધી જાય છે. આ બીમારીના ભયને લગતો સ્ટ્રેસ લેવાના બદલે ગર્ભવતી સ્ત્રી ફાઇબર રિચ ડાયેટ, પ્રોટીન અને લો કેલેરીવાળો ખોરાક, રેગ્યુલર એક્સરસાઇઝની મદદથી સ્વસ્થ રહી શકે છે. બ્રેસ્ટફિડિંગ દરમિયાન બાળકને ડાયાબિટીસનું જોખમ નથી થતું કારણ કે આ દૂધમાં ન્યૂટ્રિશન્સ રહેલા હોય છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે. આ સમસ્યામાં ઇન્સ્યૂલિન અથવા દવાઓ ત્યારે જ શરૂ કરવામાં આવે છે જ્યારે માતાનું શુગર લેવર કંટ્રોલમાં આવી ના રહ્યું હોય. તેથી જ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયેટની મદદથી ઇન્સ્યૂલિનથી બચી શકાય છે. પ્રશ્ન : મારા પતિ કેટલીક વાર એટલી બધી ઉત્તેજના અનુભવે છે કે એમની ઇચ્છા સંતોષતાં હું થાકી જાઉં છું. એ કારણસર મને કેટલીક વાર શરીર અત્યંત દુખે છે અને તાવ પણ આવી જાય છે. મારે એમને શું કહેવું? એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમારા પતિની ઇચ્છા સંતોષવા જતાં તમને થાક લાગે એ સ્વાભાવિક છે. કેટલાક પુરુષો વધારે પડતી કામુકતા જેને જાતીય ઇચ્છા કહે છે એ ધરાવતા હોય છે. તમારા પતિની જાતીય ઇચ્છા પણ વધારે હોવી જોઇએ. એમને જ્યારે તમારા તરફથી સારો પ્રતિભાવ મળે ત્યારે એ વધારે ને વધારે ઉત્તેજના અનુભવે છે અને તેથી તમને આ તકલીફ થાય છે. તમે પતિને પ્રેમથી સમજાવો કે તેમની આવી ઉત્તેજનાથી તમને તકલીફ પડે છે. એ ચોક્કસ સમજીને પોતાની ઉત્તેજના પર નિયંત્રણ રાખવાનો અને તમને ઓછી તકલીફ પડે એવો પ્રયત્ન કરશે. પ્રશ્ન : મારી દીકરીને ચોમાસા દરમિયાન વારંવાર યુરિન માટે જવંુ પડે છે. એની ઉંમર પાંત્રીસ વર્ષ છે. આવું એને કેમ વારંવાર થતું હશે? અેનાં શરીરમાં કંઇ તકલીફ તો નહીં હોય ને? એક મહિલા (મહેસાણા) ઉત્તર : સામાન્ય રીતે ચોમાસા અને શિયાળા દરમિયાન વાતાવરણ ઠંડકભર્યું હોવાને લીધે ઘણી મહિલાઓને વારંવાર યુરિન માટે જવું પડતું હોય છે. ક્યારેક કેટલીક યુવતીઓ જોબ કરતી હોય ત્યારે વારંવાર વોશરૂમમાં જવામાં સંકોચ થવાથી યુરિન પર નિયંત્રણ રાખે છે, પણ પછી જ્યારે યુરિન માટે જાય ત્યારે તેમને પૂરતું યૂરિન થતું નથી અને તેથી તેમને વારંવાર યુરિન માટે જવાની ઇચ્છા થાય છે. તમારી દીકરીને આવી કોઇ આદત નથી તે પૂછી જુઓ. જો આવી આદત હોય તો તેમાં પરિવર્તન લાવવાનું કહો. જો વધારે પડતી સમસ્યા થતી હોય, તો ગાયનેકોલોજિસ્ટને બતાવો. પ્રશ્ન : મારી બહેનપણીનાં લગ્નને ચાર વર્ષ થવા આવ્યાં. શરૂઆતમાં બે વર્ષ દરમિયાન એણે અને એના પતિએ ફેમિલી પ્લાનિંગ કર્યું હતું, પણ હવે છેલ્લા બે વર્ષથી અનેક પ્રયત્ન કરવા છતાં એને સંતાન થતું નથી. એ બંનેનાં ટેસ્ટ નોર્મલ આવે છે. કોઇ ઉપાય જણાવશો? એક મહિલા (જામનગર) ઉત્તર : તમારી બહેનપણીએ જ્યારે લગ્નજીવનની શરૂઆતમાં બે વર્ષ ફેમિલી પ્લાનિંગ કર્યું હતું, તે વખતે એણે કોઇ ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધી હતી કે નહીં તે અંગે તમે જણાવ્યું નથી. જો ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા વિના એ બંનેએ આ પ્લાનિંગ કર્યું હોય તો તેમણે એ માટે શો ઉપાય અપનાવ્યો હતો, તે વિશે પણ જાણવું જરૂરી બને છે. કેટલીક વાર મહિલાઓ ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવા લે તો આડઅસર થઇ શકે છે. આથી તમારી બહેનપણીએ કયો ઉપાય અપનાવ્યો હતો, તે જાણીને પછી ગાયનેકોલોજિસ્ટને બતાવવાનું કહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.