તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:2021ની સવાર જુદી હોવી જોઇએ!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેરિસ સિટી હોલમાં ઉચ્ચ સ્થાનો પર સૌથી વધારે મહિલાઓની નિયુક્તિ બદલ 81 લાખનો દંડ ફટકારાયો છે. આ દંડ નવા વર્ષની શરૂઆતમાં પેટમાં ફાળ પાડે છે. 2021ની શરૂઆત થઇ રહી છે ત્યારે હજી સ્ત્રી સંખ્યા સામે પુરુષોની સંખ્યા ગણાઇ રહી છે?

- એષા દાદાવાળા

આ વાત થોડી ચોંકાવનારી છે. નવાઇ લાગે એવી પણ છે અને દુ:ખ થાય એવી પણ. 2020નો અંત થવા પર છે. 2021 શરૂ થઇ રહ્યું છે. આખી દુનિયા પ્રગતિના પંથ પર દોડી રહી છે ત્યારે ફ્રાંસે રફ્તારથી દોડી રહેલી દુનિયાનાં પગમાં અચાનક એક પથ્થર ફેંક્યો છે. વાત એવી છે કે પેરિસ સિટી હોલમાં ઉચ્ચ સ્થાનો પર સૌથી વધારે મહિલાઓની નિયુક્તિ બદલ 81 લાખનો દંડ ફટકારાયો છે. ફ્રાંસ પબ્લિક સર્વિસ મિનિસ્ટ્રીએ ફટકારેલા આ દંડનો પેરિસની મેયર એની હિડાલ્ગો વિરોધ કરી રહી છે. પેરિસનાં મેયરે શીર્ષ સ્થાનો પર 11 મહિલાઓની નિયુક્તિ સામે માત્ર 5 જ પુરુષોની ભરતી કરી હતી. એટલે કે 69 ટકા મહિલાઓ સામે માત્ર 31 ટકા પુરુષો જ શીર્ષ સ્થાને હતા. ફ્રાંસ પબ્લિક સર્વિસ મિનિસ્ટ્રીએ પુરુષોની ઓછી સંખ્યા પર સખત વાંધો લીધો અને મેયરને આ જુર્મ બદલ અધધધ દંડનો જુર્માનો ફટકારી દીધો. 2020નાં અંતની આ સૌથી કરુણ ઘટના છે. વો સુબહ આયેગી…ના ઇંતઝારમાં સદીઓ સુધી

અદબ-પલાંઠીવાળીને ઘરનો કોઇ ખૂણો પાળતી સ્ત્રીઓ હવે બહાર નીકળતી થઇ છે. કામ કરી રહી છે. ઓફિસ અને ઘર બંને સાચવી રહી છે. હાઇ પોઝિશન પર કંપનીને અને દેશને અભિમાન થાય એવા નિર્ણયો પણ લઇ રહી છે ત્યારે લોકોનાં પેટમાં ચૂંક કેમ આવી રહી છે? આખિર વો સુબહ કબ આયેગી જ્યારે 100 ટકા સ્ત્રીઓ કામ કરી રહી હોય અને પુરુષો સ્ત્રીનાં હુકમને અનુસરતા હોય? આપણે ત્યાં હજી પણ શીર્ષ સ્થાનો પર બેઠેલી સ્ત્રીઓનાં હાથ નીચે કામ કરવાનું પુરુષો સ્વીકારી શકતા નથી. કમર પર સાડી લપેટીને નીચી સીટ પર સ્ટિયરિંગની સામે ઉંચી ડોકીએ બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતી સ્ત્રી એક કંપની કેવી રીતે ચલાવશે એવા સવાલો ઘણાંને થતા હોય છે. આવા લોકો સ્ત્રીની બુદ્ધિ અને સ્ત્રીની આવડતની ચર્ચા કરવાને બદલે એની સાડી અને એણે પહેરેલી જ્વેલરીની ચર્ચાઓ કરતા હોય છે. શીર્ષ સ્થાને બેઠેલી સ્ત્રીઓ પુરુષો કરતા વધારે નિર્ભિક અને નિષ્ઠુર હોય છે. સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ એવું કહેતા દરેક પુરુષોએ નિરવ શાંતિમાં પોતાના બે હાથનાં કાંડાને એકબીજા પર ઠોકી ચેક કરી લેવું જોઇએ કે કોઇ અવાજ આવે છે?

ઇન્દિરા ગાંધી, વસુંધરા રાજે સિંધિયા, જય લલિતા, ગોલ્ડા મેયર, માર્ગારેટ થેચર જેવા બધા નામો ઇતિહાસે અને ખાસ કરીને પુરુષોએ ન જ ભૂલવા જોઇએ. પાકિસ્તાનનાં ભાગલા કે ઇઝરાયલનાં એથ્લીટ પર થયેલા હુમલા બાદ દુનિયાભરમાં ફેલાયેલો મૌસાદનો ખૌફ એ સ્ત્રીની નિર્ણયશક્તિ અને નિર્ભયતાનું પરિણામ છે. હમણાં જ એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં એક મહિલા ટ્રાફિક પોલીસ એક છોકરીને પાસે બોલાવી એની સાથે મરાઠીમાં કંઇક વાત કરે છે અને પેલી છોકરી ધીમે રહીને પેલી મહિલા પોલીસનાં ગજવામાં પૈસા સરકાવી દે છે. આપણે ત્યાં એક પરસેપ્શન છે કે સ્ત્રી લાંચ ન જ લે. સ્ત્રી કટકીઓ ન મારે. સ્ત્રી પૈસામાં ગોબાચારી ન કરે. સ્ત્રી ભ્રષ્ટાચારમાં ન પડે. એક રિસર્ચ મુજબ પુરુષોની સરખામણીમાં પૈસાની ગોબાચારી કરતી સ્ત્રીઓની સંખ્યા બહુ ઓછી છે.

