(પ્રકરણ:9) તેજકુંવર! કેવી તેજીલી બાઇ. ક્યાંક એના ઊજળા પોતની ઇર્ષા હતી, ક્યાંક એના વારનો ડંખ હતો... રવિની રાત્રે, હોસ્પિટલના રૂમમાં વિશાખાના ચિત્તમાં એ વારનું વેર ઘૂમરાઇ રહ્યું છે. ઊંઘની દવાનો ઓવરડોઝ લેનારા સજ્જન ખતરા બહાર છે, પણ હોંશ આવ્યા નથી એટલે એને તો પહેલી પત્નીના પુનઃમિલનની ભનક પણ ક્યાંથી હોય! અને એ કાપુરુષને બદલાનું ઝનૂન પણ નહીં હોય, પણ તેજુનો દોષ હું નથી ભૂલી... ઊંડો શ્વાસ લઇ વિશાખાએ વાગોળ્યું. તેજકુંવરનો ઘા ચીત કરી દેનારો હતો. કાળી ચીસો નાખતો સજ્જન વિલાપ કરતો હતો : આ શું કરી ગઇ તેજુ! અરેરે. મને ક્યાંયનો ન રાખ્યો! પોતે સજાગ થઇ એની નિકટ ગઇ કે એણે હાથ પકડી લીધો, ‘મૂળી, મારી બરબાદીની જાણ કોઇને કરીશ નહીં... ના, મને અહીં નહીં, ક્યાંય દૂરના દવાખાને લઇ જા...’ ત્યારે તો પોતે એમની આજ્ઞા મુજબ કરતી ગઇ, પણ રાજકોટના પ્રાઇવેટ નર્સિંગહોમમાં સજ્જન આમ જ દવાના ઘેનમાં સૂતો હતો. એ વેળા એના શબ્દો ટિકટિક થવા લાગ્યા : મારી બરબાદીની જાણ કોઇને કરીશ નહીં... એ મુજબ અહીં અમારી સાચી ઓળખ નથી આપી, આમ તો આ પોલીસ કેસ ગણાય, પણ પૈસા વેર્યા પછી ભારતમાં શું નથી થઇ શકતું! અને આનો બીજો અર્થ એ કે સજ્જને પુરુષત્વ ગુમાવ્યાની એકમાત્ર સાક્ષી હું છું! આ વિચારે દિમાગમાં કડાકો બોલ્યો હતો : આ તો જેકપોટ કહેવાય! અને ખરેખર એ જેકપોટને પોતે બરાબર વસૂલ્યો... તેજકુંવર હવેલીથી જ અજાણવાટે નીકળી ગયેલી. પતિ સાથે અણબનાવ થતા તેજુબા સંસારની ગાંઠ છોડી નીકળી ગયા એટલું જ લોકોએ જાણ્યું. સજ્જનની પીઠ પાછળ આવું ય બોલાતું કે સત ધરાવતી બાઇએ ક્યારનો વંઠેલ ધણીને તરછોડવા જેવો હતો! કપરા એ સંજોગોમાં સજ્જન પ્રત્યે સહાનુભૂતિ દાખવી પોતે મૂળીમાંથી વિશાખા બનવાનો જોગ પાર પાડી દીધો... ના, મને સજ્જન પ્રત્યે પ્રેમ નહોતો, અમારા સંબંધમાં પહેલાંથી એના પક્ષે જરૂરિયાત ને મારા પક્ષે ગણતરી હતી. એને વિષયવૃત્તિ ઠારવાની જરૂરત ને મારે અમીરીને પામવાની ગણતરી! અમારું વિધિવત્ એક થવું સજ્જનના તો લાભમાં જ હતું. પત્ની જતા ફરી પરણનારો આદમી પુરુષત્વહીન છે એવું કોઇ માને નહીં એ સ્વાર્થે સજ્જનને પ્રેર્યો. પોતે પણ જાગીરદારના ઠકરાણા તરીકે સમાજમાં રુતબો જમાવી દીધો. પણ મારું એ સુખ સંપૂર્ણ ક્યાં હતું! અત્યારે પણ હળવો નિશ્વાસ સરી ગયો વિશાખાથી. બધું જ હતું મારી પાસે... અપાર વૈભવ, જાગીરદારનું નામ, ઠકરાણાનો મોભો... સજીધજીને અરીસા સામે ઊભી રહેતી, મૂળીનું પરિવર્તન જોઇ મગરૂરીથી મલકતી, પણ ધીરેધીરે મારું