જોબન છલકે:પહેલો શારીરિક સંબંધ...શું એ સાચો પ્રેમ હતો?

મોસમ મલકાણી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મને આકાશની આંખોમાં પ્રેમ દેખાતો હતો પણ તે એને શબ્દોમાં વ્યક્ત કરવાનું ટાળતો હતો

કોલેજનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો હતો. એ દિવસોની દરેક ક્ષણ આજે 15 વર્ષ પછી પણ સારી રીતે યાદ છે. હું મારી બિનધાસ્ત સ્ટાઇલથી મારી દુનિયામાં મસ્ત રહેતી હતી. કોલેજમાં અમારું ત્રણ મિત્રોનું ગ્રૂપ હતું અને એમાં હું એકલી જ છોકરી હતી, પણ મને આ વાતનો કોઇ વાંધો જ નહોતો. અમારા ગ્રૂપમાં એક સિદ્ધાર્થ હતો જે બહુ રોમેન્ટિક હતો અને તેને હંમેશાં મારા વાળ અને કપડાંની ચિંતા સતાવતી રહી હતી, બીજી હું હતી અને ત્રીજો હતો આકાશ...ગંભીર પ્રકૃતિનો આકાશ બે શબ્દોથી કામ ચાલતું હોય તો ત્રીજો શબ્દ બોલવામાં માનતો નહોતો. એ સમય એવો હતો કે યુવક અને યુવતી ભાગ્યે જ કોલેજમાં વાત કરતાં હતાં પણ આકાશ ગમે તેટલાં વ્યસ્ત શેડ્યૂલમાં પણ લંચ ટાઇમ વખતે પાંચ મિનિટ કાઢીને મને મળવા આવતો. અમારા ત્રણેયની મિત્રતા સારી રીતે આગળ વધી રહી હતી ત્યારે કોલેજમાંથી એજ્યુકેશનલ ટૂર યોજાઇ જેમાં જંગલી વનસ્પતિનો અભ્યાસ પણ કરવાનો હતો. મેં આ ટૂરમાં સિદ્ધાર્થ અને આકાશ સાથે જ રહેવાનું પસંદ કર્યું. જંગલમાં અમે ત્રણેય જરૂરી રિસર્ચ કરી રહ્યાં હતાં ત્યાં એકાએક સિદ્ધાર્થ એક જગ્યાએ ફોટોગ્રાફીમાં તલ્લીન થઇ ગયો અને હું તો આકાશ સાથે બહુ આગળ નીકળી જતાં અમે અલગ પડી ગયાં. થોડા સમય પછી અમને અહેસાસ થયો કે અમે કોલેજના ગ્રૂપથી અલગ થઇને જંગલમાં ખોવાઇ ગયાં છીએ અને અમારા મોબાઇલમાં સિગ્નલ પણ નથી. આ સંજોગોમાં અમારી પાસે નજીકનાં ખંડેર જેવા ઘરમાં રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો. આખરે રૂમનાં બે અલગ અલગ ખૂણામાં અમે સૂઇ ગયાં. જોકે અડધી રાતે જંગલમાંથી આવતા અનેક પ્રાણીઓના અવાજે મારી નીંદર ઉડાવી દીધી અને મને ડર લાગવા માંડ્યો. ડરની આ લાગણીના કારણે હું આકાશની નજીક જઇને એની પાસે સૂઇ ગઇ. આકાશની અત્યંત નજીક હોવાના કારણે મને અજબ લાગણી થવા લાગી. તેના દેહમાંથી આવતી પરસેવાની સુગંધ અને કસાયેલા શરીરના સ્પર્શની હું ઉત્તેજિત થઇ ગઈ અને અમારા વચ્ચે લાગણીની કોઇ સ્પષ્ટતા ન હોવા છતાં મેં તેને બાહુપાશમાં જકડી લીધો. મારી આ પહેલથી આકાશ પણ જાગી ગયો અને તેણે મને સમજાવીને દૂર કરવાનો પ્રયાસ કર્યો પણ મારામાં જ તેની આનાકાની સાંભળવાની ધીરજ નહોતી. હું એને વધારે ઉત્કટતાથી વળગી પડી...