શરીર પૂછે સવાલ:પતિના વીર્યમાં શુક્રાણુની ટકાવારી બહુ ઘટી ગઇ છે...!

3 મહિનો પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 35 વર્ષની મહિલા છું. મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. અમારે એક પણ બાળક નથી. ઘણી દવાઓ કરી છે પણ કોઇ જ ફરક પડતો નથી. મારા પતિના વીર્યમાં શુક્રાણુની ટકાવારી ફક્ત 2થી 5 ટકા છે. વીર્ય પાતળું છે. સમાગમ વખતે જ તેમના શિશ્નમાં બરાબર ઉત્થાન આવે છે. તો શું આ નંપુસકતા કે નબળાઇ કહેવાય? આ સિવાય જાતીય સંબંધ પછી મને યોનિમાં ચાંદી પડી જાય છે. આ સમસ્યાનું શું કારણ હશે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર ઃ તમારા પતિની બીમારીને ઓલિગોર્સ્પમીયાની તકલીફ કહેવાય છે. આ બીમારી માટે ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. જોકે સારવાર પહેલાં તેનું નિદાન જરૂરી છે. યોગ્ય નિદાનથી શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન શક્તિ વધી શકે છે, પણ જો એકપણ શુક્રાણુ ન હોય તો દવાઓથી કાંઇ જ ન થઇ શકે. એક શુક્રાણુ હોય તો એકના દસ હજાર અને દસ હજારના સો લાખ શુક્રાણુ થઇ શકે છે. ઘણીવાર વેરિકોસીલ નામની બીમારીમાં શુકાણુ બરાબર બનતા નથી. આની તપાસ માટે ડોક્ટરની સલાહ લઇને સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. વીર્ય પાતળું કે ઘટ્ટ હોય કે પીળાશ પડતું હોય તો પણ બાળક થવાની શક્યતામાં કોઇ જ ફરક પડતો નથી. વીર્યસ્ત્રાવનું સાતત્ય ઉંમર, ઉત્તેજનાની તીવ્રતા અને બે સમાગમ વચ્ચેના ગાળા જેવા પરિબળો ઉપર નિર્ભર છે. જાતીયશક્તિ સાથે વીર્યના રંગ અને જથ્થાને કોઇ નિસ્બત નથી. તેવી જ રીતે સમાગમમાં સાથીના સંતોષ સાથે પણ તેનો કોઇ સંબંધ નથી. ઘણી વખત થાક, માનસિક તંગદીલી અને દબાણને કારણે કોઇ વખત પ્રસંગોપાત ઉત્થાન ન પણ થાય. એનો અર્થ એ નથી કે વ્યક્તિ નપુંસક થઇ ગઇ હોય. ઘણીવાર સંભોગ પહેલાની ક્રિયામાં પૂરતો સમય પુરુષો આપતા નથી અને સ્ત્રીને તૈયાર થતા વાર લાગતી હોય છે. આવા સંજોગોમાં જો યોનિમાર્ગમાં પૂરતી ચિકાશ ન થઇ હોય અને સમાગમ કરવાથી ઘર્ષણ થાય છે અને કદાચ તેનાથી પણ ચાંદી પડી શકે છે. કોઇ સારા ડોક્ટરની સલાહ લેવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પ્રશ્ન : છેલ્લા કેટલાક સમયથી મારી કામશક્તિમાં ઘટાડો થયો હોય એમ લાગે છે. શું એવો કોઇ ખોરાક કે દવા છે જેનું સેવન કરવાથી કામશક્તિમાં વધારો થઇ શકે? એક યુવક (સુરત) ઉત્તર ઃ સમતોલ આહાર, નિયમિત શારીરિક કસરત, યોગ્ય યોગાભ્યાસ, સિગારેટ અને શરાબથી દૂર રહેવું એ જ સુખી સેક્સ-લાઇફના આધારસ્તંભો છે. નિયમિત રીતે આનું ધ્યાન રાખવાથી કામશક્તિ સારી રહી શકે છે. ખાનપાનની વાત કરીએ તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સ્વાદ અનુસાર ખાંડ નાખીને એનું સેવન કરો. આયુર્વેદના મુજબ, આ એક ખૂબ ઉમદા સેક્સ ટોનિક છે. જોકે ઘી ગાયનું જ હોવું જોઈએ, ભેંસનું નહીં કારણ કે જે તાકાત ગાયનાં ઘીમાં હોય છે તે ભેંસનાં ઘીમાં હોતી નથી. એનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રલ ઓછું થાય છે. રોજ સતત 45 મિનિટ સુધી ચાલો. તેનાથી શરીરના દરેક ભાગને ઓક્સિજન મળે છે. જાતીય જીવન વધારવા માટે યોગાસન કરવાથી ફાયદો થાય છે. જાતીય જીવન માટે યોગ્ય રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ ખૂબ ફાયદાકારક છે. હકીકતમાં માનવીના શરીરમાં વધુ બીમારીઓ હવામાનને કારણે થાય છે. પ્રાણાયામ કરવાથી તમે હવામાનથી થતી બીમારીઓને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય માનસિક શાંતિ માટે શવાસન અને ભ્રામરી પ્રાણાયામ પણ રોજ કરો. ધ્યાન રાખો કે શુગર, સિગારેટ, દારૂ કે પછી સ્ટ્રેસ જેવી બાબતો જાતીય જીવન માટે નુકસાનદાયક છે. પ્રશ્ન : થોડા સમય પહેલાં મારા નણંદનું નાની વયે અચાનક અવસાન થઇ ગયું હતું. મારા નણંદ ઘરમાં સૌથી નાના હતા અને તે મારા પતિની બહુ નજીક હતા. તેમના અચાનક અવસાનને પગલે મારા પતિ ડિપ્રેશનનો ભોગ બની ગયા છે. ડોક્ટરે તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું એનાથી તેને ફરક પણ હતો. હવે ડોક્ટર કહે છે કે દવાઓ પણ લેવી પડશે. મને ડિપ્રેશનની દવાથી ખૂબ ડર લાગે છે. શું માત્ર થેરાપીથી રિઝલ્ટ ન મળે? એક મહિલા (રાજકોટ) ઉત્તર ઃ તમારા પતિને ડિપ્રેશન છે અને તમે તેને ડોક્ટર પાસે લઈ ગયાં એ ખૂબ સારું કામ કર્યું છે. આજની તારીખે આટલી જાગૃતતા લોકોમાં હોવી જરૂરી છે કે માનસિક તકલીફ સહન કરવા માટે નથી હોતી. એમાં ડોક્ટરની જરૂર પડે છે. હવે જ્યારે નિદાન થયું છે કે તેમને ડિપ્રેશન છે તો દવાઓથી ભાગવાનો અર્થ નથી. સાઇકિયાટ્રિસ્ટ જ્યારે દર્દીને ખૂબ જ જરૂર હોય ત્યારે જ આ દવાઓ આપે છે. ઘણી વખત ડોક્ટર ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ લખે એટલે દર્દી ડરી જાય છે અને એ દવાઓ લેવાની ના પાડે છે. આડઅસર હોવા છતાં મહત્ત્વની વાત એ છે કે આ દવાઓ અત્યંત જરૂરી દવાઓ છે. એનું ચોક્કસ પરિણામ મળે જ છે. જે વ્યક્તિ ડિપ્રેશનનો ઇલાજ કરાવતી નથી તે વધુ તકલીફમાં ધકેલાઈ જતો હોય છે. આ દવાઓથી એટલી તકલીફ નથી થતી જેટલી ડિપ્રેશનને લીધે થવાની છે. માટે દવાઓથી ડરવાનું છોડવું જોઈએ. દવાઓથી ડરીને દરદી પોતાનું જ નુકસાન કરી બેસે છે. આ દવાઓ બાળકોને પણ આપવામાં આવે છે. ફક્ત થેરાપી કે ફક્ત દવાઓ કરતાં બન્નેનું કોમ્બિનેશન વધુ સારું ફળ આપે છે. આમ દવાથી છોછ ન રાખો.

અન્ય સમાચારો પણ છે...