જોબન છલકે:પ્રેમને અવગણવાની ભૂલ

11 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

મમ્મી...મને આ ગુલાબી ટોપ અપાવી દે ને...ખાલી હજાર રૂપિયાનું તો છે!’ માનસીની આ ડિમાન્ડ સાંભળીને તેની મમ્મીએ તરત ગુસ્સાથી કહ્યું, ‘હજી હમણાં તો બે ડ્રેસ લીધા હતા. તું પણ દર મહિને આખું બજેટ ખોરવી નાખે છે.’ મમ્મીની વાત સાંભળીને માનસીનો મૂડ બગડી ગયો. માનસીની હાલત જોઇને નિશાંત તરત જ એનો ફેવરિટ સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ લઇ આવ્યો અને આ આઇસ્ક્રીમ ખાતાં-ખાતાં માનસી થોડી ઠંડી પડી. નિશાંત...તેના ઘરના ઉપરના માળે ભાડે રહેતો યુવાન. માનસીના ઘરના ઉપરનો પોર્શન સાવ સેપરેટ હતો એટલે માનસીના પિતાના અવસાન પછી ઘરખર્ચ ચલાવવા માટે આ પોર્શન ભાડે આપ્યો હતો. આ ભાડાની આવક તેમજ માનસીના માતા જે ટ્યુશન કરતાં હતાં એનાથી ઘરનો ખર્ચ ચાલતો હતો પણ મર્યાદિત આવક હોવાના કારણે બહુ ટાઇટ બજેટ રહેતું હતું. માનસીને નિશાંતમાં કોઇ રસ નહોતો પણ તેને એટલી ખબર હતી કે તે કંઇક ભણે છે અને પોતાનો ખર્ચ કાઢવા માટે ફૂડ ડિલિવરીનું કામ કરે છે. માનસીના ઘરથી શોપિંગ મોલ બહુ દૂર હોવાથી મહિનામાં એક વખત માનસીના માતા અને માનસી શોપિંગ કરવા મોલમાં આવતાં હતાં પણ બંનેમાંથી કોઇને ડ્રાઇવિંગ આવડતું ન હોવાના કારણે કાર ડ્રાઇવ કરવા માટે નિશાંતને પણ લઇ આવતા હતા. નિશાંતે પણ આજ્ઞાકારી ભાડુઆતની જેમ ક્યારેય આ જવાબદારી નિભાવવાની આનાકાની નહોતી કરી. માનસીની જીવનશૈલી મધ્યમવર્ગને અનુરૂપ હતી પણ તેના સપનાં કંઇક અલગ જ હતા. માનસીને કોઇ ધનવાન યુવાનને પરણીને વિદેશમાં સેટલ થવાની ઇચ્છા હતી પણ તેને ભણવામાં કોઇ રસ નહોતો. તેને લાગતું હતું કે સફળતા એ સુંદરતાની પાછળ દોડે છે. તેની આ માનસિકતાને તેની ખાસ ફ્રેન્ડ શાલિની બહુ સારી રીતે સમજી ગઇ હતી અને તેણે માનસીને તેના અમેરિકા રિટર્ન ભાઇ ગોમ્ઝી સાથે લગ્ન કરાવી દેવાની લાલચ આપી હતી. ગોમ્ઝી બે વર્ષ પહેલાં ભારત આવ્યો હતો ત્યારે તે પહેલી નજર જે માનસી પર ફિદા થઇ ગયો હતો અને ત્યારથી તેમના પ્રેમપ્રકરણની શરૂઆત થઇ ગઈ હતી. તેમના સંબંધો એટલા પ્રગાઢ બની ગયા હતા કે તેમણે દિવસો સુધી અલગ અલગ હોટેલ્સમાં તમામ પ્રકારની મજા માણી લીધી હતી. માનસી કોલેજ જવાના બહાને ઘરેથી નીકળતી અને પછી આખો દિવસ હોટેલના રૂમમાં તે અને ગોમ્ઝી પ્રણયના ફાગ ખેલતાં અને તેમની રાતના બદલે દિવસો રંગીન બની જતા. આવી રીતે લગ્ન પછી દિવસો સુધી ‘સુહાગદિન’ની ઉજવણી કરીને આખરે ગોમ્ઝી અમેરિકા પરત થઇ ગયો હતો પણ માનસીની આંખમાં અમેરિકન ડ્રીમ્સ આંજતો ગયો. ગોમ્ઝીએ ગિફ્ટ કરેલા ફોનથી બંને વચ્ચે કલાકો સુધી વાત થતી હતી અને તે નિયમિત રીતે અઠવાડિયામાં બે દિવસ ગોમ્ઝીના ઘરની મુલાકાત લઇને ‘આદર્શ વહુ’ની જેમ જ બધા કામ કરી આપતી હતી. માનસી પોતાની જ દુનિયામાં મસ્ત હતી પણ જ્યારે તેના જન્મદિવસે ગોમ્ઝીનો કોઇ સંદેશ ન આવ્યો ત્યારે ચિંતામાં તે આગોતરી જાણ કર્યા વગર જ ગોમ્ઝીના ઘરે પહોંચી ગઇ. જેવી તે ઘરે પહોંચી કે તેના કાને શાલિની અને તેની માતાની વાતચીત પડી અને એકાએક તેના પગ જાણે અટકી ગયા. શાલિની તેની માતાને કહી રહી હતી, ‘આજે તો પેલી ચિપકુનો જન્મદિવસ છે તો કંઇક તો આપવું જ પડશે ને...’ આ સાંભળીને તરત તેની માતાએ કહ્યું કે ‘ના, ના. કંઇ જરૂર નથી. આ તો વગર પગારની નોકરાણી મળી ગઇ છે એટલે એને સહન કરું છું. મારો દીકરો અમેરિકામાં હોટેલમાં ‌વેઇટરનું કામ કરીને માંડમાંડ થોડી કમાણી કરી રહ્યો છે તો એ કમાણી થોડી હું વેડફીશ? ’ ગોમ્ઝીની મમ્મીની વાત સાંભળીને માનસીના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઇ. તે ઘરે આવી ત્યારે તેણે જોયું કે તેના બેડ પર મોટું ગિફ્ટ બોક્સ હતું. તેણે આ બોક્સ ખોલીને જોયું તો એની અંદર એ જ ગુલાબી ટોપ દેખાયું જે તેને લેવાની ઇચ્છા હતી પણ તેની મમ્મીએ લઇ નહોતું આપ્યું. આ સાથે બીજી એવી અનેક નાની-નાની વસ્તુઓ હતી જે તે લેવા ઇચ્છતી હતી પણ મમ્મીએ ના પાડતા તેની ઇચ્છા પૂરી થઇ શકી નહોતી. આ ગિફ્ટની સાથે એક લેટર હતો જેમાં નિશાંતે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો તેમજ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ સાથે નિશાંતે જણાવ્યું હતું કે તે એન્જિનિયર બની ગયો છે અને તેને પુણેની મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઇ છે જેના કારણે તે અઠવાડિયામાં પુણે જવા રવાના થઇ જશે. નિશાંતના એકરાર પછી માનસીની તો જાણે જ દુનિયા જ બદલાઇ ગઇ અને તેને અહેસાસ થયો કે તેણે ખોટી લાલચમાં આસપાસમાં પાંગરી રહેલા પ્રેમની સુવાસની અવગણના કરીને કેટલી મોટી ભુલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...