શીર્ષ સ્થાનો પર જ્યારે નિયુક્તિ કરવાની હોય ત્યારે આવડત જોવાતી હોય છે. બુધ્ધિક્ષમતા અને નિર્ણાયક ક્ષમતા જોવાતી હોય છે, નહીં કે તમે સ્ત્રી છો કે પુરુષ. દરેક શીર્ષ સ્થાન પર બેઠેલી સ્ત્રીને મેનેજમેન્ટ કે બોસ સાથે સુંવાળા સંબંધો નથી જ હોતા અને ધારો કે અંગત સંબંધને ધ્યાને રાખી શીર્ષ સ્થાનો ભરવામાં આવ્યા હોય તો એ મેનેજમેન્ટનું પતન થયાના અનેક દાખલાઓ આંખ સામે છે જ. સ્ત્રીને પ્રમોશન આપવાની વાત આવે કે શીર્ષ સ્થાન પર એની નિયુક્તિની ચર્ચા થાય ત્યારે ઘણાં પુરુષો બંધ હોઠ વચ્ચે બબડી લેતા હોય છે. એમને સ્ત્રીની બુધ્ધિ પર શંકા હોય છે. નિર્ણય લેવાની આવડત પર એમને ભરોસો નથી હોતો. સ્ત્રી કુંવારી હશે તો પરણીને ચાલી જશે અને પરણેલી હશે તો પ્રેગ્નન્ટ થશે...વગેરે વગેરે દલીલો કરતા પુરુષોએ એકવાર સરકારી કચેરીમાં આંટો મારી આવવો જોઇએ અને ટેબલ પર કોથળો પડ્યો હોય એવી રીતે બેસીને કામ કરતા પુરુષોને

ધારી-ધારીને જોવા જોઇએ. જો તમને સ્ત્રીની બુધ્ધિ પર શંકા છે તો પુરુષો આકાશમાંથી બુધ્ધિનો પરવાનો લઇને નથી જ આવ્યા. અહીં હું એવી સ્ત્રીઓની વાત નથી કરી રહી જેમને પીરિયડ્સ લિવ જોઇએ છે. જેમને 33 ટકા અનામતનો લાભ લેવો છે. પોતાનાં સ્ત્રીત્વને આગળ ધરી પ્રમોશનો મેળવતી અને છેલ્લે મી-ટુ કહીને દુનિયાની સહાનુભૂતિ ઉઘરાવી લેતી સ્ત્રીઓની પણ વાત નથી. ઇન્દિરા ગાંધી અને રાબડીદેવીઓ વચ્ચે ફરક રહેવાનો અને આ ફરકને ઓળખવો એ આપણી જવાબદારી પણ છે. જો શીર્ષ સ્થાનો પર રાબડીદેવીઓને બેસાડી દેવાઇ હોય તો 81 લાખ નહીં 81 કરોડનો દંડ ફટકારવો જોઇએ પણ ઇન્દિરા ગાંધી કે ગોલ્ડા મેયર જેવી સ્ત્રીઓની નિયુક્તિ બદલ ઇનામ મળવું જોઇએ, દંડ નહીં. શીર્ષ સ્થાનો પર પુરુષો કરતા સ્ત્રીની સંખ્યા વધી જવાથી પેરિસનાં સિટી હોલને ફટારાયેલો દંડ નવા વર્ષની શરૂઆત પહેલાં જ પેટમાં ફાળ પાડે છે. 2021ની શરૂઆત થવાની છે ત્યારે હજી પણ આપણે સ્ત્રીની સંખ્યા સામે પુરુષોની સંખ્યા ગણી રહ્યા છીએ? હજી પણ આપણે જેન્ડર બાયસ્ડ છીએ? હજીપણ બુદ્ધિની અને આવડતની વેલ્યૂ જેન્ડર સામે નજીવી થઇ જાય છે? પાંચ પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા 11 થઇ જતા જો 81 લાખનો દંડ ભરવાનો આવે તો વિચાર કરો કયો દેશ કેટલો દંડ ભરશે? 2020 પૂરું થઇ રહ્યું છે. હવે આપણે કોરોનાની ચર્ચાને બાજુ પર મૂકી દેવી પડશે. જે યાદ રાખવા જેવું નથી એ બધું જ ભૂલી જવું પડશે. યાદ રાખવું જ હોય તો કોરોનાએ શીખવેલી શિસ્તને યાદ રાખજો. સ્ત્રી હોય કે પુરુષ પણ જો એની બુધ્ધિ, એની લાગણીઓ, એની નિર્ણયશક્તિ શિસ્તમાં રહેશે તો શીર્ષ સ્થાનો પર બેસતા એમને કોઇ અટકાવી નહીં શકે. બાકી 2021નું વર્ષ સ્ત્રી અને પુરુષ બેઉ માટે પોતપોતાની ક્ષમતા અનુસાર સત્તાનું વર્ષ બની રહે એવી ઇચ્છા. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો