લઘુનવલ: જંગલી:કામસુખનું મહત્ત્વ સ્વીકાર્ય, પણ દુષ્યંતને તો બીજા કશામાં રસ જ નહોતો!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના મહિનામાં હું પામી ગઇ કે દુષ્યંતને કેવળ એક શરીરની જરૂર હતી. એ રીતે જુઓ તો લગ્ન પાછળ દુષ્યંતની બીજી કોઇ અપેક્ષા પણ નહીં હોય!

- કિન્નરી શ્રોફ

પ્રકરણ - 4
જંગલી..જંગલી! દીકરો પરણાવ્યાની પહેલી રાત્રે ચંદ્રલેખાબહેનનાં ચિત્તમાં ઉભરાયેલો આફરો આજે લગ્નના છઠ્ઠા મહિને ય શમવાનું નામ નથી લેતો. ના, પહેલી રાતની વળતી સવારે ઊઠેલી વહુએ ચીસ જેવો બનાવ બન્યાની અણખટ જતાવી નહોતી, પણ પ્રસન્ન વદને ઘરકામમાં જોતરાઇ ગઇ હતી. અરેન પણ કેવો ખુશમિજાજ લાગ્યો!
એના બાપ જેવો જ! વળી ચંદાબહેનની ભીતર ઊથલપાથલ સર્જાઇ જતી, ગતખંડનું સંધાન થઇ જતું. કેટલા અરમાન સાથે હું સોનગઢનાં જંગલમાં આવેલા બંગલા જેવા ક્વાર્ટરના સજાવેલા ઢોલિયે બેઠી છું અને છેવટે દુષ્યંત પ્રવેશ્યા. દરવાજો બંધ થવાના અવાજે હૈયે મીઠું કંપન પ્રસરી ગયું.
‘અરે, તું હજુ તૈયાર નથી થઇ!’
દુષ્યંતના અવાજે હું વધુ સંકોચાઇ, જોકે એમનુ વાક્ય સમજાયુ નહી: સોળે શણગાર સજીને બેઠેલી હું, મારે હજુ કેવું તૈયાર થવાનું! ‘આજે તો આપણી સુહાગરાત, મારી રાણી!’ સાવ નિકટ આવી બોલાયેલા શબ્દોએ મને લજવી મૂકી.

‘મને હતું મારા આવતા સુધીમાં તું તૈયાર હશે...ખેર, હવે વખત ન વેડફ.’ થોડું હેબતાઇ જવાયું. ન કોઇ મીઠા સંવાદ, ન ઘુંઘટ ઉઠાવાની ચેષ્ટા...મનની લાગણી કડડભૂસ થઇ ગઇ. ‘પૂતળા જેવી કાં થઇ!’ અધીર બનેલા દુષ્યંતે પાનેતરનો છેડો ખેંચ્યો. એ ક્ષણે દુષ્યંત અને દુશાસનમાં કોઇ ફેર ન રહ્યો. એ રાત તો હજી શરૂઆત હતી અને ભવિષ્યમાં આનાથી પણ વધારે કાળી રાતો આવવાની બાકી હતી. એ સહજીવનની સહરાત્રિ નહોતી. અહીં ફ્ક્ત ને ફ્ક્ત પતિના અધિકારની વસૂલી હતી, પત્નીનાં ગમા-અણગમાને સ્થાન નહોતું. વાસનાથી મદોન્મત્ત બનેલા પુરુષ મ માટે સાધન જેવી સ્ત્રી હતી! દુષ્યંતને ન મારી ચીસો સ્પર્શી, ન મારા સ્પંદનોની પરવા થઇ! અરે, બીજો આખો દિવસ એમણે રૂમનો દરવાજો ખોલવા નહોતો દીધો: સુહાગરાત જ શું કામ, આપણે સુહાગદિન પણ ઊજવવો જોઇએ! આ સાંભળીને થથરવા જેટલી પણ સૂધ રહી નહોતી. જીવ જેવું કંઇક આવ્યુ ત્રીજે દહાડે, દુષ્યંત કામે નીકળ્યા પછી! કેવી શાંતિ લાગી. મન મનાવ્યું કે હોય, બધા પુરુષો સરખા નથી હોતા. દુષ્યંત આટલા વિષયી, છતાં કોઇ જોડે લફરું નથી કર્યુ એ તો હકીકતને. એમની છાપ ભલે કડક અધિકારીની રહી, એમના ચારિત્ર પર તો કામવાળી બાઇ પણ આંગળી ચીંધી શકે એમ નથી. વરસોથી જાળવેલો સંયમ એનો બંધ તોડે ત્યારે આવુ જ ઘોડાપૂર સર્જાતુ હશે, પછીતો બધું સમથળ થઇ જ જવાનુ, જોજેને!

