તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- જિગીષા ત્રિવેદી
"અલા...આ રેખલીનું મગજ ચસ્કી ગ્યું છે. કાલે સીજનનો છેલ્લો રીંગણાનો ઓળો બનાયો કહીન આલી ગઈ...પણ બહેન ખાતા વેંત અરેરાટી નીકળી ગઇ મારે તો. ગરપણ નાખ્યું’તું યાર ઓળામાં!’ હંસામાસીએ રેખાબહેનની જીભે ડેવલપ કરેલા ટેસ્ટ સાથે મગજનું અનુસંધાન જોડ્યંુ. પણ કલાકાકીને લાગી આવ્યું, ‘લે, એમાં સું? ગળપણ તો હોય જ ને. ગળપણ વગર તો વાનગી ગુજરાતી કહેવાય જ નંઇ. હો વાતની એક વાત. કોઈ બી રેશીપી બનાવો તમે પણ એમાં ગળપણ ફરજીયાત. હું તો ગુજરાતી છાંટ વગરનું કસ્સું બનાઉ જ નઇ. ગુજરાતી હક્કા નૂડલ, ગુજરાતી મેગી, ગુજરાતી ફ્રાય દાળ, ગુજરાતી પનીર ટીક્કા...ગળપણ વગર બધું નક્કામંુ. ગળ્યું એટલું ગળ્યું અને બાકી બધુ બળ્યું.’ ‘પણ બધામાં ગોળ ફટકારવાનો ના હોય યાર!’ સવિતાકાકી હંસામાસીની તરફેણમાં બોલ્યા એટલે લીનાબહેન વચ્ચે પડ્યાં, ‘વચ્ચેનો મારગ કાઢીએ આપડે. તમારું ય રયું ને આમનું ય રયું. આપડે એવું નક્કી કરીએ કે ગુજરાતી વાનગીમાં ભલે ગળપણ નાખો. ગળ્યા ભીંડાનું શાક કરો એ મંજૂર પણ બીજા રાજ્યોની વાનગીઓને આપડે ડિસ્ટોપ ના કરવી જોવે. એ લોકોની વાનગીઓમાં આપડો કોઈ હક નઇ. હમજ્યા!’
લીનાબહેને દરેક રાજ્યની વાનગીને સ્વતંત્ર સ્વાદનો હક આપ્યો એથી હું અહોભાવથી ગદગદ થઇ ગઈ.. ત્યા મોડા મોડા કંકુકાકી આવ્યા અને એમણે આવતા વેંત નવા ટોપિકનું ઉદ્ઘાટન કર્યું. ‘અલા...હું સુ કેતી’તી...આ કોરોલો તો બહુ લાંબો ચાલ્યો નઇ!’ ‘તે એ તો એનું નામ હાંભળ્યું ત્યારથી જ મને ખબર હતી કે આ લાંબુ હાલસે. જો કે જેણે બી આ નામ આલ્યું ને, એનો જ વાંક છે ખરેખર તો!’ લીનાબહેને થોડા અભિમાન સાથે કહ્યું. ‘પણ એમાં આપડો કોઈનો વાંક નહી. આપડા દેસ વારાએ ક્યાં નામ આલ્યું છે?’ કલાકાકીએ બચાવ કરતાં કહ્યું એટલે લીનાબહેને બાકીનો ઊભરો કાઢતા કહ્યું, ‘તે નહીં જ આલ્યું અને એટલે જ તો આ લાંબુ ચાલ્યું ને બહેન! આપડા વારા હોય, તો તો આ ‘કોરોનો’ નામ આલે જ નઇ. જેણે બી આલ્યું એણે થોડો સર્વે કરીન આલ્યું હોત તો હારુ હતુ. હવે એક ખોટા નામ આલવાને કારણે આખી દુનિયાએ ભોગવવાનું આયુ ને યાર!’
