મીઠી મૂંઝવણ:ગર્લફ્રેન્ડને લગ્નસંસ્થામાં વિશ્વાસ જ નથી...!

14 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું સંયુક્ત પરિવારમાં રહું છું અને મારા લગ્નને લગભગ છ મહિના થઇ ગયા છે. હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું અને તેની સાથે નિકટતા વધારવાના શક્ય એટલા વધારે પ્રયાસ કરતો રહું છું, પણ મારી પત્ની દર વર્ષે કોઇને કોઇ બહાનું કરીને મારાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. રાત્રે પણ હું સુઇ જાઉં પછી જ રૂમમાં આવે છે અને તેને મારી સાથે વાત કરવામાં કે મારી સાથે સંબંધ બાંધવામાં કોઇ રસ નથી પડતો. મેં તેને ઘણી વખત તેના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો પણ તે કંઇ કહેતી જ નથી. મને તેની સમસ્યા ખબર નથી પડી રહી અને દિવસેને દિવસે મારી હતાશા વધી રહી છે. મારી આ સમસ્યાનો ઉકેલ શું હોઇ શકે? એક યુવક (ભરૂચ) ઉત્તર : સૌથી પહેલાં તો તમારે તમામ નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરી દેવા જોઇએ કારણે કે આવા વિચારો જ સંબંધને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. તમારી પત્ની તમારાથી દૂર-દૂર રહે છે એ માટે અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. તમે સંયુક્ત પરિવારમાં રહો છો એટલે શક્ય છે કે તમારા પત્ની પર બધાની સગવડ સાચવવાની બહુ મોટી જવાબદારી હોય. શક્ય છે કે એ સંયુક્ત પરિવારમાં વધારે કામ કરવાને કારણે તમારા પત્ની થાકી જતા હોય પણ આ વાત તમને કહી ન શકતા હોય. ઘણી વખત વધારે પડતા થાક અને શ્રમ પછી છોકરીના મનમાં જાતીય સંબંધ માટે અભાવ ઉત્પન્ન થઇ જાય છે. આ સિવાય કેટલીક યુવતીઓના મનમાં શારીરિક સંબંધ માટે ડરની લાગણી પ્રવર્તતી હોય છે એટલે એ નિકટતા ટાળવાનો શક્ય એટલો વધારે પ્રયાસ કરે છે. જો તમારે પત્નીનો પ્રેમ જોઇતો હોય તો સૌથી પહેલાં તેની સમસ્યા જાણવાનો પ્રયાસ કરો. શક્ય હોય એટલો કામનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરો અને તેની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરો. આ પ્રક્રિયા દરમિયાન શારીરિક સંબંધ બાંધવાનો પરાણે પ્રયાસ ન કરો. જ્યારે તમારા પત્ની તમારી સાથે કમ્ફર્ટેબલ થઇ જશે ત્યારે તમને સમસ્યા જમાવશે. આ પછી તમે તમારા સંબંધને વધારે પ્રગાઢ બનાવી શકશો. પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું જ્યારે પહેલાં ઓફિસ જતી હતી ત્યારે મારા અને મારા સાસુ વચ્ચે ઘરની જવાબદારીઓની સારી રીતે વહેચણી કરવામાં આવી હતી. હું સવારનો નાસ્તો અને સાંજનું ભોજન બનાવતી હતી જ્યારે સવારના ભોજનની જવાબદારી મારા સાસુની હતી. હવે અમારી કંપનીએ અમને કાયમ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધા આપી છે, પણ આ સુવિધાને કારણે જ અમારી વચ્ચે તમામ સમસ્યાની શરૂઆત થઇ છે. હવે હું આખો દિવસ ઘરે રહું છું એટલે મારા સાસુ ઇચ્છે છે કે કિચનની તેમજ બાળકોની તમામ જવાબદારી સંભાળી લઉં. મારા માટે આ શક્ય નથી. હું તેમને આ વાતની ના નથી પાડી શકતી પણ મારા માટે બહુ મેનેજ કરવાનું બહુ જ મુશ્કેલ બની રહ્યું છે. મારી આ સમસ્યાનો શું ઉકેલ છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. ‘વર્ક