પ્રશ્ન : મારી કોલેજનો એક યુવાન મને ખૂબ ગમે છે, પણ એ બીજી યુવતીને પ્રેમ કરે છે. મેં એ યુવતીને અન્ય યુવાનો સાથે ફરતાં જોઇ છે. મેં આ અંગે એ યુવાનને વાત કરી, તો એ માને છે કે હું એનો પ્રેમ મેળવવા માટે ખોટું બોલું છું. મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમે તમને ગમતા યુવાનને દુ:ખ ન થાય એ માટે એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ તમારા માટે જો આવી ગેરસમજ ધરાવતો હોય તો પછી એ તમારા પ્રેમ કે લાગણીને યોગ્ય નથી એમ માની લો. કોઇ પણ યુવતી જાણીજોઇને અન્ય યુવતીની બદનામી ન કરે અથવા પોતાનો પ્રેમ મેળવવા માટે આવી કોઇ ખોટી વાત ન કહે. જો એ ન માનતો હોય તો પછી એને કહેવાનો કે સમજાવવાનો પ્રયત્ન ન કરશો.
પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે અને લગ્ન આવતા વર્ષે લેવાના નક્કી થયાં છે. મારા ભાવિ પતિ મને મળવા આવે છે અને અમે ઘણી વાર બહાર ફરવા જઇએ છીએ. થોડા સમયથી એ મને હોટલમાં રૂમમાં એકાંતમાં મળવાનો આગ્રહ કરે છે. હું એમને ના કહું તો એ નારાજ થઇ જાય છે. એમને કેવી રીતે સમજાવવા?
એક યુવતી (જામનગર)
ઉત્તર : તમારા ભાવિ પતિ તમને મળવા આવે અને તમે બંને બહાર ફરવા જાઓ તેમાં કંઇ ખોટું નથી. જોકે તમે જે કહો છો કે તમારા પતિ થોડા સમયથી તમને હોટલમાં જવાનું કહે છે તે વિશે વિચારવા જેવું ખરું કેમ કે લગ્ન પહેલાં આના માટે હોટલમાં જવું યોગ્ય નથી. એ નારાજ થઇ જાય તો તેની ચિંતા ન કરો. તેમને સમજાવો કે આ રીતે લગ્ન પહેલાં મળવાનું યોગ્ય નથી અને છતાં જો એ વધારે આગ્રહ રાખે અને નારાજ રહે તો થોડા સમય માટે બહાર મળવાનું બંધ કરી દો.
પ્રશ્ન : હું એક વાર મારા ઘરમાં એકલી હતી, ત્યારે મારા જેઠે મારી સાથે અજુગતું વર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો. મને ડર લાગે છે કે ફરી ક્યારેક હું ઘરમાં એકલી હોઉં તો મારી સલામતી કેટલી? હું શું કરું?
એક મહિલા (વડોદરા)
ઉત્તર : તમારા જેઠે તમારી સાથે જે ગેરવર્તન કર્યું તેનાથી તમે તમારી જાતને બચાવી લીધી. એ જોતાં ફરી એ આ રીતનું વર્તન કરતાં વિચારશે. આમ છતાં તમે એકલાં હો ત્યારે થોડા સાચવીને રહો. ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવું સારું કેમ કે તમારી સાથે એક વાર આવું બની ચૂક્યું છે. તમે તમારા પતિને આ અંગે જાણ કરો જેથી ભવિષ્યમાં જો કંઇ બને તો પતિનો સાથ તમને મળી રહે.
પ્રશ્ન : મારા લગ્ન થયાં ત્યારે મારા પ્રેમીએ મને ધમકી આપી હતી કે એ અમારા વિશેની વાત મારા પતિને કહી દેશે. આથી મેં જ મારા પતિને અમારા સંબંધ વિશે જણાવી દીધું. હવે મારા પતિ વાતવાતમાં મારા પર શંકા કરે છે. હું ક્યાંય કામ અંગે બહાર જાઉં તો પણ એમ જ વિચારે છે કે હું એને મળવા ગઇ હોઇશ. મારે મારા પતિની શંકા કેવી રીતે દૂર કરવી?
એક યુવતી (સુરત)
ઉત્તર : તમે જેનાથી ડરતાં હતાં એ કામ તમે જ કરી નાખ્યું. તમને ડર હતો કે પ્રેમી તમારા જીવનમાં સમસ્યા ઊભી કરશે તેના બદલે તમારા પતિને એ વિશે જણાવીને તમે જાતે જ સમસ્યા ઊભી કરી દીધી. હવે પતિના મનમાં શંકાનો કીડો ઘર કરી ગયો છે. તમારી પાસે એક જ વિકલ્પ છે. તમે બને ત્યાં સુધી એકલાં ક્યાંય જવાનું ટાળો. પતિની શંકાનું સમાધાન કરવા જશો તો એ વધારે વહેમાશે અને વધારે સમસ્યા ઊભી થશે. શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો અને કોઇ પ્રકારની ગેરસમજ તેમના મનમાં ઉત્પન્ન ન થવા દો.
પ્રશ્ન : મેં અને મારા પ્રેમીએ એક વાર સંબંધ માણ્યો હતો. એ દિવસ પછી મારા પ્રેમીએ તો મને કંઇ કહ્યું નથી, પરંતુ મને એની સાથે એકાંત માણવાની ઇચ્છા થઇ આવે છે. હું શું કરું?
એક યુવતી (રાજકોટ)
ઉત્તર : સામાન્ય રીતે આવી સ્થિતિ પ્રેમીઓમાં યુવાનની થતી હોય છે કે એ એક વાર સાથ માણ્યા પછી પ્રેમિકા સમક્ષ અવારનવાર માગણી કરે છે. જ્યારે તમારા કિસ્સામાં એનાથી સાવ વિપરીત છે. તમારા પ્રેમી લગ્ન પછી આગળ વધવાનું જણાવે છે. તમે તમારા પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. જો ખૂબ જ જરૂરી લાગે તો તમારા પરિવારજનોને તમારા પ્રેમી વિશે જાણ કરી એની સાથે લગ્ન કરી લો તે વધારે સારું રહેશે.
પ્રશ્ન : કોલેજમાં અમારું ચાર-પાંચ યુવક-યુવતીઓનું ગ્રૂપ છે. અમારા ગ્રૂપના બે યુવાનોને એક જ યુવતી ગમે છે અને તેના કારણે એ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થાય છે. માત્ર બે યુવાનોને કારણે અમારું આખું ગ્રૂપ વિખેરાઇ ન જાય તે માટે શું કરવું?
એક યુવતી (વલસાડ)
ઉત્તર : કોલેજમાં અભ્યાસ કરતાં હો, ત્યારે ગ્રૂપ સારું બની ગયું હોય અને પછી આ રીતે કોઇ બે મિત્રો વચ્ચે બોલાચાલીને લીધે ગ્રૂપ વિખેરાઇ જાય તે યોગ્ય નથી. તમે બંનેને સમજાવો કે એક જ યુવતી ગમતી હોય તો તે માટે અંદરોઅંદર આ રીતે બોલાચાલી કરવાને બદલે કોઇ એક પોતાની વાત જઇને એ યુવતીને જણાવે. જો એ યુવતીના મનમાં બંનેમાંથી કોઇને માટે લાગણી હશે તો એ જણાવી દેશે. જો ન જણાવે તો સમજી લેવાનંુ કે એને બંનેમાંથી એકેયમાં રસ નથી. આ રીતે વાતાવરણ કલુષિત કરવાને બદલે મળીને રહો તો કોલેજકાળની મૈત્રી સદાય માટે યાદગાર બની રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.