‘હવે તમે ય ખરા છો. નામ ઉપર થોડો આધાર હોય?’ હંસામાસીએ કહ્યું એટલે લીનાબને લાંબા હાથ કરી કરીને ચાલુ કર્યું, ‘અરે, મને તો તમારી બુદ્ધિ પર સંકા જાય છે. આવું નામ આલ્યું પછી ય તમને એના આયુસ્યનો આઇડીયા ના આયો’લા? ત્યારે તો આટલા વરહ એમનેમ જ કાઢ્યા કહેવાય તમે. કોમન શેન્શનો શવાલ છે યાર આ તો...ને તમે તો યાર...મારી આસા પર પાણી ફેરવી દીધું યાર!’ ગુનાહિત લાગણી સાથે હંસામાસી નીચી મુંડીએ ભોંય પર નજર માંડીને બેસી રહ્યા.. હું આ વાર્તાલાપ શરૂ થયો ત્યારની એક જ વાત જાણવા તલપાપડ હતી કે લીનાબહેનને કેવી રીતે કોરોનાના લાંબા આયુષ્યનો આઇડિયા આવી ગયો’તો? ‘ના ના હું એમ કઉ, કે આખા કક્કામાંથી બીજો કોઈ અકસર ના મળ્યો આ લોકાને? ઇતિહાસ પર નજર મારી હોત ને, તો ય આવુ ના થાત. આ કમળો છે, કેન્સર છે... આ બધા કેટલા લાંબા ગાળાના રોગો છે. હવે ‘ક’ થી નામ રાખ્યું, એટલે પેલો કોરોનો એની મેળાએ જ હમજીને લાંબો જ ચાલે યાર.’ સવિતાકાકીએ સમજણ પ્રમાણે ઢાળમાં ગાડી હાંકીને જોડી કાઢ્યું.. ‘અરે ચલો, આ રોગોના નામ તો મેડિકલ સબ્જેક કહેવાય એટલે મારા તમારા જેવાને બહુ મગજમાં ના આવે, પણ કમ સે કમ જે લોક ટીવીમાં શીરિયલો જોતાં હોય એની પાંહે તો થોડી આસા રાખે ને માણસ!’ લીનાબહેનની હંસામાસી પાસે રાખેલી આશા ઠગારી નીવડી એનો એમને બહુ જ અફસોસ હતો.
‘હવે આમાં ટીવી શિરીયલો ક્યાં વચ્ચે આઈ?’ કંકુકાકીને ય સિલેબસ બહાર ગયું થોડું એટલે એમણે બિચારાએ પૂછી વાળ્યું. ‘લો બોલો...આ જ તો અભ્યાસનો વીસય છે. ભૂતકારની શિરીયલોમાં ડોકીયું કરો જરાક એટલે તરત હમજાઈ જસે, કે જે નામ ‘ક’ થી ચાલુ થતું હોય, એ બધુ લાંબુ જ ચાલે.’ લીનાબહેને ‘ક’ ઉપર થોડો ભાર મૂકીને કહ્યું અને પછી છણકો કરીને નિસાસો નાખતા કહે, હં ! આખી દુનિયા આપડી શિરીયલો જોવે જ છે. એક નામ સહેજ હમજી વિચારીને આપ્યું હોત તો અત્યાર હુંધીમાં પરવારી ગયા હોત ક્યારના ય !’ ‘એક વાત કહું. દેસ ગમ્મે તે હોય પણ આનું નામ નક્કી કરવા કોઈ ‘ભઇ’ બેઠા હસે. બાકી ‘બહેન’ હોત તો આવી ભૂલ ના જ કરત.’ કંકુકાકીએ સમગ્ર મહિલા સમાજને આ આળમાંથી બચાવી લીધો. આજે તો મને ‘વાનગી સ્વાતંત્રતા’ અને ‘મહિલા મહાત્મ્ય’ એટલે શું? એનો સુંદર પરિચય કરાવવા બદલ હું મારી પોળના સભ્યોની આજીવન આભારી રહીશ...
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.