તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:પહેલી લૂંટમાં લાગી ગયો કરોડોનો જેકપોટ

કિન્નરી શ્રોફ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -5 ફાઇનલી! અતિરાજે ઊંડો શ્વાસ લીધો. કાશીમીરા વટાવી પોતે નેશનલ હાઇ-વેને બદલે કાચા રસ્તે ઉતરી આવ્યો છે, રાત્રે દશના સુમારે આ નિર્જન વિસ્તાર બિહામણો ભાસે છે. વીસેક મિનિટના અંતરે ખાડી તરફનો ઢોળાવ છે, ત્યાંથી આવો જ કાચો રસ્તો હાઇ-વે તરફ લઈ જાય છે... પણ મારે ક્યાં હાઇ-વે તરફ જવુ છે? મારે તો ઢોળાવ પરથી કારને ખાડીમાં ગબડાવી દેવાની છે! ‘અતિરાજ ખાડીમાં ડૂબીને મરી ગયા!‘નો સિનારિયો સર્જી, અખિલનો વેશ ધરી હાઇ-વેથી ટેક્સી પકડી સીધો એરપોર્ટ ને ત્યાંથી દુબઇ! આ બાજુ કાલથી અતિરાજની શોધખોળ શરૂ થઈ જશે. સીસીટીવીનાં ફૂટેજથી કાશીમીરા સુધીનું ટ્રેસિંગ તો થશે, પછી કાચા રસ્તે ગયાનું અનુમાન લગાવી ખાડીમાં તપાસ થશે, ગોતાખોરો ડૂબકી મારી કાર ખોળી કાઢે એટલે સૌ સ્વીકારી લેવાના કે અતિરાજ ડૂબી ગયા! સમંદરમાં ડૂબનાર દરિયાઇ જીવોનો ખોરાક બન્યાનું સંભવ છે, અગાઉ લાશ ન મળી હોય છતાં વ્યક્તિ મૃત્યુ પામ્યાનું સ્વીકારાઇ ગયું હોવાના કિસ્સા બન્યા છે, એટલે અતિરાજના અકસ્માત મમાં પણ શંકા સેવવાનું કારણ નહીં હોય...અહીં સાંવરી રોતી હશે ત્યારે હું દુબઈમાં એશ કરતો હોઇશ! ‘હેય...!‘ અતિરાજની ચીસ નીકળી ગઈ, પગ અવશપણે બ્રેક પર દબાયો. આ ઝાડીમાંથી કોણ જુવાન ગાડી સામે ધસી આવ્યો! એ જ ક્ષણે એનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર નામ હતું: સાંવરી કોલિંગ! ‘પ્લીઝ, ઓપન ધ ડોર!‘ પેલો જુવાન બારી પર નોક કરતો હતો. ઉફ્ફ! આ શું મુસીબત! નિર્જન જગ્યામાં આ જુવાન ક્યાં આવવાનો થયો! આમ તો એકાંતમાં કોઇનો ભરોસો કરાય જ નહીં, બીજા સંજોગોમાં પોતે આને એવોઇડ કરી ગાડી ભગાવી જ હોત, પણ અત્યારના સંજોગ જુદા છે. મારે તો આ મંઝિલ છે અને મારે જે કરવું છે એમાં બીજા કોઇની પણ સાક્ષી નડતરરૂપ છે. મદદ માગતો હોય એમ કરગરતા જુવાન સાથે કોઇ બીજું પણ હશે? કદાચ કોઇ છોકરીને લઈને આવ્યો હોય ને કશું અણધાર્યુ બનતાં હેલ્પની જરૂર હોય...અંહ, આઇ મસ્ટ ટેકલ હિમ ફર્સ્ટ! સાંવરીનો કોલ કટ કરી અતિરાજે બારીનો કાચ સરકાવ્યો, ‘ક્યા હૈં...‘ અતિરાજ હજુ તો આટલું પૂછે છે ત્યાં ચીલઝડપ દાખવી જુવાને ડેસ્કબોર્ડ પર રહેલી રિમોટ કી ખૂંચવી લીધી, બીજી પળે એના હાથમાં ચાકુ જોઇ અતિરાજ થોથવાયો, ‘એય...યે ક્યા કરતા હૈ!‘ ‘માલ નિકાલ! જો ભી હે...જિતના ભી હે...‘ જુવાનના ટપોરી સ્વરમાં જીવ પર આવ્યાનું ઝનૂન હતું, ચાકુ પકડેલાં કાંડાની નસો ફુલી ગઈ હતી. એનો દીદાર જ કહી આપે છે કે એ ‘મરો યા મારો‘ના ઇરાદે ત્રાટક્યો છે... અતિરાજનાં વદન પર પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. અહીં લૂંટારાનો ત્રાસ છે એ માલૂમ નહોતંુ. ના, અતિરાજે આજે મરવાનું છે, પણ આ રીતે કોઇનાં ચાકુથી ખરેખર નહીં! એ પોતે સતર્ક હતો, લૂંટારાને ઝટ સરેન્ડર ન જ કર્યુ હોત, પણ આજનો પોતાનો પ્લાન એને રોકતો હતો: આને બને એટલો જલદી રવાના કર! એણે ખિસ્સા ફંફોસ્યાં. જોકે કાર્ડ લઈને ફરનાર પાસે માંડ ચારેક હજારની કેશ નીકળી. ‘બસ?