તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટિંગ ડાયરી:ચાવીએ કરાવ્યો પ્રણયનો પ્રારંભ!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાહિલના મોંમાંથી અનાયાસ નીકળી ગયું, ‘જો ચાવીને પણ તમારી પાસે આવવાનું ગમતું હોય તો વિચારો મારી કેવી હાલત હશે?’

સંજના અને સાહિલ એક જ ઓફિસમાં સાથે જોબ કરતાં હતાં. લગભગ રોજ લિફ્ટમાં મુલાકાત થતી હોવાથી શરૂઆત એકબીજાં સામે સ્માઇલ આપવાથી થઇ. આમ, સામાન્ય ઔપચારિકતા શરૂ થઇ. જોકે હજી બંનેમાંથી કોઇના મનમાં અન્ય કંઇ વિચાર નહોતો આવ્યો. એક દિવસ બંને ઓફિસ અવર્સ પૂરા થતાં પાર્કિંગમાં આવ્યા અને એકબીજાને ‘સી યુ ટુમોરો’ કહીને પોતપોતાના વ્હીકલ તરફ ગયાં. થોડી વારે સાહિલ પોતાની બાઇક લઇને નીકળ્યો ત્યારે એણે જોયું કે સંજના હજી પોતાની સ્કૂટીને કિક મારવાનો પ્રયત્ન કરી રહી હતી. એણે કહ્યું, ‘મે આઇ હેલ્પ યુ?’ અને જવાબની રાહ જોયા વિના જ એણે સ્કૂટીને પોતાની રીતે ચાલુ કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. સાહિલના અનેક પ્રયત્ન છતાં જ્યારે સ્કૂટી ચાલુ ન થઇ ત્યારે એણે સંજનાને કહ્યું કે પોતાની બાઇક ઉપર એ સંજનાને ઘરે મૂકી જાય. બીજા દિવસે સંજના જ્યારે ઓફિસે પહોંચી ત્યારે થોડી વાર રહીને સાહિલ એની પાસે આવ્યો અને સંજનાને કહ્યું, ‘તમારી સ્કૂટીની ચાવી આપો. મેં મિકેનિકને બોલાવી લીધો છે. સાંજ સુધીમાં તૈયાર થઇ જશે.’ સાંજે સાહિલે એને ચાવી આપતાં કહ્યું, ‘લો, તમારું વ્હીકલ તૈયાર છે.’ સંજનાએ જઇને પોતાના સ્કુટીમાં ચાવી નાખવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાહિલે ભૂલથી પોતાની બાઇકની ચાવી એને આપી દીધી હતી અને પોતે પણ એ જોયું નહોતું. સંજનાએ સાહિલ સામે કી-ચેઇન લંબાવતાં કહ્યું, ‘તમારી બાઇકની ચાવી મારી પાસે આવી ગઇ.’ અને સાહિલના મોંમાંથી અનાયાસ નીકળી ગયું, ‘જો ચાવીને પણ તમારી પાસે આવવાનું ગમતું હોય તો મારી કેવી હાલત હશે?’ અને સંજના શરમાઇ ગઇ. પાર્કિંગમાંથી નીકળ્યા પછી બંને એક કાફેમાં કોફી પીવા ગયા અને સાહિલે કહ્યું, ‘સંજના, આપણે કોણ જાણે કેટલા સમયથી સાથે જોબ કરીએ છીએ, પણ થોડા સમયથી આપણી વચ્ચે જે નિકટતા વધી છે, એ નિકટતાને કાયમી બનાવવાની મારી ઇચ્છા છે. જો તમે હા કહો તો…’ અને સંજનાએ શરમાઇને જવાબ આપ્યો, ‘તમારી ઇચ્છા મને માન્ય છે.’ હવે સંજના અને સાહિલ વચ્ચે ચાવીની આપ-લે નથી થતી. બંને એક જ બાઇક કે સ્કુટી પર આવે-જાય છે અને પોતાના પ્રેમને વધારે પ્રગાઢ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...