સંબંધનાં ફૂલ:જેને ઉત્કટતાથી વિચારો એ ચોક્કસ થાય છે...

રચના સમંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ કિસ્સો અમેરિકાની જિમ્નેસ્ટિક્સની ટીમનો છે. ઓલિમ્પિકમાં ચીન સામે હારનો સામનો કરનારી પુરુષ ટીમના સભ્યોએ અભ્યાસ કરવાનો એક નવીન રસ્તો શોધ્યો. એક સભ્ય ખેલાડીનાં નામની ઘોષણા કરતો અને એ ખેલાડી આવીને એવી રીતે અભ્યાસ કરતો જાણે એ ખીચોખીચ ભરેલાં સ્ટેડિયમ તેમજ દુનિયાભરમાં લાઇવ ટેલિકાસ્ટ કરી રહેલા કેમેરા સામે ફાઇનલમાં પ્રદર્શન કરી રહ્યો છે. તે આંખ બંધ કરીને એ દૃશ્યની કલ્પના કરતો અને પછી આંખ ખોલીને સંપૂર્ણ સજાગતા સાથે લક્ષ્યને જોતો અને પછી પ્રદર્શન કરતો. આ વાતનું પુનરાવર્તન સતત ચાર વર્ષ સુધી કરવામાં આવ્યું. પીટર વિડમેર અને ટીમ ડેગેટ સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહ્યા. 31 જુલાઇ, 1984ના દિવસે આ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી પણ આંખ બંધ કર્યા વગર સાકાર સ્વરૂપે. ટીમ અને પીટરને તેમના કોચે બસ એટલું જ કહ્યું, ‘તમે રોજ જે કરતા રહ્યા છે એ જ વસ્તુ આજે પણ કરવાની છે. કંઇ પણ બદલાયું નથી.’ અને પછી પરિણામ શું મળ્યું? થોડા જ સમય પછી અમેરિકન જિમ્નેસ્ટિક્સ ટીમ વિજેતાની જગ્યા પર ઊભી રહીને મેડલનો સ્વીકાર કરી રહી હતી. રમતની દુનિયામાં સકારાત્મક અભિગમથી ભવિષ્યની કલ્પના કરવાની ટેક્નિક બહુ કારગર છે. લોકપ્રિય લેખક તેમજ મોટિવેશનલ સ્પિકર જેક કેનફિલ્ડે આ ટેક્નિકથી સફળતા મેળવનાર અનેક લોકો વિશે પોતાનાં પુસ્તકમાં જણાવ્યું છે. આપણું મગજ તસવીરના માધ્યમથી જ લોકો અથવા તો પરિસ્થિતિને મૂલવે છે. આપણે કોઇ પરિસ્થિતિ વિશે વિચારતી વખતે મનમાં એની એક કલ્પના કરી લઇએ છીએ. આ કલ્પના નકારાત્મક પણ હોઇ શકે છે. ‘એ તો આવી જ પ્રતિક્રિયા આપશે’, ‘જોજો, સારું પરિણામ નથી આવવાનું’, ‘કોઇ શું કામ વખાણ કરે’...જેવા વિચાર તસવીરનાં સ્વરૂપમાં મનમાં ગોઠવાઇ જાય છે. આપણે નકારાત્મક અનુભવને યાદ રાખીને એના આધારે ભવિષ્યને મૂલવીએ છીએ અને એટલે જ ભવિષ્યને તસવીરમાં રંગીન કલર નથી ભરી શકતા. જો લક્ષ્ય નક્કી કરીને એની સકારાત્મક તસવીર મનમાં વસાવી લેવામાં આવે તો એને સિદ્ધ કરવાનો રસ્તો તો આપમેળે દેખાવા લાગે છે. આ કોઇ જાદૂ નથી પણ સાઇકોલોજી છે. કહેવાય છે કે જો સારું કરવું હોય તો માધ્યમ આપમેળે મળી જ જાય છે. આ કારણે જ સફળતાની સીડી ચડનારી વ્યક્તિ ઘણી વખત કહે છે કે ખબર નહીં કેવી રીતે સફળતાની સીડી દેખાતી ગઇ અને હું ઊપર ચડતો ગયો. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને કહ્યું હતું કે ‘કલ્પના જ બધો આધાર છે. ભવિષ્યમાં જે સફળતા મળવાની છે એની એ એકમાત્ર ઝલક છે...’. અનેક રિસર્ચ પછી સાબિત થયું છે કે મગજ કલ્પના અને હકીકતમાં કોઇ તફાવત નથી કરી શકતું. જો તમે તમારી સફળતા અને લક્ષ્ય સિદ્ધિ વિશે ઉત્કટતાથી વિચારો અને સતત એનું પુનરાવર્તન કરો તો નક્કી કરેલા સમયમાં જ એ વાત હકીકત બની શકે છે. ઘણાં લોકોને આ વાતનો અનુભવ થયો છે એવી રીતે જો તમે નિર્ધાર કરો તો તમને પણ એનો અનુભવ થઇ શકે છે. જો કે આ માટે પહેલું પગલું હશે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું. આટલું કર્યા પછી લક્ષ્ય સિદ્ધ કરવાનો નિશ્ચય જ નહીં પણ દૃઢ નિર્ધાર કરીને એને સાકાર કરવાનો સમયગાળો નક્કી કરવો. લક્ષ્ય તરફ સતત કરવામાં આવતો પ્રયાસ કલ્પનાની તસવીરને ચોક્કસપણે હકીકતમાં બદલી નાખશે.

અન્ય સમાચારો પણ છે...