ફ્રોમ હોમ’ દરમિયાન ઘરમાં કામ કરવાનું સહેલું નથી, ખાસ કરીને મહિલા માટે. તમારે તમારી આ સમસ્યાની ચર્ચા સૌથી પહેલાં તમારા સાસુ સાથે કરવી જોઇએ. તેમની સાથે વાત કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ લાવવો શક્ય નથી. આ મામલે સાસુ સાથે લડાઇ કરવાને બદલે તેમને પ્રેમથી સમજાવો કે કે તમે ભલે ઓફિસ નથી જઇ રહ્યા પણ તમારો વર્ક લોડ પણ એટલો જ છે. શક્ય છે કે એ તમારી વાત સમજી જાય. જો આમ છતાં તેઓ ન સમજે તો તમે સ્પષ્ટ શબ્દોમાં કહી શકો છો કે તમે એટલી જ જવાબદારી ઉઠાવી શકો છો જેટલી અત્યાર સુધી ઉઠાવી રહ્યા હતા.જો એવું નહીં થાય તો તમારા માટે જોબ કરવાનું શક્ય નથી. આ રીતે તેઓ ચોક્કસ સમજી જશે. જો આમ છતાં તમારી સમસ્યા ન ઉકેલાય તો આ મુદ્દે પતિ અને અન્ય સભ્યો સાથે વાત કરો. તમે ઘરકામ માટે બહારથી મદદ લેવાનો વિકલ્પ પણ અજમાવી શકો છો. આ રીતે તમારા સાસુ પણ ખુશ રહેશે અને તમારો લોડ પણ ઓછો થઇ જશે. પ્રશ્ન : હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે રિલેશનમાં છું. અમે બંને એકબીજાને ખૂબ જ ચાહીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે મારી ગર્લફ્રેન્ડ મેરેજ કરવાની સ્પષ્ટ ના પાડે છે. તે કહે છે કે તેને લગ્નસંસ્થામાં વિશ્વાસ જ નથી. હું તેના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવાની કલ્પના પણ કરી શકું તેમ નથી. મારી વય 31 વર્ષની થઇ ગઇ છે અને હવે મારો પરિવાર મારા પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો છે અને મારી ગર્લફ્રેન્ડ લગ્ન માટે કોઇ સંજોગોમાં તૈયાર નથી. હવે મારે શું કરવું જોઇએ? એક યુવક (વડોદરા) ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એમ છે. તમે પરિવારની લાગણી અને ગર્લફ્રેન્ડની ઇચ્છા વચ્ચે ફસાઇ ગયા છો. આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઇએ એ નક્કી કરવા માટે પહેલાં તો તમારી શું ઇચ્છા છે એની આત્મસમીક્ષા કરો. શું તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ન થવાના હોય તો રિલેશનશિપ ચાલુ રાખવા તૈયાર છો? જો તમારો જવાબ હામાં હોય તો પણ તમે કેટલું ખેંચી શકશો? તમારી વય 31 વર્ષની થઇ ગઇ છે ત્યારે હવે તમે ડેટિંગ અને પ્રેમમાં શું ફરક છે તે કદાચ તમે જાણતા હશો. તમે અને તમારી ગર્લફ્રેન્ડ હાલમાં રિલેશનશિપને અલગ-અલગ દૃષ્ટિકોણથી જુઓ છો. હવે જ્યારે તમારી રિલેશનશિપને ચાર વર્ષ થઇ ગયા છે ત્યારે હવે આ વિશે સ્પષ્ટતા થઇ જાય એ જરૂરી છે. જીવનના આ તબક્કે તમારા માટે મેરેજ કરવા કેમ જરુરી છે તેનાં કારણોનું લિસ્ટ બનાવો અને તે અંગે તમારી ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરો. તમે ઈચ્છો તો આ અંગે કાઉન્સેલિંગ પણ લઈ શકો છો. તમારી ગર્લફ્રેન્ડ મેરેજને માત્ર એક ફોર્માલિટી માને છે અને તમારા બંને વચ્ચે આ જ મામલે વિચારભેદ છે. જેમની સાથે તમારે વિચારભેદ હોય તેવા વ્યક્તિ સાથે રહેવાથી ક્યારેક તો સમસ્યા થશે જ. તેની સાથે કાયમના સંબંધ રાખવા તમે સમજો છો તેટલું સરળ નહીં હોય. તમારે અને તમારી ગર્લફ્રેન્ડે સાથે મળીને આ મુદ્દાઓની ચર્ચા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...