આ વિચાર સાથે ગૃહસ્થીમાં મન પરોવ્યું, દુષ્યંત માટે ભાવતા પકવાન બનાવ્યા, એમના આગમન ટાંણે બાંધણી ભેગી ગજરાની સજાવટ પણ કરી. ઉર્મિઓ નવપલ્લિત થઇ કે... ‘ચલ રૂમમાં!’ ઘરમાં આવતાવેંત દુષ્યંત મને પલંગ પર તાણી ગયો ને ફરી દિલ કચડાઇ ગયું. લગ્નના મહિનામાં હું પામી ગઇ કે દુષ્યંતને કેવળ એક શરીરની જરૂર હતી. ખાનદાન આદમી એટલે બાપદાદાની આબરુનુ વિચારી અન્યત્ર મોં ન મારે. એ રીતે જુઓ તો લગ્ન પાછળ દુષ્યંતની બીજી કોઇ અપેક્ષા પણ નહીં હોય! સંસારમાં કામસુખનું મહત્ત્વ સ્વીકાર્ય, એની ઝંખના પણ સ્વાભાવિક પણ દુષ્યંતને તો એ સિવાય બીજા કશામાં રસ જ નથી. એ પુરુષ માટે હું કેવળ પકવાનભર્યો થાળ હતી, જેના પર એ અકરાંતિયાની જેમ તૂટી પડતો. આ યાતનાનાં નિશાન છૂપાવવા બીજે દહાડે મારે ગરદન અને પીઠ ઢંકાય એ રીતે સાડી પહેરવી પડતી. એ જોઇને ય ઘરકામ માટે આવતી બાઇઓ છાનું મલકી લેતી. કોઇને કેમ કહેવું કે આ સોહામણા રાજકુમારના જોમભર્યા પ્રણયની દેન નથી, એક વહેશી પુરુષે આપેલા જખમ છે પણ પતિને જે વેદનાની પરવાહ નહોતી એનું ગામગજવણું શું કરવું! અન્યોની હાજરીમાં ડાહ્યાડમરા રહેતા દુષ્યંત એકલા પડતા જ કામઘેલા બની જાય છે એની કથા ક્યાં માંડવી! આ જ મારુ નસીબ. દિવસ દરમિયાન દુષ્યંત બહાર હોય એ પળો રાહતરુપ લાગતી. આભમાં અંધારુ ઘેરાતું જાય કે હૈયે ધ્રાસ્કો જામતો જાય કે હમણાં દુષ્યંત આવશે ને કહેશે કે ચાલ રૂમમાં...આમાં એક રાતનો અપવાદ નહીં!

‘તારા ચહેરા પર રોનક કેમ નથી!’ બીજા મહિને બે દહાડા માટે સાસુમા અમારે ત્યાં આવી ચડ્યા: દુષ્યંતથી જંગલ છૂટતું નથી. અમે એનાથી ટેવાયેલા, પણ વહુ તને પણ અમારી સાથે રહેવાનુ સૂઝતું નથી? એમના ઠપકામાં પણ લાડ હતું. વારી વારી પૂછ્યું કે તને અહીં ગમે તો છે ને, કોઇ દુ:ખ તો નથીને! સાચુ બોલ, તારી રોનક કેમ ગાયબ છે? ‘હવાપાણીનો દોષ છે મા!’ દુષ્યંતે વચ્ચે ટપકી ‘ખુલાસો’ કર્યો, ‘માટે જ કહું છંુ, વહુને પહેલા આ વાતાવરણથી ટેવાવા દે. ટેવાઇ જાય પછી આપણે ત્યાં કે એના પિયર મોકલવી હોય તો મોકલજે!’ કેટલી સિફતથી દુષ્યંતે માને પટાવી પોતાનો સ્વાર્થ સાધી લીધો, રાત ન વેડફવાનો સ્વાર્થ! ત્યાં સુધી કે એમણે મને સુવાવડ માટે પણ પિયર નહોતી મોકલી! એ દિવસે મને દુષ્યંતના જીવનમાં મારા સ્થાનનો અહેસાસ થઇ ગયો હતો.

‘મા, મા...!’ અત્યારે, ગતખંડ વાગોળતા ચંદ્રલેખાબહેન ઝબક્યા, વર્તમાનમાં આવ્યા. અરેન કેવો ઉછળી રહ્યો છે, પેલી તરફ ઉભી વહુ કેવી શરમાય છે! શું વાત હશે? ‘મા, તું દાદી બનવાની!’ હેં! ખુશીના અણધાર્યા આંચકાએ એમની આંખો છલકાવી દીધી. હરખઘેલા હૈયે ચંદાબહેને વહુની નજર ઉતારી. એવો જ દીકરો ટહુક્યો, ‘જોયું, ચાંદની. મેં કહ્યુ હતુ ને કે મા તારી એટલી કાળજી રાખશે કે સુવાવડ પણ એની સામે અહીં કરાવશે, પ્રસૂતિ માટે તને પિયર નહીં મોકલે!’ સાંભળીને ચંદ્રલેખાબહેનનાં હૈયે કડાકો બોલ્યો: દીકરાએ ફરી એના બાપ જેવુ કર્યુ! આના જવાબમાં વહુ પણ ક્યાંક મારા જેવું જ કંઇક કરી બેઠી તો? હાંફી ગયાં ચંદ્રલેખાબહેન. ભીતર દફન ભેદનો લાવા જ્વાળામુખીની જેમ ફાટી ન પડે એ માટે બહુ મથવું પડયું એમણે! છ્તાં ચિત્તમાં તો પડઘો ઊઠ્યો જ: ન બને .જેવુ મેં કર્યુ એવું મારી વહુને તો ન જ કરવા દઉં હું, કોઇ કાળે નહીં!. હું નથી ઇચ્છતી કે મારા જીવનમાં ફરીવાર એ સંજોગોનું પુનરાવર્તન થાય. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...