વુમન ઇન ન્યૂઝ:સાદગીની મૂર્તિ છે ભારતનાં સૌથી ધનવાન મહિલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મીતા શાહ

હાલમાં ફોર્બ્સ મેગેઝિને ભારતના ટોચના 100 ધનવાન લોકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થયો છે. આ યાદી પર નજર ફેરવીએ તો ઓપી જિંદાલ ગ્રૂપના સાવિત્રી જિંદાલ આમ તો 19મા સ્થાને છે પણ ભારતીય ધનવાન મહિલાઓની યાદીમાં તેમનો ક્રમ પહેલો છે. આમ, તેઓ દેશના સૌથી અમીર મહિલા છે અને તેમની પાસે અંદાજે 1.33 લાખ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે. કોણ છે સાવિત્રી જિંદાલ? સાવિત્રી જિંદાલ આમ તો મૂળ આસામના છે અને તેમનો જન્મ 1950માં આસામના તિનસુકિયા ખાતે થયો હતો. 1970માં તેમનાં લગ્ન જિંદાલ ગ્રૂપના સ્થાપક હરિયાણાના ઓમપ્રકાશ જિંદાલ સાથે થયા હતા. ઓપી જિંદાલ બિઝનેસની દુનિયાનું જાણીતું નામ છે અને તેમની કંપની જિંદાલ ગ્રૂપ દેશની દિગ્ગજ સ્ટીલ કંપની છે. આ કંપની સ્ટીલના ફિલ્ડ સિવાય બીજા અનેક સેક્ટરમાં એક્ટિવ છે. ઓમ પ્રકાશ જિંદાલ અને સાવિત્રી જિંદાલને કુલ નવ બાળકો છે. તેમના ચાર દીકરાઓમાં પૃથ્વીરાજ જિંદાલ, સજ્જન જિંદાલ, રતન જિંદાલ અને નવીન જિંદાલ છે. તેઓ બિઝનેસ અને રાજનીતિમાં સક્રિય છે. સાવિત્રીના મોટા દીકરા પૃથ્વીરાજ જિંદાલ એ જિંદાલ સો કંપનીના ચેરમેન છે. બીજા દીકરા સજ્જન જિંદાલે જેડબલ્યુએસ કંપનીની કમાન સંભાળી છે. ત્રીજા દીકરા રતન કંપનીમાં ડિરેક્ટરની પોસ્ટ પર છે જ્યારે પરિવારના સૌથી નાના દીકરા નવીન જિંદાલ ‘જિંદાલ સ્ટીલ’ના ચેરમેન છે અને સાથે જ સાંસદ પણ રહી ચૂક્યા છે. પતિના અવસાન પછી બિઝનેસમાં એન્ટ્રી ઓપી જિંદાલ બિઝનેસ સિવાય હરિયાણાની રાજનીતિમાં પણ સક્રિય હતા. તેઓ હિસાર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા હતા અને સરકારમાં ઊર્જા મંત્રી હતા. 2005માં એક હેલિકોપ્ટર ક્રેશમાં તેમનું અવસાન થઇ ગઇ ગયું અને પતિના અવસાન પછી સાવિત્રી દેવી બિઝનેસની દુનિયામાં આવ્યાં. તેમણે જિંદાલ ગ્રૂપની જવાબદારી સંભાળી અને ત્યારથી કંપનીનો બહુ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેમણે બિઝનેસ સિવાય રાજકારણમાં પણ રસ લીધો અને પતિની હિસાર સીટથી તેઓ 2005 અને 2009માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યાં. આ સાથે તેઓ કેન્દ્રિય રાજ્યમંત્રી પણ રહ્યાં. જોકે તેઓ 2014માં વિેધાનસભાની ચૂંટણી હારી ગયાં. તેઓ સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. સાદગીપસંદ સાવિત્રી જિંદાલ સાવિત્રી જિંદાલ અબજોના માલિક છે અને તેમની પાસે પૈસા અને પાવરનું કોમ્બિનેશન છે. તેમને પોતાના જીવનમાં ક્યારેય આ બે પરિબળોની કમી નથી નડી. તેઓ દેશના સૌથી ધનવ‌ાન મહિલા છે પણ આમ છતાં તેમની જીવનશૈલી સાદગીભરી છે. તેઓ સાદી સાડી પહેરે છે અને માથે ઓઢી રાખે છે. યાદીમાં બીજી કઇ ભારતીય મહિલાઓ? ભારતની સૌથી અમીર ભારતીય મહિલાઓની યાદીમાં બાયોકોન ફાર્માસ્યુટિકલના કિરણ મજુમદાર બીજા સ્થાને છે. 2019ની સરખામણીમાં તેમની સંપત્તિ લગભગ બમણી થઇ ગઇ છે. હેવલ્સ ઇન્ડિયાનાં કિંમત રાય ગુપ્તાના પત્ની વિનોદ ગુપ્તા છે. જોકે છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે. ચોથા સ્થાને યુએસવી ઇન્ડિયાના લીના તિવારી છે. તેઓ અમીર ભારતીયોની યાદીમાં 47મા સ્થાને છે. દેશના પાંચમા સૌથી અમીર મહિલા ટાફેના મલ્લિકા શ્રીનિવાસ છે અને 100 અમીર ભારતીયોમાં તેઓ 58મા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...