‘ જુવાને ગાળ દઇ એની ગરદને ચાકુ ટેકવ્યંુ, ‘લાગે છે તને તારો જીવ વહાલો નથી...ક્યા સમજતા હૈં, યુપી કે ગાંવ સે મેં યે દો-ચાર હજાર લૂંટને કે વાસ્તે આયા હૂં?‘ અતિરાજની આંખે અંધારા આવ્યા. અંધારું વધતું હતું એમાં આ ખરેખર ચાકુ મારી જતો રહે તો તો...ઓહ, મારું મોત આમ લખ્યું હશે કે શું! ‘ભાઇ, અત્યારે તો મારી પાસે આટલા જ છે...‘ એણે હાથ જોડ્યા. પોતાને ચેન કે વીંટી પણ પહેરવી ફાવતી નહીં એનો આજે ભારે વસવસો થયો. ‘ઠીક છે, તને મોત જ વ્હાલું હોય તો...‘ એણે ચાકુવાળો હાથ ઉંચકી એટલા જોરથી વીંઝ્યો કે અતિરાજે માની લીધું કે ખલાસ! પણ ના, અતિરાજની છાતીથી બે જ ઇંચની દૂરીએ એના હાથને બ્રેક લાગી, કીકીમાં ચમક ઉપસી, ‘આ બેગમાં શું છે?‘ બે...ગ! બાજુની ખાલી સીટ પર મૂકેલી બ્લેક બ્રિફકેસ પર આની ક્યાં નજર પડી! એમાં તો અખિલના પાસપોર્ટથી માંડી સો કરોડના ડાયમંડ્સ છે! ‘બેગમાં તો કપડાં સિવાય બીજું શું હોય?‘ અતિરાજે હસવાની કોશિશ કરી. જુવાનની આંખો ઝીણી થઇ, ‘દે દે...તારી આ બ્રાન્ડેડ બેગ જ વીસ-પચીસ હજારની હશે! તારો મોબાઇલ પણ આપી દે...ક્વિક!‘ મોત આમ જ ક્વિક બોલી પ્રાણતત્ત્વ હરી લેતું હશે? અતિરાજ હાંફી ગયો. ના, મારે મરવું નથી એમ બેગ આપવાનો મતલબ પાછલા ચાર મહિનાની મહેનત પર પાણી! ‘નહીં, બેગ નહીં મળે. તારે મને મારવો જ હોય તો મારી નાખ!‘ કપડા ભરેલી બેગ માટે આટલી જીદ! ત્યારે તો આ બેગમાં જરૂર દલ્લો હોવો જોઇએ! ‘ઠીક છે, તો મર!‘ ચાકુવાળો હાથ ખેંચી જુવાને રિમોટ કીની કળ દબાવતા સરર બારીનો કાચ ચડ્યો, કાર લોક થઈ. આધુનિક કાર રિમોટ વિના અંદરથી ખૂલવાની પણ નહીં! મતલબ આ આદમી મને બંધ કારમાં પૂરી ગૂંગળાવીને મારી નાખવા માંગે છે! બે મિનિટ...પાંચ મિનિટ... કારમાં બફારો થવા લાગ્યો. અતિરાજ પરસેવે રેબઝેબ હતો, શ્વાસ લેવામાં ગૂંગળામણ વર્તાવા માંડી. બેગ દેવી પણ નહોતી ને જિજીવિષા છૂટતી પણ નહોતી. છેવટે એ દ્વંદ્વનો અંત આવી ગયો. મોતના ખોફે જિંદગી હારી ગઇ. ‘ખોલ!‘ છટપટાતા એણે કાચ પર હાથ ઠોક્યો અને બીજી મિનિટે બેગ લઇ એ જુવાન ઝાડી પાછળ ગયો અને પોતે છૂપાવી રાખેલી બાઇક લાવ્યો. બેગ બાઇકની સાઇડ ડિકિમાં મૂકી કીક મારી. બાઇક પર ગોઠવાઇ પાછળ જોઇ કારની ચાવી ફંગોળી...કેચ! કારની આગળ થોડે દૂર પડેલી ચાવી લેવાના અતિરાજને હોશ નહોતા. ઇટ્સ ઓલ ઓવર! ચાર-ચાર મહિનાથી ગૂંથેલી જાળ એક ઝાટકામાં ઉતરડાઇ ગઈ. હીરા તો ગયા જ, કમબખ્ત અખિલનાં કાગળિયાં લઈ ગયો એ બહુ ખોટું થયું. દુબઇનું તમામ ઇન્વેસ્ટમેન્ટ અખિલના નામ પર છે એટલે ફરીથી અખિલનાં રુપ-ઢંગના જ પુરાવા ઉભા કરવા રહ્યા...