તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:સંબંધોની આંટીઘૂંટી

ડો. સ્પંદન ઠાકર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બચપણમાં માતાથી બાળક દૂર થઈ જાય કે જેનાં મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં હોય તે બાળકનાં મન પર આ વાતની ઊંડી અસર પહોંચે છે

વિકાસ અને વર્ષા એકાદ વર્ષથી રિલેશનશિપમાં હતાં. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંનેએ નક્કી કર્યું હતું કે એકબીજાને પૂરેપૂરાં સમજી લે એ પછી જ એ લોકો ઘરે વાત કરશે. બંને જાણતાં હતાં કે તેઓ મેડ ફોર ઇચ અધર છે. અવરોધરૂપ બની શકે એવી એક જ બાબત હતી. વિકાસનો સ્વભાવ વધારે પડતો સેન્સેટિવ અને પઝેસિવ હતો. એ ડગલે ને પગલે શંકાશીલ બની જતો હતો. મોટી મોટી બાબતોમાં એની રોકટોક ન હતી પણ નાની નાની વાતમાં એ આવું પૂછતો રહેતો: ‘ક્યાં હતી? કોની સાથે હતી? તું મારી જોડે રહીશને? મને છોડી તો નહી દેને?’ વર્ષા આ બધા પ્રશ્નોના જવાબ વારંવાર આપી ચૂકી હતી છતાં વિકાસનાં દિમાગમાં ફરી ફરી આવા પ્રશ્નો જ ઊઠતા રહેતા હતા. ક્યારેક તો એ ખૂબ અકળાઈ જતો. ક્યારેક વર્ષા પર આક્ષેપ પણ કરી દેતો કે તારું કોઇની જોડે અફેર ચાલે છે. થોડીવાર પછી એ રડી પણ પડતો કે હું આવું કેમ કરું છું. વિશ્વાસ એ કોઈ પણ સંબંધનો પાયો હોય છે. વિકાસની આ સ્વભાવગત નબળાઈ એવી બધી જ જગ્યાએ દેખાતી હતી જ્યાં જ્યાં તેને કંઇક ખોઈ બેસવાનો ડર લાગતો હતો. આના લીધે તે એગ્રેસિવ બની જતો. અગાઉ એક ગર્લફ્રેન્ડ સાથેની રિલેશનશિપ પણ કોઈ કારણથી બ્રેક-અપમાં પરિણમી હતી. આથી તે અસલામતી અનુભવવા લાગ્યો હતો. આવા ટ્રસ્ટ ઇશ્યૂ પાછળ વ્યક્તિનું બાળપણ પણ જવાબદાર હોઇ શકે. બાળપણમાં સૌથી મોટો આધાર માતા તરફથી મળતો હોય છે. જે બાળકને માતા તરફથી અપૂરતી કેર મળી હોય તેનામાં ટ્રસ્ટ ઇશ્યૂ પેદા થાય છે. બચપણમાં માતાથી બાળક દૂર થઈ જાય કે જે બાળકનાં મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં હોય તે બાળકનાં મન પર ઊંડી અસર પહોંચે છે. ઉછેરમાં પેરેન્ટ્સ તરફથી જોવા મળતી ઉપેક્ષા પણ વિપરીત અસર કરે છે. આવું બાળક આગળ જતાં ઇનસિક્યોરિટીનો શિકાર બની જાય છે. એને કોઈના પર વિશ્વાસ બેસતો નથી. વિકાસના કેસમાં વર્ષાને સૂચવવામાં આવ્યું કે એણે વિકાસનો પ્રોબ્લેમ સમજીને, એને વધુ પ્રેમ અને હૂંફ આપીને તેનાં મનમાં દબાયેલા સલામતીના ભાવને ધીમે ધીમે ઓછો કરતા જવો. જેમ જેમ સંબંધ આગળ વધતો ગયો તેમ તેમ વિકાસનો વિશ્વાસ વધતો ગયો. અને બંનેના સંબંધમાં કડવાશ ઘટતી ગઈ. મૂડમંત્ર ઃ અસુરક્ષાની ભાવના તમને મુસીબતોથી બચાવી શકે છે. પરંતુ ક્યારેક ડરને બાજુ પર રાખીને રિસ્ક લેવાથી જીવનનો સાચો આનંદ મળી શકે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...