તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:વ્યથાની પ્રથા

ડો. સ્પંદન ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે જ્યારે કોઇ નજીકનાં સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખને અનુભવવાના કેટલાક તબક્કાઓમાંથી પસાર થવું જ પડે છે

સવાર સવારમાં એકતાબહેનનો ગુસ્સો તેમનાં બાળકો પર ઉતરી પડ્યો. નાની અમથી વાતમાં તેમણે બાળકોને ધીબેડી નાખ્યાં. પાડોશમાં રહેતાં મનુકાકા આ જોઇને દોડી આવ્યા અને બાળકોને છોડાવ્યાં. ફૂલ જેવાં બાળકો હેબતાઇ ગયાં હતાં. 12 વર્ષની સ્વિટી અને સાત વર્ષનો પ્રિન્સ આ પહેલાં પણ અનેકવાર રમતાં મરતાં ઝઘડી પડતાં હતાં. તોફાન મસ્તી પણ કરતાં હતાં પરંતુ એકતાબહેને ક્યારેય પોતાના અવાજને ઊંચો થવા દીધો નહોતો. આજે જ્યારે નાની અમથી વાતમાં તેમણે હાથ ઉપાડ્યો ત્યારે મનુભાઇને આશ્ચર્ય થયું. મનુકાકાએ ઘરે જઇને બીજા વિસ્તારમાં રહેતા એકતાબહેનનાં ભાઇ-ભાભીને ફોન લગાવ્યો. એકતાબહેનના ભાઇએ ખુલાસો કર્યો, ‘શું કરું મનુકાકા...જીજાજીનાં અવસાનને માત્ર 3 મહિના થયાં છે પણ એકતા ન રડી છે કે ન તેને ખ્યાલ છે કે તેને કેટલું મોટું નુકસાન થયું છે. અમને તેણે કહી દીધું છે તેને કોઇને જરૂર નથી અને તે એકલી જ તેનાં બાળકોને ઊછરશે. તેના માટે કોઇ દયાભાવ રાખવાની જરૂર નથી.’ એકતાબહેનના ભાઇએ જ્યારે ભાઇ તરીકેની ફરજ બજાવવા માટે એકતાબહેનને મદદની વાત કરી હતી ત્યારે બહેને આવો જવાબ આપ્યો હતો. એકતાબહેનનો સ્વભાવ પહેલાંથી જ થોડો સ્વમાની હતો અને એમાં પતિનું આકસ્મિક અવસાન થયું છે એ સમાચાર મળતાં જ તેમણે મનને મજબૂત કરી લીધું. અંગત જીવનમાં આભ ફાટ્યું હતું પણ આમ છતાં 24 કલાકમાં એકતાબહેને નિર્ણય લઈ લીધો કે મારે હવે બાળકોને સંભાળવાનાં છે એટલે મને ઢીલું બનવું પોસાય નહીં. બીજા દિવસથી જ ભવિષ્યનું પ્લાનિંગ કરીને જાણે કશું જ બન્યું નથી એ રીતે તેમણે બધું સંભાળવાં માંડ્યું. ઘર, સામાજિક સંબંધો અને પતિનો બિઝનેસ...આ બધું જ તેમણે પોતાના હાથમાં લઇ લીધું, પણ એમની જાણબહાર તેમનો સ્વભાવ ચીડિયો થતો જતો હતો. કોઇ પ્રેમપૂર્વક પણ એમ કહે કે કંઇ કામ હોય તો જણાવતો તો પણ એકતાબહેન નફટાઇથી કહી દે કે મારે જરૂર નથી. આપણે જ્યારે કોઇ નજીકનાં સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખ અનુભવવાના કેટલાક તબક્કામાંથી પસાર થઇએ છીએ, એનો નોર્મલ ગ્રાફ હોય છે અને એના કેટલાક સ્ટેજ હોય છે. સૌથી પહેલાં ડિનાયલ એટલે ઇન્કાર, પછી એંગર એટલે ક્રોધ...એ પછીનો તબક્કો બાર્ગેનિંગનો આવે છે એટલે સ્થિતિ સાથે તાલમેળ ગોઠવવાની મથામણ હોય, એ પછી ડિપ્રેશન એટલે હતાશા અને છેલ્લે એક્સેપ્ટન્સ એટલે વાસ્તવિકતાનો સ્વીકાર. આ સ્ટેજ મુજબ કોઇ માણસ દુ:ખ સ્વીકારવાની પ્રક્રિયામાંથી પસાર થાય તો ખૂબ સારું રહે છે પણ જ્યારે કોઇ વ્યક્તિ એકતાબહેનની જેમ ક્રમશ: આ તબક્કામાંથી પસાર થવાને બદલે છલાંગ મારીને છેલ્લા તબક્કા એટલે કે સ્વીકારમાંથી પસાર થાય ત્યારે મનમાં રહેલ દુ:ખની લાગણી ગમે ત્યારે સ્પ્રિંગની જેમ ઉછા‌ળ મારે છે જેના લીધે તેમની માનસિક સ્થિરતા બગડતી જાય છે. અંદરને અંદર તેઓ ક્યાંક પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં થાપ ખાઇ જાય છે. આપણા સમાજમાં અને આજે પણ ઘણી જ્ઞાતિઓમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય એ પછી છાતી કૂટવાનો, રડવા-કકળવાનો કે પછી નિકટનાં સ્વજનને રડાવવાનો જે રિવાજ ચાલ્યો આવે છે એની પાછળ આ પણ એક માનસિક કારણ ગણી શકાય. મૂડમંત્ર ઃ કોઇ પણ નિકટનાં સ્વજનનાં મૃત્યના આઘાતને હીલ કરવા માટે તે આઘાતને ફિલ કરવો જરૂરી છે.drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...