કવર સ્ટોરી:આદર્શ પુરુષ હોય કે ના હોય, મારી શક્તિનો સોર્સ છે!

એષા દાદાવાળા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો સ્ત્રીની શક્તિ વિશે વાતો થતી હોય તો એ શક્તિનાં ઉદ્્ગમ સ્થાન વિશે પણ વાત થવી જોઇએ. જો સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય તો એક સફળ સ્ત્રી પાછળ એના ગમતા પુરુષનો કેટલો ફાળો હોય શકે?

પ્રિય, તને સવાલ થશે કે નવરાત્રિનાં દિવસોમાં ગરબા રમવાનાં હોય, માતાની પૂજા-આરતી કરી એમને પ્રસાદ ધરવાનો હોય, દીવડાં પ્રગટાવી માતાને અજવાળું ભેટ કરવાનું હોય...એમાં તને પત્ર શું કામ? નવરાત્રિ શક્તિનો તહેવાર છે. તને યાદ છે, એક દિવસ મેં તને સવાલ પૂછેલો કે તું કેટલો શક્તિશાળી? અને તું કશું બોલ્યો નહોતો…તે જોયા કરેલું મારી સામે… છેક ત્યારથી હું વિચારી રહી છું મારી શક્તિઓ વિશે. આમ તો હું સ્પષ્ટ છું. સાફ છું. પ્રમાણિક છું. કમિટેડ છું. મારી શર્તો પર જીવું છું. દિલ ફાડીને પ્રેમ કરી શકું છું. દિલ ફાડીને નફરત પણ કરી શકું છું. ઓફિસ અને ઘર બેઉ મેનેજ કરી શકું છું. રાત્રે મોડા સૂતાં પછી પણ ચહેરા પર થાક વર્તાવ્યા વિના સવારે વહેલી ઉઠી શકું છું. હસીને વાત કરી શકું છું. એકલાં એકલાં રડી શકું છું. મારી એકલતાને ઘઉંનાં લોટમાં રગદોળીને એના લુઆ બનાવી વણી, તળી, એના પર મીઠું-મરચું ભભરાવી એને ટેસ્ટી બનાવી શકું છું. કરચલીઓ રહી ન જાય એવી રીતે કપડાં ઝાટકીને દોરી પર સૂકવી શકું છું. ખોટું લાગ્યું હોય તો છૂપાવી શકું છું. ફર્શ પર ડાઘ ન રહી જાય એ રીતે ફર્શ પર અને આંસુઓ ન રહી જાય એ રીતે ચહેરા પર પોતું મારી શકું છું. ફોન પર ઓફિસની ઇન્સ્ટ્રક્શન આપતાં આપતાં રોટલીઓ વણું છું તો મારી રોટલી ચોરસ નથી થઇ જતી. પીરિયડ્સમાં હોઉં છું ત્યારે બે પગની વચ્ચેથી પસાર થતા લોહીના ગઠ્ઠાનાં તરફડાટ વચ્ચે ક્લાયન્ટ મીટિંગ કેન્સલ નથી કરી દેતી. તમે કોઇ જ મારા પીરિયડ્સનાં મૂડ સ્વિંગ્સનો ભોગ ન બનો એના માટે સાઇક્યિાટ્રિસ્ટની દવા પણ જાતે જ લઇ લઉં છું. આ મારી આવડત છે? મારી સ્માર્ટનેસ છે? કે મારી શક્તિઓ છે? સાચું કહું તો આ મારી શક્તિઓ નથી. આ તો મારા દ્વારા ઘટતી ઘટનાઓ છે. મારી શક્તિ તો તું છે. મારો ડ્રાઇવિંગ ફોર્સ તું છે. તું આસપાસ નથી હોતો કે તારી સાથે વાત નથી થતી કે તને નથી મળી શકતી તો આમાનું કશું જ દિલ લગાવીને, મન નિચોવીને નથી કરી શકતી અને એટલે જ નવરાત્રિના આ દિવસો દરમિયાન જો મારી અંદર રહેલી સ્ત્રીની શક્તિ વિશે વાતો થતી હોય તો એ શક્તિનાં