પ્રતિબિંબ પણ મંદમંદ મુસ્કુરાતું થયું. એનો ઉપાલંભ સહેવાતો નહીં. આયનામાં મલકતી વિશાખા પૂછતી : ધન્ય તારી આ રૂપસજ્જા! આ મોંઘાં પટોળાં, આ હીરામોતીના દાગીના... પણ સ્ત્રીના શણગારને કોઇ માણનારું જોઇએ, એના રૂપને મૂલવનારું જોઇએ! શયનખંડનું એકાંત ભડકે બળતું હોય એ આગ હીરા-પન્નાથી નથી બૂઝતી, એને તો બારમાસી પુરુષનું ચોમાસું જ ખપે... અને તારા નસીબમાં લખાયેલો પુરુષ તો પુરુષમાં જ નથી! પ્રતિબિંબ અટ્ટહાસ્ય વેરતું ને હું બરડ ચીજનો ઘા કરી આયનો ભાંગી નાખતી... તો ય ન શમતો ગુસ્સો નોકરવર્ગ પર ફંટાતો, સજ્જનને મેણાંટોણાં મારી દાઝ ઊતારતી, અને તો ય ઉકળાટ ન શમ્યો ત્યારે તેને ગમતા પુરુષને હવેલીમાં દોરી ગઇ ... પહેલો એ પુરુષ હતો જમીનના સોદા માટે જાગીરદારને મળવા આવેલો વેપારી નરોત્તમ! વયમાં મારાથી માંડ ચારેક વરસ મોટો નરોત્તમ દેખાવડો હતો, રંગીલા જુવાનને ઢાળ આપતા સહજપણે લપસ્યો. જમીનની ડિલ બાજુએ રહી ને અમે હવેલીએ ઘણીવાર મોજમસ્તી માણી. સજ્જનને જાણ થતા ભડક્યો, પણ મને ક્યાં એની તમા હતી! ‘તારામાં વેતા નથી એટલે મારે પરપુરુષને નોતરું દેવું પડે છે... ફરી મને ચારિત્ર પર ભાષણ દેવાનો થયો તો ભરી સભામાં તારું પાટલૂન ઉતારતા મને શરમ નહીંં આવે!’પત્યું! પોતાની ઊણપ ઉઘડે નહીં એ માટે સજ્જન દરેક અપમાન સહેતો ગયો... ને હું હવેલીના રજવાડી કક્ષની શૈયામાં મનગમતા પુરુષને તાણી જવા લાગી... અલબત, ઠકરાણા તરીકે મારી ઇમેજ જાળવવાની હતી, કોઇ પુરુષ મારી નબળાઇ બને એવું થવા દઉં એટલી નાદાન નહોતી હું... હવે તો મારું સુખ સંપૂર્ણ ગણાયને! ફરી હું બનીઠની આયના સામે મગરૂરીથી ઉભી રહેતી ને પ્રતિબિંબ હજુય ઉપહાસ દાખવતું : પત્નીના રૂપ, શ્રુંગાર પતિ માટે હોય, તું ખુદને તારા જ પતિની પહેલી બૈરી સામે મૂકી જો. છે તારા ચારિત્રમાં તેજકુંવરનું તેજ? તે પહેલાં અમીરી માટે પુરુષની નબળાઇને નિશાન બનાવી, હવે એ પુરુષ નકામો ઠરતા પારકાને પથારીમાં તાણી જાય એ શું સન્નારીનાં લક્ષણ છે? ના, મૂળી... તું વિશાખા બની, સજ્જનની પત્ની બનીને પણ તેજકુંવરની તોલે તો ન આવે! સમસમી જવાતું. ઘવાયેલું મન ફુત્કારી ઊઠતું : તેજુના શા વખાણ! છતાં ધણીએ મારે કામસુખ માટે પારકા સમક્ષ ઝોળી ફેલાવવી પડે, એ કોના પાપે? પુરુષ માટે ઐયાશી શોખની ચીજ હોય શકે, સ્ત્રીને તો ભીતરથી એ વેશ્યાવૃત્તિ જેવું જ લાગતું હોય છે અને મારી આવી અનુભૂતિ માટે જવાબદાર છે સજ્જનની પહેલી પત્ની તેજકુંવર! દાઝ ઘૂંટાતી રહેતી. ના, એ જોગમાયાને પડકારવાનું ત્યારે ગજાબહાર