હળવાશ:‘નામ તો કંઇ હારું નથી... મને તો લાગે છે કે નામ પાડ્યું નથી પણ પડી ગયું છે!’

એક મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક
  • ‘દાકતર​​​​​​​ ય આલી આલી ન સુ આલ્વાના? દવા... તે એ તો દવા આલવાની એમની ફરજ છે’

‘અલા... આ પેલી નિકિતાની છોકરીનું નામ હાવ કેવું રાખ્યું ?’ કલાકાકીને નામ નઇ ગમ્યું હોય... પણ સવિતાકાકીને કંઇ પ્રોબ્લેમ ના લાગ્યો નામમાં, એટલે કહે... ‘કેમ વળી ? હારુ તો છે મજાનું... ‘પેરિશા’.’ ‘કંઇ હારુ નથી... મને તો લાગે છે... નામ પાડ્યું નથી, પણ પડી ગયું છે. એને રમાડવા હાટુ થઈને જાત જાતના રંગના કપડાં બતાઈને પૂછતાં હસે, બેબી..., પેરિસ આ ? પેરિસ આ ? એમાંથી પેરીસા નામ પડી ગયું બાપડીનું.’ કંકુકાકી ય જોડાયા કલાકાકી સાથે... ‘અલા... પેરીશા નામ છે... શ... શ...’ સવિતાકાકીએ સુધારો જાહેર કર્યો... ‘મને તો આમે ય એનું નામ બોલવું નઇ ફાવતું... તે હું તો ફેન્સી નામથી જ બોલાઉ છું એને... હું તો ફેનિસા જ કઉ છું... આપડાને જે ફાવે એ બોલીએ.’ હંસામાસીએ નામ અંતર્ગત પોતાની લાગણીઓ રજૂ કરી... ‘તારે રેખાના ભાણિયાનું ય એવું જ છે ને... એ દવાખાનામાં સુતો હસે, ને બધા આવતા હસે રમાડવા, તો પૂછે તો ખરા ને, કે બાબો ક્યાં ? એટલે પેલા વારે ઘડીએ... એને બતાઈ બતાઈને કહેતા હસે, આ સુતો છ... આ સુતો છ... એમાં ને એમાં આસુતોસ નામ પડી ગયું બાપડાનું... નામ પાડવામાં જરાય મહેનત જ નઇ કરવાની ? ખરા આળસૂડાં હોય છે બધા...!’ લીનાબહેને ય લાગતું વળગતું ઉદાહરણ આપ્યું... ‘અલા... હા... દવાખાનાથી યાદ આયું, યાર મારે તો બહુ લાંબું ચાલ્યું... હવે તો મારે બતાઈ જ આવવું પડસે...’ કંકુકાકી બોલ્યા. હવે મને ખબર નઇ કે એમને શું થયું છે... પણ સવિતાકાકીને રેફરન્સ મળી ગયો... એટલે તેઓશ્રી વદ્યા, ‘ હારુ તારે... જાવ દાકતર પાંહે... પણ મને નથી લાગતું, કે આમાં એને કંઇ ખબર પડે...’ ‘મને તો સવિતાબહેનની વાત હાચી લાગે છે... આ બાબતમાં એનું ગજું નઇ...’ કલાકાકી એ ય સહમતી આપી, એટલે લીનાબહેન ય બોલ્યા, ‘હા, આમાં એને એસ્ટ્રા કસુ દેખાવાનું હોય તો બરોબર છે... આમાં તો જે આપડાને દેખાય, એ જ એને દેખાય... ના તો આની સોનાગ્રાફી થાય, કે ના તો આના એસરે પડે... કે નથી આ જોવાના જાદુઇ ચસમા, કે એ પહેરીને ય ઇ કંઇક ભાળી હકે... એટલે આને તો તમારે નસીબ આડે પાંદડુ છે, એમ હમજીને સ્વીકારી જ લેવું પડે...’ ‘લીનાબહેનએ આટલી બધી સમજણ આપી, એટલે હંસામાસી ધરપત આપતા કહે, ‘જો બહેન, જ્યારે ઇ પાંદડુ ખસશે ત્યારે એની મેળાએ મટી જાસે... એમ માનીને ધીરજ રાખવા સિવાય આનો બીજો કોઈ છૂટકો નથી... મટસે એના ટાઈમે... હા, પછી નવી કોઈ ટેકનોલોજી આઇ હોય, ને એ જોવાનું માઇક્રોસ્કો જેવું કોઈ સાધન મલતું હોય... તો વ્યવસ્થિત દેખાય... અને દાકતરને હમજાઈ જાય... તો એની કસી દવા ય થાય...’ ‘અલા, આમાં દૂરબીન કૉઈ કામમાં લાગે ખરું ?તો હું લઈને જઉ દવાખાને...’ બિચારા કંકુકાકી આટલું બોલ્યા, એમાં દયા આઇ ગઈ મને એમની. ‘એવું હોત, તો તો હું બોલી જ હોત ને યાર...! માઇક્રોસ્કો હોય કોઈ પાંહે, તો તપાસ કરીએ... બાકી દૂરબીન તો નક્કામું... એ તો સ્ટેડિયમમાં ક્રિકેટ અને ઉત્તરાયણમાં પતંગ જોવા સિવાય કોઈ કામનું નઇ... નરી આંખે તો પોશીબલ જ નહીં.’ ‘દાકતર ય આલી આલી ન સુ આલ્વાના? દવા... તે એ તો દવા આલવાની એમની ફરજ છે, તે દવા તો આલવાના જ અને આપડે ભરોસો રાખીને લઈ એ લેવાના... પણ મને એ પ્રસ્ન છે, કે એ દવા આલસે કઈ ? કારણ કે આની કોઈ દવા છે જ નઇ.’ લીનાબહેનએ વળી કંકુકાકીના રોગને (જેની હજી સુધી મને ખબર નથી પડી) અનુલક્ષીને એમના ગહન અભ્યાસનો પરિચય કરાવ્યો... ‘કસુ ખબર પડે એવું હોય, તો એની દવા ય હોય... પણ આ તો ખણજલ... આનું કસુ ના થાય... પરભવનું ભોગવવાનું લખ્યું હોય, એને જ આવું થાય... અને એક વાત કહું કંકુબહેન, મને તો આની બહુ જ બીક લાગે હોં... કારણ કે આપડે આમ ખણ્યા જ કરીએ અને ચામડી ઉખડતાં ઉખડતાં એક દાડો હમૂળગો પગ જ ખરી જાય તો ક્યાં જવાનું ? બધ્ધું હારુ ભઈસાબ, પણ આ ખણજલ નઇ હારી...’ હંસામાસીએ પોતાના સ્થૂળ મગજનો પરિચય કરાવતા આ થવાનું કારણ અને એના ભયંકર પરિણામો વિષે જ્ઞાન પીરસ્યું. ‘તમે ય સુ પણ ખણજલ ખણજલ મંડ્યા છો... ખણજ કહેવાય... ક્યાં તો ખણ કહેવાય... ક્યાં તો પછી ખંજવાળ કહેવાય...’ લીનાબહેન ખીજાયા. એટલે હંસામાસી તાડૂકયા, ‘એવું કંઇ ના હોય... હં ! બધુ કંઇ તમે બોલો એવું જ બોલવું જરૂરી નથી... બીજું, કે એ બધા નામ હવે પ્રાચીન થઈ ગયા... જમાના પ્રમાણે ચેન્જ લાવો તમારામાં... ખણજ અને ખંજવાળનું અર્વાચીન અને ફેન્સી નામ ખણજલ છે... પાછું કંબલ... જલ... સ્થલ... બલ... ની જેવું હિન્દી ય ખરું... જો, તમે ‘ળ’ ને બદલે ‘લ’ બોલો એટલે સબ્દ એની મેળે પોણા ભાગનો તો હિન્દી જ થઈ જ જાય. અને હા, માણસને કંઇક તો સ્વતંત્રતા હોવી જોવે ને... સમાજ નક્કી કરે, એ જ બોલવું એવું ક્યાંય લખી નથી આપ્યું... આપડે જ સમાજ છીએ... તમે ચાલુ કરો બોલવાનું... અઠવાડિયામાં અમદાવાદ અને મહિનામાં તો આખું ગુજરાત આ સબ્દ બોલવા માંડસે... મૂળ મુદ્દે ખંજવાળની કોઈ દવા નથી... એ એક જાતની ગરમી જ હોય... બરફ લગાડો... મટી જસે... અને ના મટે તો તો હઉથી હારુ એ થસે કે એ વકરસે, ને વધસે તો કમ સે કમ દાકતરને ખબર તો પડસે દવા આલવાની... કંકુકાકીના પગ ખરે ના ખરે, મારા કાન તો આ સાંભળીને ચોક્કસ ખરી જવાના... એ બીકે હું તાત્કાલિક ઘરમાં જતી જ રહી...

અન્ય સમાચારો પણ છે...