ઉદ્્ગમ સ્થાન વિશે પણ વાત થવી જોઇએ. જો એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય તો એક સફળ સ્ત્રી પાછળ એના ગમતા પુરુષનો કેટલો ફાળો હોય શકે? તને યાદ છે? એક દિવસ મારા ફેસબુક લાઇવમાં તું કહ્યા વિના જોડાઇ ગયેલો અને કમેન્ટમાં લખેલું કે હું તારો ડાયહાર્ડ ફેન છું…તારી આ કોમેન્ટ આજે પણ મારી અંદર તાકાત ભરી આપે છે. મારી ક્લાયન્ટ મીટિંગ પહેલાંનું તારું ઓલ ધ બેસ્ટ જાદુઇ છડી જેવું કામ કરી જાય છે. હું તારી પાસેથી જ શક્તિ મેળવું છું અને તારી મદદથી જ એ શક્તિને ટકાવી પણ રાખું છું અને એટલે જ નવરાત્રિનાં આ દિવસોમાં એકાદું નાનું ફૂલ મારે તને પણ ચડાવવું છે. હું નાની હતી ત્યારથી આદર્શ પુરુષ વિશે મનમાં સવાલો છે. હું તને પહેલીવાર મળેલી ત્યારે બિલોરી કાચ લઇ તારામાં રહેલા આદર્શ પૌરુષત્વને મેં ઝૂમ કરીને જોયું નહોતું. હું તો ખેંચાઇ હતી તારા તરફ બસ. તારું હસવું, તારું બોલવું, તારું ન બોલવું, તારું વઢવું, તારું ચીડાવું, તારું રડવું...આ બધું જ ખેંચતું ગયું મને તારા તરફ. કોઇ લોખંડ ચુંબક તરફ ખેંચાઇ જાય એમ અથવા તો પંચોતેરમાં માળેથી કૂદેલો માણસ જમીન તરફ ખેંચાતો રહે એમ હું ખેંચાતી ગઇ તારા તરફ. કારમાં હોય એવી બ્રેક મારામાં હતી તો પણ! મારી આસપાસ મેં જ ઊભા કરેલા હજ્જારો ગઢ વિખેરતાં વિખેરતાં તને જરા સરખો સમય નહોતો લાગ્યો અને મારા ચહેરા પર પથરાઇ જતું તારું તેજ સમેટતાં સમેટતાં મને સદીઓ લાગી જવાની છે. તારા તરફનું આ ખેંચાણ જ મારી અંદર શક્તિ ભરી આપે છે. કામ કરવાની શક્તિ. દુનિયાનો સામનો કરવાની શક્તિ. સંજોગો સામે લડવાની શક્તિ. કામ કરતા કરતા સહેજે ન થાકવાની શક્તિ. તે ન તો ચાંદ-તારા તોડી લાવવાની વાતો કરેલી કે ન તો મારા કદમે-કદમે હથેળીઓ પાથરી દેવાનું પ્રોમિસ આપેલું. દુનિયાભરનું સુખ મારા ખોળામાં પાથરી દેવાનો વિચાર સુધ્ધાં તને આવ્યો હશે કે કેમ એની મને ખબર નથી. ફૂલોની સુગંધને પરફ્યુમમાં કન્વર્ટ કરી આપવાનાં, ચાર દીવાલોનાં ઘરને રાજમહેલમાં પલટી નાંખવાનાં કે મારા દરેક સપનાંને સાચાં કરી આપવાનાં વચનો તેં ક્યારેય આપ્યા જ નથી અને છતાં તું મને હસાવી શકે છે. મને રડાવી શકે છે. મને જીરવવાનાં પ્રયાસો કરે છે અને મારી સાથે જીવવાની કોશિષ કરતો રહે છે. હું એવું સ્વીકારું છું કે જે તમને ખૂબ ગમતો હોય એ જ તમારો આદર્શ પુરુષ હોય શકે. જે તમને ખૂબ ચાહે, ચાહતો જ રહે, તમારા માટે કંઇપણ કરવા તૈયાર થઇ જાય એ આદર્શ પુરુષ હોય અને એ નાતે તું મારા માટે મારો આદર્શ પુરુષ છે જ. હું તારી સાથે હોઉં છું ત્યારે તું મને નહીં જ છેતરે એવા વિશ્વાસ વચ્ચે એક અજીબ સલામતીનો અહેસાસ થાય છે. છેલ્લે આવી સલામતી મેં મારી માનાં ગર્ભમાં અનુભવેલી કદાચ. નવરાત્રિનાં આ દિવસો દરમિયાન મારે તારું અનુષ્ઠાન કરવું છે. તેં મારામાં મૂકી આપેલી શક્તિઓને થોડી વધારે પાક્કી કરવી છે. તારા નામનાં દીવા પ્રગટાવવા છે. તારી આંખો પર મારી હથેળીઓ મૂકી રાખવી છે. તારા સપનાં ઉધારી પર લેવા છે, મારા પરસેવાથી પકવવા છે અને સાચાં કરી મૂકી આપવાં છે તારી જ આંખોમાં પાછાં. તારી ઇચ્છાઓનાં અવાજને સાંભળવો છે. તેં મ્યુટ મોડ પર મૂકી દીધેલી હતાશાઓને બોલતી કરવી છે. તારા ટેરવાની તરસને આખેઆખી નદી પીવડાવી દેવી છે. એક આદર્શ સ્ત્રી પોતાના શક્તિનાં સ્ત્રોત માટે આટલું તો કરી જ શકે ને? લિ, હું... dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...