લાગતું. સજ્જન તો એના ઉલ્લેખે ધ્રૂજી જતો, એટલે પણ એની ભાળ કાઢવાનું ન બન્યું. અહીંથી ગયેલી એ ગર્ભવતી હતી, એના સંતાનનું પણ શું થયું એ કોણે જાણ્યું! અને ધીરેધીરે બધું અલબત નેપથ્યમાં જતું રહેલું. હા, સજ્જન સમક્ષ ભલે હું નફ્ફટપણે દિલાવર જેવા પુરુષને માણતી હોવાનો દેખાવ કરું, અંદરખાને મને એની અણખટ રહી જ છે... અને આજે તેજુના ટકરાવે વાળી રાખેલું વેર સપાટી પર આવી લબકારા મારે છે! વિશાખાએ દમ ભીડ્યો : મારા સુખમાં તલવાર વિંઝનારીને મારે દેખાડી આપવું છે કે હવે તલવાર તારા સુખ પર વિંઝાશે! અનાયાસે થયેલા આપણાં પુનઃસંધાનનો આજ મતલબ હોય! *** ‘જો તો, બાજુમાં તેજુબહેનને કામ હોય તો પૂછતી આવ’ સોમવારની બપોરના ચારનો સુમાર છે. બપોરની ઊંઘમાંથી અજાત જાગી ગયા હશે એમ વિચારતી ચાંદનીને મામીએ કહેતા લપસનારને જાણે ઢાળ મળ્યો. પ્રણયનો જાદુ આમ ચાલતો હશે એવું ક્યાં ધાર્યું હતું! બે-ત્રણ મુલાકાતોમાં કોઇ હૈયાનો હાર બની જાય એ સ્વાનુભવ સિવાય કેમ સમજાય! અને અજાતના હૈયે હું હોવાની સાબિતી ગઇ કાલે તેજુબાએ એમની વિતક કહી એમાં જ મળી ગઇ... સાંજે રાજુભાને મળવાનું થયું. મા એમને વઢેલા : તું તો અજાતનો ખરો ભગત, ભાઇ! એણે કહ્યું એટલે તે પણ મને જણાવ્યુ નહીં કે એને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે! હું તમારી ઓફિસે ફોન ન કરું તો મને હજુય જાણ ન થાત...’ ‘મા, આ બેન કોણ છે?’ રાજુભાએ સિફતથી માને ટાઢાં પાડેલાં. ‘નામ એનું ચાંદની. એને મેં અજાતનો કાન ખેંચવાનો પરવાનો આપ્યો છે, શું સમજ્યો!’ ‘સમજી ગયો!’ ચાંદની તરફ મીઠું મલકી એણે અજાતના કાનોમાં બબડી લીધું, ‘ત્યારે તો તમે થોડા દિવસથી ખોવાયેલા રહેતા’તા એ આજ કારણે, કા!’ સાંભળીને પોતે લજાયેલી, ત્યાં સિસ્ટર અલકનંદા રિપોર્ટ લઇને આવી હતી. અજાતને લાગેલા તીર પર ઝેર હોવાનુ કન્ફર્મ થતાં હું-મા ધ્રૂજી ઉઠેલાં, અજાતના કપાળની રેખા બદલાઇ નહોતી. ‘ડોન્ટ વરી’ સિસ્ટરે સધિયારો આપ્યો, ‘ડોક્ટર્સે એન્ટિડોટ શરૂ કરી જ દીધા છે એટલે ચિંતા કરવા જેવું નથી, અહીં થોડું વધું રોકાવું પડશે એટલું જ.’ કહીને બહાર જતી નર્સની પાછળ સરકી પોતે પૂછ્યું હતું, ‘સિસ્ટર, હોસ્પિટલમાં સજ્જનસિંહ નામના પેશન્ટ પણ સવારે આવ્યા... એમને શું થયું છે?’ આમ તો સેવાના સિદ્ધાંતને વરેલી અલકનંદા અહીંનું તહીં કરવામાં માનતી નહીં. કાર્યમાં કુશળ અને સ્વભાવની માયાળુ એટલે સ્ટાફમાં ય બધા જોડે એને ભળે. હોસ્પિટલથી બીજી ગલીમાં એનું સાસરું. એનો પતિ વરસેકથી નોકરી અર્થે દુબઇ ગયેલો, સાતેક વરસનો એક દીકરો પણ ખરો જે સાસુ-સસરાને કારણે સચવાઇ જતો. દિવસભરમાં નર્સ સાથે ગોષ્ટિથી આટલું જાણી ચૂકેલી ચાંદનીનો અજાત માટેનો હૈયાભાવ અલકનંદાથી છૂપો નહોતો, એટલે પણ સહજભાવે બોલી જવાયું, ‘સજ્જનસિંહે ઊંઘની દવાનો ઓવરડોઝ લીધો છે...’ ‘ઓહ!’ ચાંદની આંચકો છૂપાવી ન શકી, ‘મતલબ, આપઘાતનો પ્રયાસ!’ અલકનંદાએ ખભા ઉલાળ્યા, ‘ડોન્ટ નો. એમના વાઇફ કહે છે કે દવા છતાં એમને ઘણીવાર ઊંઘ નથી આવતી એની અકળામણમાં અજાણતા જ હેવી ડોઝ લેવાયો હશે.. પેશન્ટ કાલે બરાબર હોંશમાં આવી શું સ્ટેટમેન્ટ આપે એ જોઇએ.’ ના, સજ્જનસિંહે ખરેખર આત્મહત્યા પ્લાન કરે હશે તો ય બચ્યા પછી વિશાખા વિરુદ્ધ તો નહીં જ જાય... બિચારા! અજાતને જાણ કરવામાં એ ઉશ્કેરાઇ જવાનો ડર હતો, પણ તેજુમાને પોતે સજ્જનસિંહના આપઘાતના પ્રયાસની જાણ કરેલી. ‘જેવા જેના કરમ!’ મા એટલું જ બોલ્યા હતા. સવારે મામીના ઓપરેશન સમયે તેજુમા પણ અમારી સાથે રહ્યા... મામા-મામી એમના તેજે પ્રભાવિત બન્યા. સંવેગભાઇને તો અજાત જોડે ફાવે જ છે... મારા હૈયાની વાત એમને કરુ? સાંજે મામીની ખબર કાઢવા પપ્પા-મમ્મી પણ આવી રહ્યા છે, એમને કહું? અજાતના રૂમમાં જતી ચાંદનીને ક્યાં ખબર હતી કે પ્રણયમાં હોવું સ્વયંમસ્પષ્ટ હોય છે! એના જતા જ મામી પછી મામાને બોલ્યા: મોસાળાની તૈયારી કરો, મામાશ્રી! *** ‘સારું થયું તું આવી ગઇ, ચાંદની. તું અહીં બેસે તો હું ઘરે જઇ રાતનું ખાણું બનાવી લઉં...’ ચાંદનીને સૂતેલા અજાતની ભલામણ કરી તેજલબા નીકળ્યા... અને બરાબર કલાક પછી, ધડામ સાથે અજાતશત્રુના રૂમનો દરવાજો ખૂલ્યો. અજાતની આંખમાંથી કચરો સાફ કરવા એના ચહેરા પર ઝૂકેલી ચાંદની ડોક ફેરવે ત્યાં તો વિકાસ ઉંબરેથી જ બોલ્યો; ‘જોઇ લો, સંવેગ તારી બહેનના ભવાડા! એકાંતમાં પરપુરુષ જોડે કેવાં છાનગપતિયાં...’ સટાક. સંવેગના તમાચાએ વિકાસ વાક્ય પૂરું કરી શક્યો નહીં. ‘તું ગમેતેમ ન ભરડ, વિકાસ’ સંવેગે સંભળાવ્યું, ‘અજાત સાથે ચાંદનીની સગાઇ થવાની છે!’ હેં! અજાત-ચાંદની પણ ચોંકી ગયાં. ‘વડીલો સાથે મારી વાત થઇ ગઇ છે...’ મલકતો સંવેગ ભીતર આવ્યો, ‘બોલો, અજાતકુમાર, મારી બહેન પસંદ છે ને!’ અજાત મીઠડું શરમાયો. ચાંદની દોડીને સંવેગને વળગી પડી. ત્રણેની ખુશી નિહાળી જીવ બાળતો વિકાસ ગાલ પંપાળતો બહાર નીકળી ગયો. નહીં, આ તમાચો હું નહીં ભૂલું! મને ઓવરટેક કરનાર અજાત, ચાંદનીને હું તારી તો નહીં જ થવા દઉં! દાઝ ઘૂંટતો એ કોઇ જોડે અથડાયો. એ વિશાખા હતી.(ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.