જોબન છલકે:રૂપ બન્યું અંગાર

મોસમ મલકાણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિતેશે એને ટ્યુબલાઇટના દૂધિયા પ્રકાશમાં ઉપરથી નીચે સુધી નિહાળી અને એને નજીક ખેંચતાં બોલ્યો કે મધુ, તારું શરીર તો ખરેખર ખજુરાહોનાં શિલ્પ જેવું છે...

મધુરીનો સ્વભાવ એના નામ પ્રમાણે અત્યંત મધુર અને જેવો સ્વભાવ એવું જ એનું સૌંદર્ય. એની સોસાયટીમાં એ તમામ યુવતીઓથી સુંદર હતી અને જ્યારે એને મિતેશ જોવા આવ્યો ત્યારે એણે માત્ર એટલું જ કહેલું, ‘તમારી સાથે લગ્ન કરીને હું મારી જાતને નસીબદાર માનીશ.’ આ વાતે મધુરીનું મન જીતી લીધેલું અને એણે લગ્નની હા કહી દીધી હતી. માતા-પિતાને હૈયે રાહત થઇ હતી કે ચાલો, દીકરીને સારું ઠેકાણું મળી ગયું અને તે પણ એની ઇચ્છા અનુસાર. હા, મિતેશ અમીર પિતાનો એકમાત્ર પુત્ર હતો. મધુરી એનાં સાસરે જઇને રાજ કરશે એ વિચારે માતા-પિતા પણ ખુશ હતાં. લગ્ન થઇ ગયાં અને મધુરી શરમથી લાલચોળ ચહેરા અને મંદ ચાલે સાસરિયાંના આંગણે આવીને ઊભી રહી. સાસુમાએ એને કંકુચોખાથી વધાવી. પ્રેમથી ઘરમાં એનાં કંકુપગલાં પડાવ્યાં. એને આખું ઘર બતાવ્યું અને રાત્રે એને મિતેશના રૂમ સુધી પહોંચાડી ગયાં. જતાં જતાં એટલું બોલ્યાં, ‘મધુ, મારો મિતેશ થોડો જીદ્દી છે. એને સાચવી લેજે.’ અને મધુરી આ સાંભળી ઓર શરમાઇ ગઇ. થોડી વારે મિતેશ રૂમમાં આવ્યો અને રૂમનું બારણું બંધ થયું. મધુરીનું હૈયું જોરજોરથી ધડકવા લાગ્યું. મિતેશ એની નિકટ આ​વ્યો. મધુરી વધારે શરમાઇ. મિતેશે એને રીતસર હુકમ કર્યો, ‘તારાં કપડાં ઉતાર.’ એનો આવો આદેશ સાંભળી પળવાર તો મધુરી એની સામે જોઇ રહી, પણ મિતેશે થોડા કડક અવાજે ફરી એ જ આદેશ દોહરાવ્યો. મધુરીએ પોતાનો ઘુંઘટ દૂર કર્યો, પણ એ હજી કંઇક દ્વિધામાં હતી. એની બહેનપણીઓ તો કહેતી હતી કે પ્રથમ રાત્રે પતિ જ…. પણ મિતેશ તો કંઇક અલગ રીતે જ વર્તી રહ્યો હતો. ખેર! પતિની ઇચ્છા અનુસાર એણે પોતાનાં શરીર પરનાં આવરણ દૂર કર્યાં ત્યારે એ મનોમન સંકોચથી કોકડું વળી જતી હતી. મિતેશે એને ટ્યુબલાઇટના દૂધિયા પ્રકાશમાં ઉપરથી નીચે સુધી નિહાળી અને એને નજીક ખેંચતાં બોલ્યો, ‘મધુ, તારું શરીર તો ખરેખર ખજુરાહોનાં શિલ્પ જેવું છે. મને આ શિલ્પમાં હવે પ્રાણ રેડવા દે….’ અને મધુરી કંઇ બોલે તે પહેલાં જ મિતેશે એને પથારીમાં ખેંચી લીધી. એક તરફ મધુરી પતિના આવા વર્તન અને સંકોચથી વધારે સંકોરાતી જતી હતી ત્યારે મિતેશ એને વધારે ને વધારે ભીંસી રહ્યો હતો. લગભગ આખી રાત મિતેશ એના દેહને પીંખતો રહ્યો અને મધુરી હોઠ ભીડીને પોતાની વેદના સહન કરતી રહી. એ બોલે પણ શું? પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો. મિતેશ રૂમમાં આવે એટલે એનો એક જ આદેશ હોય… અને મધુરીએ પણ જાણે એના આદેશને માની લીધો હોય એમ એ પોતાનું શરીર એને ધરી દેતી. એક દિવસ મધુરી પિયર ગઇ, ત્યારે પોતાની ભાભીને એણે અશ્રુભરી આંખે બધી વાત કરી અને બોલી, ‘ભાભી, મને સમજણ નથી પડતી કે મિતેશ આવું કેમ કરે છે! એ તો લગ્ન પહેલાં મને ખૂબ પ્રેમ કરતા હતા અને હવે લાગે છે કે જાણે એમને મારા શરીર સિવાય બીજા કશામાં રસ નથી.’ ત્યારે એનાં ભાભીએ એને શાંત પાડતાં કહ્યું, ‘મધુ, હજી એને તારા રૂપનો ખુમાર નહીં ઊતર્યો હોય. ધીરજ રાખ. બધુ સારી રીતે પાર પડી જશે.’ અને ભાભીની વાત માનીને મધુરી થોડા દિવસ પિયરમાં રહી પાછી સાસરે આવી. ફરી એ જ ક્રમ ચાલુ થઇ ગયો. મધુરીથી હવે સહન થતું નહોતું. આખરે એક દિવસ એણે પોતાનાં સાસુને વાત કરી. ત્યારે સાસુમાનો જવાબ હતો, ‘મધુ, મેં તને પહેલા જ દિવસે કહ્યું હતું ને કે મારો મિતેશ જીદ્દી છે. એને સાચવી લેજે અને આપણો સ્ત્રીનો અવતાર તો પતિને ખુશ કરવા માટે જ છે.’ મધુરી સાસુ સામે જોઇ રહી. એકવીસમી સદીની યુવતી ગણાવનાર મિતેશ આટલો જીદ્દી કે પોતાની પત્નીની ઇચ્છા-અનિચ્છા કે અરમાનોનું ખૂન કરતાં ન અચકાય! આખરે એણે નિર્ણય કર્યો, પોતે કોઇ પણ સંજોગોમાં હવે મિતેશને પોતાનું શરીર પીંખવા નહીં દે. એ રાત્રે મિતેશ રૂમમાં આવ્યો ત્યારે મધુરીએ સ્પષ્ટ ના પાડતા કહ્યું, ‘મિતેશ, મેં આટલા વખત સુધી તમારી ઇચ્છા પૂરી કરી, પણ મને ખ્યાલ આવી ગયો છે કે તમને માત્ર અને માત્ર મારા શરીરમાં જ રસ છે. તમે જ પ્રથમ રાત્રે મને કહ્યું હતું ને કે હું એકવીસમી સદીની યુવતી છું? તો આ એકવીસમી સદીની યુવતી હવે તમારી નિકટ નહીં આવે. તમે મારી સાથે જબરદસ્તી કરશો તો હું તમને અને આ ઘરને છોડી ચાલી જઇશ. નિર્ણય તમારે કરવાનો છે. તમને હું પસંદ હોઉં તો મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન ન કરશો.’ મિતેશ વિસ્ફારિત નજરે એને જોઇ રહ્યો. મધુરી બોલી રહી હતી આ બધું? એણે મધુરી સામે જોયું તો એ ગુસ્સામાં લાલચોળ થઇ ગઇ હતી. એ જ રૂપ, એ જ સૌંદર્ય જાણે આજે અંગારો બની દહેકી રહ્યા હતા અને મિતેશ… એની પાસે મધુરીની વાત માન્યા વિના બીજો કોઇ રસ્તો જ નહોતો. મધુરી આજે પણ મિતેશથી અલગ પથારીમાં સૂએ છે અને મિતેશ એ અંગારા બનેલા રૂપનું તરસી નજરે પાન કરતો રહે છે! જોકે તેની પાસે બીજો ઉપાય નથી.

અન્ય સમાચારો પણ છે...