શરીર પૂછે સવાલ:ગરબા કર્યા પછી રાત્રે પગની નસ ખેંચાઇ જાય છે!

વનિતા વોરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું એક મોટી સોસાયટીમાં રહું છું અને મારી સોસાયટીમાં નવરાત્રિનું જબરદસ્ત આયોજન કરવામાં આવે છે. મારી સમસ્યા એ છે નવરાત્રિ દરમિયાન ફ્લેટની નીચે થતા ઘોંઘાટને કારણે મને તીવ્ર માઇગ્રેનના હુમલા આવે છે અને મારી તબિયત બગડી જાય છે. મારી આ સમસ્યાનો કોઇ ઇલાજ છે ખરો? એક પુરુષ (અમદાવાદ) ઉત્તર : માઇગ્રેન એક ન્યૂરોલોજિકલ કન્ડીશન છે જેમાં માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઇગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરના કોઈ ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર અવાજ અને રોશનીમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યા થવા લાગે છે. અનેક વખત તેજ લાઈટ અને ઘોંઘાટ પણ માઈગ્રેનના દુ:ખાવાને ઉભો કરી શકે છે. આવામાં એક શાંત વાતાવરણ માથાના દુ:ખાવા માટે બામનું કામ કરી શકે છે. જો તમે ક્રોનિક માઇગ્રેનથી ગ્રસ્ત છો તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જોકે, ભોજન અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને પણ રાહત મેળવી શકો છો, આ સાથે જ કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને પણ તમે આ દુખાવાથી બચી શકો છો. જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં આરામ મળશે. તીવ્ર રોશનીથી પણ માઇગ્રેનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય એટલું દૂર રહો. ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેનની સમસ્યામાં આરામ મળે છે. કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય ઉંઘ તમારા વિચારથી પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે ઉંઘની ઉણપથી કોઈપણ વ્યક્તિનું માઈગ્રેન વધી શકે છે. જો તમારી સાથે પણ આ સમસ્યા સર્જાય હોય તો પોતાની સ્થિતિને સારી કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા ઉંઘવા અને જાગવાનાં શિડ્યૂલ પર કામ કરવું પડશે અને યોગ્ય ઉંઘ લેવાનો પ્રયાસ કરવો પડશે. પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. મને નવરાત્રિમાં ગરબા કરવા ગમે છે. મારી સમસ્યા એ છે કે ગરબા કર્યા પછી રાત્રે પગની નસ ખેંચાઇ જાય છે અને ગોટલા બાઝી જાય છે. આનું શું કારણ હશે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : ખાણીપીણીમાં પૌષ્ટિક તત્ત્વોની કમી અને વધારે પડતી શારીરિક ગતિવિધિના કારણે આવી સમસ્યા ઉભી થઇ શકે છે. જો નવરાત્રિમાં શરીરની ક્ષમતા કરતા વધારે ગરબા કરવામાં આવે તો પગમાં ગોટલા ચઢી જવા કે પગની નસ ખેંચાઇ જવી જેવી સમસ્યા ઉભી થાય છે. રાત પડે ત્યારે પગની આ સમસ્યા વધુ સતાવે છે, ક્યારેક તો વ્યક્તિની ઉંઘ અચાનક ઉડી જાય છે. આ સમસ્યા માત્ર મહિલાઓને જ નહીં, પરંતુ પુરુષોને પણ પરેશાન કરે છે. આમ તો આ કોઇ બીમારી નથી, પરંતુ કોઇ રોગનું એક લક્ષણ છે. શરીરમાં નસોની નબળાઇ (ન્યુરોપેથી), ન્યુરોલોજિકલ વિકાર, વિટામિન ડી અને બી-12 જેવાં પોષકતત્ત્વોની કમી અને માંસપેશીની નબળાઇના કારણે આ સ્થિતિ ઉભી