આમાં સહેજે પંદર-વીસ દહાડા નીકળી જવાના, એ દરમિયાન સાંવરી જો જર્મનીવાળા પ્રોજેક્ટની ફાયનાન્સ વિગતો તપાસવા માગે તો તો... અતિરાજે સ્ટિયરિંગ પર માથું ઢાળી દીધુ. સાંવરી! પાછલી આ બાર-પંદર મિનિટમાં એના ત્રણથી ચાર કોલ આવી ગયા...હોપ, એણે કંઇ સૂંઘ્યું ન હોય! સીમકાર્ડ ફેંકી મોબાઇલ લૂંટારો લઇ ગયો એટલે હવે એનો સંપર્ક પણ કેમ કરવો? અને સ્વીટી...એને તો મારે કહેવું જ પડશે કે આજનો પ્રોગ્રામ હવે કેન્સલ! ના, કેન્સલ નહીં, પોસ્ટ્પોન! છાતીમાં જુસ્સો ભરી અતિરાજ કારની કી લેવા નીચે ઉતર્યો. ...અને ત્રીજી મિનિટે થયેલા ધડાકાએ અતિરાજને લૂંટી બાઇક પર હાઇ-વે તરફ વળેલો જુવાન હચમચી ગયો. દૂર દેખાતી આગની જ્વાળા દઝાડતી લાગી. આ શું થયું? બોમ્બ બ્લાસ્ટ જેવો ધમાકો ક્યાં થયો? કોણે કર્યો? ક્યાંક પેલો કારવાળો તો... બીજી પળે માથંુ ખંખેર્યુ: જે હોય એ, મારે એની સાથે શું નિસબત! આગની જવાળાથી લોકો ખેંચાઇ આવવાના... એ પહેલાં મારે સરકી જવાનું હોય! અને અથર્વએ બાઇક ભગાવી. Â Â Â હી...રા! ખોલીમાં જઇ બેગ ખોલતા અંદરની સામગ્રીએ અથર્વને ચોંકાવી દીધો. સમવન અખિલ શાહના કાગળિયાં, દાઢી, લેન્સ જેવી ચીજો અને અંદરના ખાનામાં પાઉચમાં મૂકેલા ડાયમંડ્સ! હવે સમજાય છે કારવાળો બેગ માટે કેમ મરણિયો બન્યો હતો! સાથે એ પણ એટલુ જ સાચંુ કે હવે મારી માની સારવારમાં કોઇ કમી નહીં રહે! હા...શ! માના ઇલાજ માટે પોતાના આદર્શોને ભીતર દફનાવી અથર્વએ લૂંટની માનસિકતા કેળવી લીધેલી. મુંબઇના કયા વિસ્તાર જોખમી ગણાય છે એ તો નેટ પરના વિડીયો જોઇ પહેલીવાર જાણ્યું. ના, નામચીન વિસ્તારમાં પોતે જવુ નહોતંુ, ત્યાંના અનુભવીઓ મારા જેવા નવા નિશાળિયાને ફાવવા ન દે...સાથે એ પણ ખરું કે મારા શિકારને હું બિનઅનુભવી પણ લાગવો ન જોઇએ! એટલે રામપુરી ચાકુ સાથે કેટલી પ્રેક્ટિસ કરી, અવાજનો લહેકો બદલવાનું, વર્તનમાં બરછટપણું દાખવાનું શીખ્યો. માને સમજાતું નહીં: જાણે શામાં રચ્યોપચ્યો રહે છે હમણાંનો! માને સમજાવાનો સમય ક્યાં હતો? ડોક્ટરે ગઈકાલે જ કહી દીધુ: માને શિફ્ટ કરવામાં હજુ મોડું કરશો અથર્વ તો કદાચ શિફ્ટ કરવાની જરૂર પણ ન રહે! પોતે મોડા પડવું નહોતંુ અને લૂંટ પોતાના ગણાય એવા વિસ્તારની હદ બહાર કરવાની હોય જેથી ભવિષ્યમાં ઓળખાણની નોબત ન રહે...બહુ વિચારતા વસઇનો ખાડી વિસ્તાર યાદ આવ્યો. બે એક વરસ અગાઉ પોતે માને બાઇક પર વિરાર રામાયણની કથા સાંભળવા લઇ ગયેલો ત્યારે હાઇ-વે પુલ પર કામકાજ ચાલુ હોઇ કાચા રસ્તે જવું પડેલંુ, જંગલ જેવો એ નિર્જન એરિયા લૂંટ માટે ચાલે ખરો! માની ભાળ બાજુવાળા મીનામાસીને કરી પોતે ગઈકાલે એ જગ્યા તપાસ કરી અને આજે ખરેખર તો જેકપોટ લાગ્યો ગણાય! જોકે આ સ્થિતિને કારણે જીવનમાં મોટું પરિવર્તન આવવાનું હતું. કોઇનાં કાવતરામાં પોતાને હાજર રાખી કુદરતે શું ધાર્યુ છે એની ત્યારે અથર્વને ક્યાં ખબર હતી? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...