હળવાશ:‘ભવિષ્ય બહુ ધૂંધળું છે હોં દાડમનું... મને તો વિચારીને ધ્રુજારી આવી જાય છે!’

જિગીષા ત્રિવેદી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ના ના...દાડમના મલ્ટિપર્પઝ ઉપયોગો છે એટલે એની ડિમાન્ડ એટલી બધી નંઇ ઘટવાની. તમે એની ચિંતા છોડો. એનો તો ક્યારેક ને ક્યારેક ઉકેલ આવશે જ, પણ તમે સીતાફળની ચિંતા કરો. એ તો સૌથી કોમ્પ્લિકેટેડ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ છે’

હીએ...પણ અમુક અમુક ટેક્નોલોજી હજી નહીં વિકસી યાર. આપણને અમુક વખતે બહુ જ તકલીફ પડે છે યાર.’ કલાકાકીને કઈ ટેક્નોલોજીની જરૂર પડી એ જાણવા હું જાળીએ આવી... ‘હું તો કહું છું. હજી એવા ઘણાં મશીનોની જરૂર છે આ જગતને જેથી રોજિંદા કાર્યો સરળતાથી થઈ સકે. બીજું બધુ તો ઠીક, પણ આ ફ્રૂટ બાબતે બધાએ થોડા જાગૃત થઈને મસીનો વિકસાવવાની જરૂર છે. અમુક ટેક્નોલોજી નઇ હોવાના કારણે ખાલી કેળું અને દ્રાક્ષ એ બે જ ખાવાનો વારો આવે છે...’ હંસામાસીએ પોતાની આળસને અનુલક્ષીને જરૂરિયાત દર્શાવી. ‘ના ના હવે...સફરજન અને ચીકુમાં પણ કંઈ બહુ તકલીફ નથી પડતી, જેમ તેમ કરીને છાલ ઉતારી જ નાખીએ છીએ ને.’ કંકુકાકીએ કહ્યું એટલે હંસામાસીએ ફોડ પાડીને વાત કરી. ‘તો..ય. અમુક ફ્રૂટ તો ખાલી ચિત્રમાં જોવા જ હારા લાગે એવા છે. હવે આ દાડમ જ લઈ લો ને તમે...કેટલું ટાઈમ કન્ઝ્યુમિંગ ફળ છે ! દાણા કાઢો, પછી ખાવાના હોશ ના રહે તમારે...’ ‘હાચી વાત હોં. આ બીજા બધાય ફ્રૂટની છાલ ઈજીલી ઉતરી જાય...પણ આ દાડમ તો ભઈસાબ બહુ અઘરું. પાછું એનાં કલર-ડિજાઈન મસ્ત, એટલે સુસોભન કરવામાં ય હારું લાગે એટલે લેવું તો પડે જ. પ...ણ આ દાડમના દાણા એની મેળાએ નીકળી જાય એવું કૈંક શોધી કાઢે ને આ વૈજ્ઞાનિકો તો તો એટલી બધી સાંતી થઈ જાય ને...કે હું અઠવાડિયે કિલો કિલો લઉં.’ સવિતાકાકીને મન (વિજ્ઞાન અને મિકેનિઝમ) એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો.. ‘અડધું તો એ ટેક્નોલોજી નહીં આઈ એના કારણે જ દાડમના ભાવ વધારે છે. હવે એમાં એનો ય વાંક નહી યાર કારણ કે ફોલવાનો કંટાળો આવે એના કારણે આપડે લઈએ નંઇ... એટલે લારીવાળાને દાડમ બગડી જ જાય એટલે એ રહ્યોએ એને ખોટ ના જાય એટલે બાકીનાં વધેલાં હારા દાડમના ભાવ વધારીને જ વેચવાનો.’ હંસામાસીએ દાડમના ભાવ વધારાનું મૂળ કારણ દાડમ પોતે જ છે એમ જણાવ્યું. ‘હાચંુ હાચંુ...એક સિક્કાની બે બાજુ છે આ. ફોલવામાં ટાઈમ ય બગડે એટલે આપડે લઈએ નઇ. આપડે લઈએ નઇ એટલે ભાવ વધે.’ સવિતાકાકીએ સારી રીતે આખું ગણિત સમજાવ્યું. આ સાંભળીને કલાકાકીએ પોતાની ચિંતા રજૂ કરી, ‘પણ ભવિષ્ય બહુ ધૂંધળું છે હોં દાડમનું. મને તો વિચારીને ધ્રુજારી આઈ જાય છે યાર...! અલા, આનું પરિણામ સું આવસે ખબર છે તમને? જો એને ફોલવાનું મસીન સમયસર ના સોધાયંુ ને તો મુશ્કેલી પડસે દાડમ વેચવાવાળાને...ખોટ જસે ખોટ. પડ્યા રહેશે દાડમના ઢગલે ઢગલા...’ ‘ના ના...દાડમના મલ્ટિપર્પઝ ઉપયોગો છે એટલે એની ડિમાન્ડ એટલી બધી નંઇ ઘટવાની. તમે એની ચિંતા છોડો. એનો તો ક્યારેક ને ક્યારેક ઉકેલ આવશે જ, પણ તમે સીતાફળની ચિંતા કરો. એ તો સૌથી કોમ્પ્લિકેટેડ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ છે. પેલાના તો ચલો દાણામાં તો કંઇ વહીવટ નઇ ને.! એક હારે નીકળી તો જાય. જયારે આની તો બનાવટ જ અઘરી. છૂટક છૂટક નાની નાની સાઈજની છાલથી બનેલું આખું ફ્રૂટ છે આ સીતાફળ.’ લીનાબહેનને દાડમનાં ભવિષ્ય વિશે એટલી બધી ચિંતા નહોતી એટલે એમણે સીતાફળ તરફ સૌનું ધ્યાન દોર્યું, પછી જાણે આપણે સીતાફળ જોયું જ ના હોય એમ તેના વિશે વિગતે સમજણ આપી, ‘જો, દરેક બીયાંને પોતાની પર્સનલ ખરબચડી છાલ. પછી ધોળું અને છાલ જેવી ઇફેક્ટ આપતું હોય, એને ખાવાનું અને અંદર જે કાળું-કાળું ખાવા જેવી ઇફેક્ટ આપતું હોય, એને નાખી દેવાનું...અને પાછા એય ને મોટા મોટા બી...કુલ સો ટકા સીતાફળમાંથી પચ્ચીસ ટકા મેઇન લીલી છાલ...પછી સાંઇઠ ટકા કાળું બી...વધ્યા પંદર ટકા. હવે યાર પંદર ટકા ખાવા તો કોઈ આખું સીતાફળ ના જ લે ને યાર અને પાછું એનો મોટો ગેરલાભ સું ખબર છે ? મારું બેટંુ...એને ખાવા વખતે જ ફોલવું પડે. દાડમની એ તો સાંતી કે તમે ફોલીને તો રાખી શકો ફ્રિજમાં. હમજ્યા...!’ ‘હં...’ બધાએ એક સાથે હોંકારો ભણ્યો એટલે લીનાબહેને આગળ ચલાવ્યું, ‘અને બીજો મોટો ગેરલાભ એ, કે એક આખું ખાઈ જાવ, તો ય પેટમાં તો જાય જ નહીં. અન્નનળીમાં ચોંટે એટલું જ નીકળે એક સીતાફળમાંથી અને આંગળા દુખે એ નફામાં. આની ટેક્નોલોજી કોઈએ ના વિચારી તો જતે દહાડે સીતાફળ એક ઇતિહાસ બની જશે. યાદ રાખજો તમે મારી વાત. સીતાફળનું ઉત્પાદન જ ધીરે ધીરે બંધ થઈ જવાનું. કોઈ કરતાં કોઈ સીતાફળની ખેતી કરવાની હિંમત નહીં કરે. એટલે ખરેખરું તો સીતાફળનું ભવિષ્ય ધૂંધળું છે. નક્કી કોઈ ગણિતના સાહેબે ઉગાડ્યું હોવું જોઈએ... એ સિવાય આવું દાખલા જેવુ અટપટું ફ્રૂટ પોશીબલ જ નહીં...!’ લીનાબહેને જે રીતે સીતાફળની ચિંતા કરી ને, કે મને દયા આવી ગઈ એટલે અજાણ્યે જ મારાથી મોટેથી બોલાઈ ગયું, ‘હશે...જેવાં સીતાફળના નસીબ..!’

અન્ય સમાચારો પણ છે...