થાય છે. આ સમસ્યામાં રાહત જોઇતી હોય તો રોજ 15થી 20 મિનિટ નિયમિત રીતે વોકિંગ કરવાથી પગમા રક્તસંચાર યોગ્ય રીતે થઇ શકે છે. શરીરમાં પાણીની કમી પણ ન થવા દેવી જોઇએ. શરીરમાં પાણીની કમીથી પણ આ સમસ્યા થાય છે. જો શરીરના કોઇ પણ ભાગમાં આ સમસ્યા થાય તો તાત્કાલિક રાહત માટે ગરમ પાણીથી શેક કરો. જો આ સમસ્યા વારંવાર થતી હોય તો તેને નજરઅંદાજ ન કરો. તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધો. પ્રશ્ન : મને આખો દિવસ જાતીય જીવન માણવાના વિચારો જ આવ્યા કરે છે. શું આ યોગ્ય છે કે મને કોઇ બીમારી હોઇ શકે છે? એક યુવક (વડોદરા) ઉત્તર : વ્યક્તિને હાઇપર સેક્સ્યુઅલ ક્યારે માનવી તે અંગે ડોક્ટરોમાં પણ મતભેદ પ્રવર્તે છે. પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેક્સ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠાના અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતુષ્ટ રહી જતી હોય તેવી વ્યક્તિ હાઇપરસેક્સ્યુઅલ ગણાય છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. આવી સ્ત્રીઓ ‘નિમ્ફો મેનિયાક’ તરીકે ઓળખાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો કંઇક આ રીતે કહેવાય. તમે ભરપૂર જમીને અડધો કલાક પહેલાં જ ઊભા થયા હો અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો બીમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેક્સ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ વારંવાર સેક્સની ઇચ્છાને હાઇપર સેક્સ્યુઅલ ગણવી જોઇએ. વધારે પડતી કામુક્તા માટે ડોક્ટરી તપાસ જરૂરી બને છે. કેમ કે મેનિયા, સ્કીઝોફ્રેનિયા, ફ્રન્ટલ લોબ બ્રેઇન ટ્યુમર અથવા એપિલેપ્સિઝ નામની બીમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે. તમારે આ વિશે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. પ્રશ્ન : મારાં લગ્નને દોઢ વર્ષ થયું છે. મારી ગર્ભાવસ્થાને ચાર મહિના થયા છે. મને હજી પણ સવારે ઊઠું ત્યારે મોર્નિંગ સિકનેસ લાગે છે અને ચક્કર આવવા સાથે ઊલટી-ઉબકાં આવે છે. મેં સાંભળ્યું છે કે આ સમસ્યાઓ ત્રણ-ચાર મહિનામાં દૂર થઇ જતી હોય છે. તો મને કેમ હજી આવું થાય છે? ઉત્તર : તમે જે સાંભળ્યું છે એ વાત સાચી છે કે ઘણી મહિલાઓને ગર્ભાવસ્થાના ત્રણ-ચાર મહિના બાદ ઊલટી-ઉબકાં આવવા, ચક્કર આવવા વગેરે સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યા સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન યથાવત રહે છે. તમારા કેસમાં પણ આવું બન્યું છે. તમને જો વધારે તકલીફ ન પડતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો જરૂરી લાગે તો તમારા ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ. એ તમને આમાંથી રાહત કઇ રીતે મળે તેની સલાહ આપશે. મોર્નિંગ સિકનેસમાં રાહત મેળવવા જ્યારે પણ ઉઠો ત્યારે થોડી વાર વોક કરવાનું રાખો. ગર્ભાવસ્થા દરમિયાન સવારે ઉઠીને કામ કરવા લાગશો, તો તમને શરીરમાં નબળાઇ લાગશે. તેથી સવારે ઉઠીને થોડી વાર વોક કરો. જોકે કોઇ પણ એક્સરસાઇઝ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લઇ લો.

અન્ય સમાચારો પણ છે...