હોર્મોન્સે આખરે એનું કામ કર્યું. અમારાં શ્વાસ અને શરીર એકબીજામાં સમાઇ ગયાં. અમારા બંને માટે શારીરિક સંબંધ બાંધવાનો આ પહેલો અનુભવ હતો. મારા માટે તો આ સોનેરી ક્ષણો હતી જે આજે પણ મને યાદ છે પણ આ અનુભવ વિશે આકાશ શું માને છે એ મને હજી સુધી ખબર નથી પડી કારણ કે બીજા દિવસે અમે બંનેએ વીતેલી રાત વિશે સ્પષ્ટતા કરવાનું કે પોતાની લાગણી વિશે જણાવવાની પહેલ કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. મને આકાશની આંખોમાં મારા માટે પ્રેમ અને લાગણીનો અહેસાસ સ્પષ્ટ દેખાતો હતો પણ તે દિલની વાતને શબ્દોમાં વ્યક્ત કરવાનું ટાળતો હતો. એ સમયે મને એમ લાગતું હતું કે તેને કદાચ લાંબા ગાળાના સંબંધોમાં રસ ન હોવાના કારણે તે વાત આગળ વધારવા નથી ઇચ્છતો. આ પ્રવાસના ગણતરીના દિવસો પછી ફાઇનલ યરની પરીક્ષા આવી અને અમે અલગ પડી ગયાં. ચાર-પાંચ મહિના પછી મને ખબર પડી કે આકાશના મોટા ભાઇએ તેને પોતાની પાસે કેનેડા બોલાવી લીધો છે. આકાશ કેનેડા ગયો પછી પણ અમારી વચ્ચે મહિનામાં ચારથી પાંચ વખત વાતચીત થતી હતી અને મારા જન્મદિવસે કે પ્રસંગોપાત મને પરફ્યુમ અને ચોકલેટ જેવી નાની-મોટી ગિફ્ટ પણ મોકલાવતો હતો પણ તેણે ક્યારેય શબ્દોથી કોઇ જ લાગણી વ્યક્ત નથી નહોતી કરી અને અમારી વચ્ચે સંબંધો વિશે કોઇ સ્પષ્ટતા નહોતી થઇ. આખરે ગ્રેજ્યુએશનનાં ત્રણ વર્ષ પછી મારા પરિવારે સારું ઘર અને વર જોઇને મારાં લગ્ન નક્કી કરી નાખ્યાં. આ સમાચાર જ્યારે આકાશને આપ્યા ત્યારે તેણે ‘સારું...’ એવો એકાક્ષરી પ્રતિભાવ આપ્યો. આમ, વર્ષો સુધી અમે એકબીજાની દુનિયાથી સાવ દૂર થઇ ગયાં. જોકે ચાર મહિના પહેલાં સોશિયલ મીડિયા પર અમારો ફરી સંપર્ક થયો હતો અને એના કારણે ફોન નંબરની આપ-લે થઇ હતી અને ક્યારેક થોડીક વાતચીત થઇ જતી હતી. જોકે બે દિવસ પહેલાં એકાએક તેનો વીડિયો કોલ આવ્યો ત્યારે જોયું કે તે કોઇ હોસ્પિટલમાં હતો અને તેના શરીર પર અસંખ્ય નળીઓ લાગેલી હતી. તે માંડમાંડ વાત કરી શકતો હતો પણ આમ છતાં તેણે કહ્યું કે...મને તારી બહુ યાદ આવી એટલે કોલ કરી લીધો. આ પછી મેસેજમાં તેણે જણાવ્યું કે તેને કોવિડ થઇ ગયો છે એટલે હોસ્પિટલમાં દાખલ છે. હવે આજે જ્યારે સિદ્ધાર્થે મને ફોન કરીને સમાચાર આપ્યા કે ગઇ કાલે કોવિડને કારણે આકાશનું અવસાન થઇ ગયું છે ત્યારે આજે દિલનો એક ખૂણો ખાલી થઇ ગયો હોવાનો અહેસાસ થાય છે. મને સતત વિચાર આવી રહ્યો છે કે મૃત્યુ નજીક હતું ત્યારે આકાશને મારી જ યાદ કેમ આવી? શું અમારી વચ્ચે બંધાયેલો શારીરિક સંબંધ માત્ર આકર્ષણ હતું કે સાચો પ્રેમ હતો? જોકે મારા આ સવાલનો જવાબ આપનાર બહુ દૂર ચાલ્યો ગયો છે.

અન્ય સમાચારો પણ છે...